માસૂમ ધ્રિશિવની દરેક ક્ષણ અમૂલ્ય જીવ બચાવવા 9.5 કરોડની જરૂર
નાનકડું જીવન મોટી લડત; ધ્રિશિવ માટે દૂઆ અને આર્થિક સહાયની જરૂર
સાથી હાથ બઢાના!
સીટી ન્યૂઝ@અમદાવાદ
અમદાવાદનો ૧૧ મહિનાનો ધ્રિશિવ સોની (Dhrishiv Soni) આજે પણ મા-બાપના હૃદયને આશાના તારે બાંધીને બેઠો છે. તેની મીઠી મુસ્કાન અને નિર્દોષ આંખો જોઈને કોઈ કલ્પના પણ ન કરી શકે કે આ નાનકડા શરીરમાં એક ભયંકર બીમારી તેને ધીરે-ધીરે નિર્બળ બનાવી રહી છે. ધ્રિશિવને સ્પાઈનલ મસ્ક્યુલર એટ્રોફી (SMA) ટાઈપ ૧ નામની બીમારી છે. આજે ધ્રિશિવ માટે દરેક દિવસ એક લડાઈ છે. તેના નાના હાથ-પગ ધીરે-ધીરે તાકાત ગુમાવી રહ્યા છે. માતા-પિતાની આંખોમાં આશા અને આંસુઓનું મિશ્રણ છે. તેઓ જાણે છે કે તેમના બાળકને બચાવવાનો એક જ માર્ગ છે - જીન થેરાપી (Gene Therapy). નાનકડા ધ્રિશિવની જીવરક્ષા માટે જીન થેરાપીની જરૂર છે, જેના એક ઈન્જેક્શન (જેમ કે Zolgensma)ની કિંમત કરોડોમાં છે. આ બીમારીના કાયમી ઈલાજ માટે અમેરિકાથી 'ઝોલ્જેન્સમા' (Zolgensma) નામનું ઈન્જેક્શન મંગાવવું પડે તેમ છે.
આ જીવરક્ષક ઈન્જેક્શન મંગાવવા માટે આશરે ૯.૫ કરોડ રૂપિયાની જરૂર છે. આ આંકડો સામાન્ય પરિવારને આકાશ જેટલો ઊંચો લાગે છે. ધ્રિશિવના માતા-પિતા સોનાલીબેન અને દર્શનભાઈ પોતાની તમામ તાકાત લગાવીને દોડાદોડી કરી રહ્યા છે, પરંતુ એકલા હાથે આટલી મોટી રકમ ભેગી કરવી તેમના માટે અસંભવ છે. તેથી તેઓએ લોકો સમક્ષ હાથ લંબાવ્યો છે. તેઓ કહી રહ્યા છે, "અમારા દીકરાને બચાવવા માટે તમારી મદદની જરૂર છે. એક રૂપિયો પણ અમારા માટે આશાનું કિરણ બનશે." એટલું જ નહીં, ગુજરાતના જાણીતા આરજે અને અનેક સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સે પણ આ અપીલને પોતાના પ્લેટફોર્મ પર વહેતી મૂકી છે.
તેઓ લોકોને વિનંતી કરી રહ્યા છે કે આ નાનકડા બાળકના જીવન માટે આગળ આવો. તેમની વિનંતી પર લોકો પોતાની ક્ષમતા મુજબ મદદ કરી રહ્યા છે.ધ્રિશિવની માતા સોનાલીબેને કહ્યું કે, 'ધ્રિશિવની સારવાર માટે ઈન્જેક્શન માટે ૯.૫ કરોડ રૂપિયાની જરૂર છે, જેમાંથી સવા પાંચ કરોડ રૂપિયા ભેગા થઈ ગયા છે. હવે ધ્રિશિવ પાસે ૧ મહિનો જ બચ્યો છે, એક મહિનામાં ગમે તેમ કરીને આ સારવાર આપવી જરૂરી છે. કારણ કે ધ્રિશિવ ૧૧ મહિનાનો થઈ ગયો છે અને ૧૨ મહિનાનો થાય એ પહેલા તેને સારવાર મળવી જરૂરી છે.
તો મહેરબાની કરીને અમને મદદ કરો.' અમદાવાદના આનંદનગર વિસ્તારમાં રહેતા દર્શનભાઈ સોની અને સોનાલીબેનના ઘરમાં ૧૧ મહિના પહેલા દીકરાના જન્મથી ખુશીનો માહોલ છવાઈગયો હતો. સોની પરિવારે છઠ્ઠીની ધામધૂમી ઉજવણી કરીને બાળકનું નામ ધ્રિશિવ પાડ્યું. પરંતુ આ ખુશીને જાણે કોઈની નજર લાગી ગઈ. કારણ કે થોડા મહિનામાં જ ધ્રિશિવને બેસવામાં, પડખું ફેરવવામાં, દૂધ પીવામાં અને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. ડોક્ટર પાસે લઈ જતાં ખુલાસો થયો કે ધ્રિશિવને સ્પાઈનલ મસ્ક્યુલર એટ્રોફી (SMA) ટાઈપ-૧ નામની ગંભીર બીમારી છે. આ બીમારીમાં કરોડરજ્જુના જ્ઞાનતંતુઓ સુકાઈ જાય છે,
જેથી મગજમાંથી સ્નાયુઓને સંદેશ પહોંચતો બંધ થઈ જાય છે. પરિણામે સ્નાયુઓ નબળા પડતા જાય છે અને બાળક માટે હલનચલન, બેસવું-ઊભું થવું તો દૂર, શ્વાસ લેવા અને થૂંક ગળવામાં પણ મુશ્કેલી થવા લાગે છે.ધ્રિશિવને બચાવવાનો એકમાત્ર અસરકારક ઉપાય છે Zolgensma (ઝોલ્જેન્સમા) નામનું જીન થેરાપી ઈન્જેક્શન. આ અમેરિકાથી મંગાવવું પડે છે. આ ઈન્જેક્શનની કુલ કિંમત લગભગ ૧૮ કરોડ રૂપિયા છે, પરંતુ ૯.૫ કરોડ રૂપિયા જમા કરાવ્યા બાદ કંપની બાકીની રકમમાં છૂટ આપી શકે છે.