ગુજરાત કોંગ્રેસ ખત્મ કરવા અનેક જિલ્લા પ્રમુખોનો ખેલ?
- આંતરિક રિપોર્ટ તૈયાર; તાલુકા-જિલ્લા પંચાયતો અને મહાપલિકાની ચૂંટણીમાં કંગાળ પ્રદર્શન પાછળ સ્થાનિક પ્રમુખોની નિષ્ક્રિયતા, આંતરિક જૂથબંધી, ખોટા નિર્ણય જવાબદાર
- સ્થાનિક સ્તરે સક્રિય અને વફાદાર કાર્યકરોને 'કટ્ ટું સાઈઝ' કરી નબળા ઉમેદવારોને ટિકિટો આપી દઈ પક્ષનો ખેલ બગાડ્યો હોવાનો રિપોર્ટ તૈયાર?
- 8 થી 10 જિલ્લા પ્રમુખોને ઘરભેગા કરી નવું સંગઠન બનાવવાની વેંતરણ
સિટી ન્યૂઝ@ગાંધીનગર
ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીઓની રણનીતિ ઘડવા અને પક્ષમાં નવો પ્રાણ ફૂંકવા માટે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સંગઠનમાં મોટા પાયે ફેરબદલ કરવાની તૈયારીઓ હાથ ધરી છે. રાજનીતિ સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર, સ્થાનિક સ્તરે કથળતા પ્રદર્શન અને જૂથબંધીને રોકવા માટે કોંગ્રેસ હાઈકમાન્ડ હવે ભારે એક્શન મોડમાં આવ્યું છે, જેના અંતર્ગત આઠથી નવ જિલ્લા અને શહેર કોંગ્રેસ પ્રમુખોની હકાલપટ્ટી કરીને નવા ચહેરાઓને તક આપવાનું લગભગ નક્કી માનવામાં આવી રહ્યું છે.
સમગ્ર દેશમાંથી ગુજરાતને પાઇલોટ પ્રોજેક્ટ તરીકે પસંદ કરીને 'સંગઠન સુજન અભિયાન' શરૂ કરવામાં આવ્યું હતું, જેનો મુખ્ય હેતુ ગ્રાઉન્ડ લેવલના કાર્યકરોને સાંકળી મજબૂત સંગઠન ઊભું કરવાનો હતો. આ જ અભિયાન હેઠળ અગાઉ વિવિધ શહેર-જિલ્લાના પ્રમુખોની તાજપોશી કરાઈ હતી, પરંતુ આ પ્રયોગ
જમીની સ્તરે અપેક્ષિત પરિણામો આપવામાં સરેઆમ નિષ્ફળ રહ્યો હોવાનું મોવડીમંડળના ધ્યાન પર આવ્યું છે. તાલુકા-જિલ્લા પંચાયતો અને મહાનગરપાલિકાઓની ચૂંટણીઓમાં કોંગ્રેસના કંગાળ પ્રદર્શન પાછળ સ્થાનિક પ્રમુખોની નિષ્ક્રિયતા, આંતરિક જૂથબંધી
અને ખોટા નિર્ણયો જવાબદાર ખૂલ્લા છે. સ્થાનિક સ્તરે સક્રિય અને વફાદાર કાર્યકરોની સરેઆમ ઉપેક્ષા કરીને અયોગ્ય તેમજ નબળા ઉમેદવારોને ટિકિટો આપી દેતાં પક્ષનો ખેલ બગાડ્યો હોવાનો આંતરિક રિપોર્ટ તૈયાર થયો છે.
હાલમાં પ્રદેશ નેતાગીરી દ્વારા તમામ પ્રમુખોની કામગીરીનું કડક મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે અને કયા પ્રમુખના વિસ્તારમાં પક્ષને કેટલું નુકસાન થયું તેનો આખો ચਿੱઠો હાઈકમાન્ડ સમક્ષ રજૂ કરી દેવાયો છે. આ આખરી આંકલન બાદ ગમે ત્યારે હાઈકમાન્ડ દ્વારા નિષ્ક્રિય અને બિનકાર્યક્ષમ પ્રમુખોને ઘરભેગા કરીને નવા સંગઠનાત્મક માળખાની જાહેરાત કરવામાં આવશે.