લોકમેળો બન્યો લોકસાગર: 12 લાખ લોકોએ માણ્યો મેળાનો રંગ
- લોકમેળામાં જમાવટ; ફજત-ફાળકા-વેપારીઓ ખુશખુશાલ
- વરસાદ નહીં પડતા વેપારીઓને ચાંદી
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટના રેસકોર્સ મેદાનમાં યોજાયેલા ભાતીગળ લોકમેળાનો આજે (૭ સપ્ટેમ્બર) પાંચમો એટલે કે છેલ્લો દિવસ છે. ગઈકાલે શનિવારને ચોથા દિવસે બપોર પછી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા જાણે કીડીયારું ઉભરાયું હોય તેવા દશ્યો જોવા મળ્યા હતા. ચાર દિવસમાં ૧૦ લાખથી વધુ લોકોએ ચકડોળી, ફજતફાળકા, વિવિધ રાઈડ્સ અને ખાણી-પીણીની મજા માણી છે, જેમાં જન્માષ્ટમીના દિવસે રેકોર્ડબ્રેક ૪.૨૨ લાખ તેમજ ચોથા દિવસે ૩ લાખથી વધુ લોકો ઉમટી પડ્યા હતા. રાંધણ છઠ્ઠીથી દશમ સુધી ચાલતા આ મેળાના અંતિમ દિવસે રવિવારની રજા હોવાથી વધુ ૨ લાખ લોકો આવે તેવી શક્યતા સાથે ૫ દિવસમાં કુલ માનવ મહેરામણનો આંકડો ૧૨ લાખ વટાવી જવાનો અંદાજ છે.
- સસ્તા ભાવે ખરીદી કરવા લોકોની પડાપડી
- લોકમેળો પૂર્ણ: આજે ફેરિયાઓએ 50% ડિસ્કાઉન્ટ સાથે રમતકડાં વેચવાનું શરૂ કર્યું
- સોમવારે રાજકોટવાસીઓ માટે ‘મેળા પછીનો મેળો’ જામ્યો હતો
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટનો પ્રખ્યાત લોકમેળો વિધિવત રીતે સંપન્ન થઈ ગયો છે, પરંતુ મેળો પૂર્ણ થયા બાદ પણ સ્થાનિક લોકો માટે ખરીદીનો આનંદ અકબંધ રહ્યો છે. મેળાની પૂર્ણાહુતિ પછી બહારગામથી આવેલા ફેરિયાઓ અને સ્ટોલ ધારકો હવે મેળાના મેદાનની બહાર અને આસપાસના રસ્તાઓ પર પોતાનો વધેલો માલસામાન સસ્તા ભાવે વેચીને પોતાના વતન ફરવાની તૈયારી કરી રહ્યા છે. જેના કારણે મેળા પરિસરની બહાર પણ હજુ સુધી બજાર જેવો ઉત્સાહજનક માહોલ જોવા મળી રહ્યો છે. મેળા દરમિયાન જે રમતકડાં, ગૃહઉપયોગી વસ્તુઓ અને કટલેરી ઊંચા ભાવે વેચાતી હતી, તે માલસામાન હવે ફેરિયાઓ દ્વારા તદ્દન પાણીના મુલે વેચવામાં આવી રહ્યો છે. સ્થાનિક લોકો અને ગ્રાહકો સાથે વાતચીત કરતાં તેમણે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, લોકમેળાના દિવસો કરતા હાલ ૫૦ ટકા જેટલા ઓછા ભાવે રમતકડાં અને અન્ય આકર્ષક વસ્તુઓ મળી રહી છે. આ જ કારણ છે કે મોંઘવારીના જમાનામાં બજેટ સચવાઈ જતાં લોકો મેળા બાદ પણ પરિવાર અને બાળકો સાથે મોટી સંખ્યામાં ખરીદી કરવા ઉમટી પડ્યા છે.