Loading Please Wait !!!
અભિનેત્રી મમતા સોનીને ભાજપ નેતાએ મારી નાખવાની ધમકી આપી!

ભાજપ નેતા સામે મમતા સોનીએ લાખો રૂપિયાની છેતરપિંડી કર્યાનો આરોપ લગાવ્યા

  • મમતા સોનીએ રૂપિયાની ઉઘરાણી શરૂ કરતા સત્તાધારી રાજકીય પક્ષોના હોદ્દા પર હોવાને કારણે મોઢું બંધ રાખવા કહ્યું

  • ભાજપ નેતા દિપક ડાભીએ કહ્યું મમતા સોનીના આરોપો પાયાવિહોણા છે સંપૂર્ણ ખોટા છે આ એક સુનિયોજિત રાજકીય ષડયંત્ર ગણાવ્યું

ઈવેન્ટમાં બોલાવી પેમેન્ટ બાકી રાખ્યું

સીટી ન્યૂઝ@ખેડા

ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં લાલો ફિલ્મના એક્ટર કરણ જોશી અને એક્ટ્રેસ નેહા નેહલ વાડોલિયાના વિવાદ બાદ હાલ વધુ એક ગુજરાતી સિનેમા જગતની જાણીતી એક્ટ્રેસ ચર્ચાનો વિષય બની છે. લોકપ્રિય મમતા સોની અને ખેડા જિલ્લાના સ્થાનિક રાજકારણ સાથે જોડાયેલા એક અગ્રણી નેતા વચ્ચે નાણાકીય લેવડદેવડને લઈને મોટો વિવાદ સર્જાયો છે.

કઠલાલ તાલુકા ભાજપ યુવા મોરચાના પ્રમુખ અને મોટી મુડેલ પંચાયતના સરપંચ દીપક ડાભી સામે અભિનેત્રી મમતા સોનીએ લાખો રૂપિયાની આર્થિક છેતરપિંડી કર્યાના ગંભીર આરોપો લગાવ્યા છે. જે મામલો હાલ ભારે ચર્ચાનો વિષય બન્યો છે.

વિગતે વાત કરીએ તો, ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં લોકપ્રિય અભિનેત્રી મમતા સોનીએ તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક આક્રોશભર્યો વિડિયો જાહેર કર્યો હતો, જેમાં તેમણે ભાજપ નેતા દીપક ડાભી પર આરોપ લગાવ્યા હતા કે, ચાલુ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં દીપક ડાભીએ મમતા સોનીના ત્રણ મોટા જાહેર કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. આ ઈવેન્ટ્સ શરૂ થતા પહેલા બંને પક્ષો વચ્ચે એક નિશ્ચિત રકમ નક્કી કરવામાં આવી હતી. કલાકાર તરીકે પોતાની વ્યાવસાયિક પ્રતિબદ્ધતા પૂરી કરીને અભિનેત્રીએ તમામ પ્રસ્તુતિઓ સફળતાપૂર્વક પૂર્ણ કરી આપી હતી, પરંતુ કાર્યક્રમો પૂરા થયા બાદ પણ મમતા સોનીને કરાર મુજબ રૂપિયા ન ચૂકવવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

મમતા સોનીના જણાવ્યા અનુસાર, તે છેલ્લા કેટલાક મહિનાઓથી પોતાના હકની બાકી રકમ પરત મેળવવા માટે આયોજકનો સતત સંપર્ક કરી રહ્યો છે. જોકે દીપક ડાભી સત્તાધારી રાજકીય પક્ષના હોદ્દા પર હોવાને કારણે તે લાંબા સમયથી પેમેન્ટ ચૂકવવામાં બદલે તેમને મોઢું બંધ રાખવા માટે તથા જાનથી મારી નાખવાની ચોંકાવનારી ધમકીઓ આપવામાં આવી હોવાનો આક્ષેપ મમતા સોનીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર વાયરલ વિડિયોમાં કર્યો છે.

બીજી તરફ, પોતાની સામે લાગેલા તમામ આક્ષેપો પર ભાજપ નેતા દીપક ડાભીએ પોતાનો પક્ષ રજૂ કરી સમગ્ર મામલે ખુલાસો કર્યો છે. તેમણે અભિનેત્રી મમતા સોની દ્વારા લગાવવામાં આવેલા તમામ આરોપોને પાયાવિહોણા અને સંપૂર્ણપણે ખોટા ગણાવ્યા છે. ભાજપ યુવા નેતાએ દાવો કર્યો છે કે તેઓ અભિનેત્રીને વર્ષોથી ઓળખે છે અને ભૂતકાળમાં પણ તેમની સાથે અનેકવાર કામ કરેલું છે. અત્યાર સુધીના તમામ કાર્યક્રમોના રૂપિયા તેમને નિયમબદ્ધ રીતે આપી દેવામાં આવ્યું છે અને તે અંગેના તમામ નાણાકીય પુરાવાઓ પણ તેમની પાસે સુરક્ષિત હોવાનું તેમણે જણાવ્યું છે.

વધુમાં, સ્થાનિક રાજકીય પ્રવૃત્તિઓ અને સેવાકીય કાર્યોમાં સક્રિય એવા ભાજપ નેતા દીપક ડાભીએ આ સમગ્ર ઘટનાને એક સુનિયોજિત રાજકીય ષડયંત્ર ગણાવ્યું છે. તેમનું કહેવું છે કે વિસ્તારમાં વધતી જતી લોકપ્રિયતાથી અસ્વસ્થ થયેલા કેટલાક રાજકીય વિરોધીઓએ તેમની સામાજિક છબી ખરડવા અને રાજકીય કારકિર્દીને નુકસાન પહોંચાડવાના બદઇરાદાથી આ વિવાદ ઊભો કરાવ્યો છે. હાલના તબક્કે મમતા સોની અને ભાજપ નેતા બંને પક્ષોએ એકબીજા સામે આક્રોશ અને ગંભીર દાવાઓ રજૂ કર્યા છે, પરંતુ આક્ષેપોની સત્યતા અંગે સત્તાવાર રીતે કોઈ પુષ્ટિ થઈ શકી નથી.