ત્રિકોણ બાગ ખાતે ડૉ.રાજદીપસિંહ જાડેજાની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન રાજકોટમાં મનપાની નિષ્ફળતા અને ભ્રષ્ટાચાર સામે શહેર કોંગ્રેસના ધરણા
- ગંદુ પાણી, ખાડાયુક્ત રસ્તા અને અધૂરી પ્રિ-મોન્સૂન કામગીરીથી પ્રજા ત્રસ્ત: પ્રાથમિક સુવિધાઓના અભાવે આક્રોશ; સ્માર્ટ સિટીના દાવા પોકળ
- મેગા ડિમોલિશનમાં ઐતિહાસિક ભ્રષ્ટાચારનો આક્ષેપ, SITનો રિપોર્ટ હજુ કેમ જાહેર ન કરાયો?
- “ભાજપના કોર્પોરેટરો ગાયબ, જ્યાં સુધી સુવિધા નહીં મળે ત્યાં સુધી કોંગ્રેસ લડશે”: ડૉ. જાડેજા
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકા (RMC) માં દાયકાઓથી શાસન કરતા ભાજપની વહીવટી નિષ્ફળતા, સંવેદનહીનતા અને વ્યાપક ભ્રષ્ટાચારના વિરોધમાં આજરોજ રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શહેરના હાર્દ સમાન ત્રિકોણ બાગ ખાતે એક ઉગ્ર અને આક્રમક ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. શહેર કોંગ્રેસના પ્રમુખ ડૉ. રાજદીપસિંહ જાડેજાના સબળ નેતૃત્વ હેઠળ યોજાયેલા આ વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના હોદ્દેદારો, કાર્યકરો અને જનતા જોડાઈ હતી. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રજાના રોજિંદા અને જળવળતા પ્રશ્નોને પહોંચાડવાનો હતો. તથા શાસક પક્ષ ભાજપ અને એસી ચેમ્બરોમાં બેસીને માત્ર કાગળ પર વિકાસના આંકડા દર્શાવતા મનપાના અધિકારીઓના બહેરા કાન સુધી જનતાનો આક્રોશ પહોંચાડવાનો હતો. ધરણા દરમિયાન કોંગ્રેસના નેતાઓએ મનપાની કામગીરી પર આકરા પ્રહારો કરી સ્માર્ટ સિટીના દાવાઓના ધજાગરા ઉડાવ્યા હતા.
ચોમાસાની શરૂઆત થતાં જ દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજકોટ મનપાની 'પ્રિ-મોન્સૂન કામગીરી' ની પોલ છતી થઈ ગઈ છે. કરોડો રૂપિયાના ટેન્ડરો બહાર પાડ્યા હોવા છતાં ગ્રાઉન્ડ લેવલ પર પરિસ્થિતિ અત્યંત દયનીય છે. કોંગ્રેસના આગેવાનોએ ગંભીર આક્ષેપ કર્યો હતો કે શહેરના અનેક પછાત અને પોશ વિસ્તારોમાં પણ લોકોના નળમાં ગંદુ, ડહોળું અને દુર્ગંધયુક્ત પીવાનું પાણી પહોંચી રહ્યું છે, જે સીધો રોગચાળાને આમંત્રણ આપી રહ્યું છે. એક તરફ ચોમાસામાં ડેન્ગ્યુ, મેલેરિયા અને હવે ચીકનગુનિયા વાયરસ જેવા જીવલેણ રોગો વકરી રહ્યા છે, ત્યારે મનપાની આરોગ્યલક્ષી અને સફાઈ કામગીરી સંપૂર્ણપણે શૂન્ય સમાન છે. શહેરના મુખ્ય માર્ગોથી લઈને આંતરિક રસ્તાઓ પર અસંખ્ય અને ભયજનક ખાડાઓ પડી ગયા છે. ડામરના બદલે રસ્તા પર ધૂળ અને કાદવ-કીચડ ઉડી રહ્યો છે, જેના કારણે વાહનચાલકોના વાહનોમાં નુકસાન થઈ રહ્યું છે અને રાહદારીઓ પારાવાર હાલાકી ભોગવી રહ્યા છે. કોંગ્રેસે ટોણો મારતા કહ્યું કે, એક તરફ શહેરમાં 'સ્વચ્છ રાજકોટ' અને 'સ્માર્ટ સિટી' ના મોટા મોટા હોલ્ડિંગ્સ લાગેલા છે, અને તેની જ બરાબર નીચે અથવા સામે ઠેર ઠેર કચરાના ગંજ અને ઉભરાતી ગટરો જોવા મળે છે. આ બ્રશ સ્માર્ટ સિટીના ખોખલા દાવાઓની ખુલ્લેઆમ મજાક ઉડાવે છે.
તાજેતરમાં શહેરમાં થયેલા મેગા ડિમોલિશન અંગે કોંગ્રેસે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. શાસકો ભલે તેને ઐતિહાસિક કામગીરી ગણાવતા હોય, પરંતુ કોંગ્રેસનો સ્પષ્ટ આક્ષેપ છે કે આ કાર્યવાહીમાં ઐતિહાસિક ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. તપાસ માટે SIT ની રચના માત્ર દેખાડા પૂરતી જ કરાઈ હતી. હજુ સુધી SIT નો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો નથી અને કોઇભ્રષ્ટાચારીઓ સામે કાયદાકીય પગલાં લેવાયા નથી.
આ પ્રસંગે શહેર કોંગ્રેસ પ્રમુખ ડૉ. રાજદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, "રાજકોટની જનતાએ ભાજપ પર ભરોસો મૂક્યો હતો, પરંતુ આજે શહેરની સ્થિતિ અત્યંત દયનીય બની ગઈ છે. ચૂંટણી દરમિયાન મોટા વચનો આપનાર ભાજપના કોર્પોરેટરો આજે પોતાના જ વોર્ડમાંથી ગાયબ થઈ ગયા છે. આજે જનરલ બોર્ડની બેઠકમાં પણ કોંગ્રેસ દ્વારા પ્રજાલક્ષી પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. રાજકોટના લોકોને શુદ્ધ પીવાનું પાણી, સારા રસ્તાઓ અને પાયાની સુવિધાઓ નહીં મળે ત્યાં સુધી કોંગ્રેસ પક્ષ સતત લડત આપશે." આ વિરોધ પ્રદર્શનમાં ડૉ. હેમાંગ વસાવડા, જસવંતસિંહ ભટ્ટી, ડી. પી. મકવાણા, મહેશ રાજપૂત, અતુલ રાજાણી, સંજય અજકિયા, મુકેશ ચાવડા, તુષાર નંદાણી સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના હોદ્દેદારો, કાર્યકરો અને જાગૃત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.