રાજકોટમાં બોગસ સ્કૂલોનાં મસમોટા નેટવર્કનો કોંગ્રેસે ભાંડાફોડ કર્યો રાજકોટ DEO ક્યાં છે ?
અંબિકા વિદ્યાલયનું પ્રાથમિક વિભાગ પ્રીમિયર સ્કૂલમાં ધમધમતું હોવાનો આરોપ: રોહિતસિંહ રાજપૂતની શિક્ષણ અધિકારીને રજૂઆત
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટમાં વધુ એક ખાનગી શાળા સામે શિક્ષણ વિભાગના નિયમોના ભંગનો ગંભીર મુદ્દો સામે આવ્યો છે. કોંગ્રેસના વિદ્યાર્થીનેતા રોહિતસિંહ રાજપૂતે જિલ્લા શિક્ષણ અધિકારીને લેખિત રજૂઆત કરીને શ્રી અંબિકા વિદ્યાલય દ્વારા મંજૂરીના સ્થળે નહીં પરંતુ અન્ય સ્થળે શાળા ચલાવવામાં આવી રહી હોવાનો આક્ષેપ કર્યો છે અને સમગ્ર મામલે ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરી છે. રજૂઆતમાં જણાવ્યા મુજબ, શિક્ષણ વિભાગ દ્વારા શ્રી અંબિકા વિદ્યાલયના પ્રાથમિક સેકશનને 80 ફૂટ રોડ, કોઠારિયા કોલોની, સોરઠીયા સર્કલ નજીક આવેલા સ્થળ માટે માન્યતા આપવામાં આવી હતી. જોકે હાલમાં શાળાનું પ્રાથમિક વિભાગ યુનિવર્સિટી રોડ પર આવેલી “પ્રીમિયર સ્કૂલ” ખાતે કાર્યરત હોવાનું સામે આવ્યું છે. રજૂઆતમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે સ્થળફેર માટે જિલ્લા શિક્ષણ વિભાગની પૂર્વ મંજૂરી લીધા વગર જ અન્ય સ્થળે શાળા ચલાવવામાં આવી રહી છે. તેથી સામાન્ય શિક્ષણ અધિકારીને સોંપેલી રજૂઆતમાં વધુ એક ગંભીર મુદ્દો ઉઠાવ્યો છે. રજૂઆત મુજબ, વિદ્યાર્થીઓના U-DISE રેકોર્ડમાં હજુ પણ મંજૂરી મળેલા મૂળ સ્થળની શાળાનું નામ અને સરનામું દર્શાવવામાં આવે છે, જ્યારે વાસ્તવમાં વિદ્યાર્થીઓ અન્ય સ્થળે અભ્યાસ કરી રહ્યા હોવાનું જણાવાયું છે.
આ બાબતના દસ્તાવેજી પુરાવા પણ રજૂઆત સાથે જોડવામાં આવ્યા હોવાનું જણાવાયું છે. રજૂઆતમાં વધુ એક ચોંકાવનારો મુદ્દો પણ સામે લાવવામાં આવ્યો કે વિદ્યાર્થીઓને આપવામાં આવતા લિવિંગ સર્ટિફિકેટમાં શ્રી અંબિકા વિદ્યાલયનું સરનામું “કેરાલા પાર્ક” દર્શાવવામાં આવે છે, જ્યારે શિક્ષણ વિભાગના સરકારી રેકોર્ડ મુજબ શાળાની મંજૂરી 80 ફૂટ રોડ, કોઠારિયા કોલોની, સોરઠીયા સર્કલ નજીકના સ્થળની છે. સરકારી દસ્તાવેજમાં આ પ્રકારની વિસંગતતા અત્યંત ગંભીર હોવાનું જણાવતાં કોંગ્રેસે અને વિદ્યાર્થીઓના શૈક્ષણિક રેકોર્ડ સાથેની ગંભીર છેડછાડ ગણાવી છે. રજૂઆતમાં જણાવાયું છે કે ભવિષ્યમાં કોઈ વિદ્યાર્થીનું લિવિંગ સર્ટિફિકેટ જોવાઈ જાય અને ડુપ્લિકેટ મેળવવા દર્શાવેલા સરનામે પહોંચે અથવા વિદેશ અભ્યાસ સહિતના હેતુસર એમ્બેસી કે અન્ય સત્તાવાર વેરિફિકેશન થાય તો વિદ્યાર્થીઓને ગંભીર મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. તેથી આ સમગ્ર મુદ્દાની ઊંડાણપૂર્વક તપાસ કરવાની માંગ કરવામાં આવી છે.
RMCનાં ફાયર વિભાગે ખબર નહોતી બોલો ! ન્યૂ ફ્લોરા સ્કૂલને ફાયર શાખાએ નોટિસ ફટકારી
ન્યૂ ફ્લોરા સ્કૂલને મનપાની ફાયર શાખાએ નોટિસ ફટકારી: રાજકોટના પેડક રોડ ઉપર આવેલી ન્યૂ ફ્લોરા સ્કૂલ મામલે કોંગ્રેસના જોરદાર પ્રવક્તાએ સવાલો ઉઠાવ્યા બાદ અહીં ફાયર NOC ન હોવા મામલે મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. આ સાથે સ્કૂલની મંજૂરીનો પ્લાન માંગવામાં આવ્યો છે. હાલ આ સ્કૂલ છેલ્લા બે વર્ષથી સાડીના કારખાનામાં પતરાના શેડ ઉભા કરી ધમધમે છે અને અહીં ફાયર સેફ્ટીના અભાવે ૪૫૦ વિદ્યાર્થીઓ પર જીવનું જોખમ.