રાજકોટ ડિવિઝને AI આધારિત સ્માર્ટ આરએસ વાલ્વ સિમ્યુલેટર વિકસાવ્યું
- લોકો પાયલટોને વાસ્તવિક ટ્રેન સંચાલન જેવી તાલીમ મળશે; રેલ સુરક્ષા અને કાર્યક્ષમતામાં થશે વધારો
સિટી ન્યૂઝ@રાજકોટ
પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝને રેલ સુરક્ષા અને લોકો પાયલટોના કૌશલ્ય વિકાસ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત ‘સ્માર્ટ આરએસ વાલ્વ સિમ્યુલેટર’ વિકસાવ્યું છે. આ નવીન સિમ્યુલેટર લોકો પાયલટો અને આસિસ્ટન્ટ લોકો પાયલટોને વાસ્તવિક ટ્રેન સંચાલન જેવી પરિસ્થિતિમાં તાલીમ આપશે, જેના કારણે તેમની નિર્ણય ક્ષમતા, સતર્કતા અને સુરક્ષા જાગૃતિમાં વધારો થશે.
રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલ કુમાર મીનાના જણાવ્યા મુજબ સિમ્યુલેટરમાં વાસ્તવિક રેલ માર્ગોના વીડિયો અને AI આધારિત રિયલ-ટાઇમ સિગ્નલ કંટ્રોલ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમાં દિવસ, રાત્રિ, વરસાદ અને ગાઢ ધુમ્મસ જેવી વિવિધ પરિસ્થિતિઓનું સિમ્યુલેશન ઉપલબ્ધ હોવાથી લોકો પાયલટોને પડકારજનક સંજોગોમાં કાર્ય કરવાની અસરકારક તાલીમ મળશે.
સિનિયર ડિવિઝનલ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર (ટ્રેક્શન) મનોજ કુમાર રાવે જણાવ્યું હતું કે સિમ્યુલેટરમાં પશુ અથવા વ્યક્તિ સાથે અથડામણ, Y અને YY સ્પીડ રિસ્ટ્રિક્શન ઇન્ડિકેટર્સ તેમજ SPAD (Signal Passed At Danger) જેવી વાસ્તવિક ઓપરેટિંગ પરિસ્થિતિઓનો સમાવેશ આવ્યો છે. તાલીમ બાદ ઓટોમેટેડ પરફોર્મન્સ રિપોર્ટ પણ ઉપલબ્ધ થાય છે, જેના આધારે તાલીમાર્થીની ખામીઓ ઓળખી વધુ અસરકારક તાલીમ આપી શકાય છે. આ સિસ્ટમ સંપૂર્ણપણે સુરક્ષિત અને કરકસરયુક્ત તાલીમ પૂરી પાડે છે. તેના કારણે લોકો પાયલટોનો આત્મવિશ્વાસ વધશે, ટ્રેનર્સને તાલીમાર્થીઓનું મૂલ્યાંકન સરળ બનશે અને સુરક્ષિત તથા કાર્યક્ષમ રેલ સંચાલનને વધુ મજબૂતી મળશે.
ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીના જણાવ્યું હતું કે રાજકોટ ડિવિઝન આધુનિક ટેકનોલોજી અને ઇનોવેશન દ્વારા રેલ સુરક્ષા અને ઓપરેશનલ શ્રેષ્ઠતાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી રહ્યું છે. સ્વદેશી રીતે વિકસાવેલું આ સિમ્યુલેટર ભારતીય રેલવેની આધુનિક તાલીમ પ્રણાલીમાં મહત્વપૂર્ણ ઉમેરો સાબિત થશે.