ભેળસેળખોરો સાવધાન; ફૂડ શાખા હવે ડબલ સ્પીડમાં કાર્યવાહી કરશે
- મેયરની સુચના બાદ ૨૦ દિવસમાં આરોગ્ય વિભાગની રેકોર્ડબ્રેક કામગીરી
- આરોગ્ય અધિકારી ડો. જયેશ વાંકાણીએ કહ્યું ઝુંબેશ હજુ વધુ સઘન બનાવવામાં આવશે અને નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક પગલાં લેવાશે
- રાજકોટમાં ૨૦ દિવસમાં આરોગ્ય શાખાએ ૧૧૦૦ પેઢીઓમાં ચેકિંગ કર્યું
- ૩૧૦ પેઢીઓને ભેળસેળ અને અનહાઈજેનિક પરિસ્થિતિઓ બદલ નોટિસ ફટકારવામાં આવી
■ ગંભીર ગેરરીતિઓ કરતી ૨૮ પેઢીઓને સીલ કર્યું
■ અલગ-અલગ પેઢીઓને ગંદકી બદલ ૭ લાખનો દંડ ફટકારાયો
સિટી ન્યૂઝ | રાજકોટ
રાજકોટ શહેર અને જિલ્લામાં અખાદ્ય તથા ભેળસેળયુક્ત ખોરાક વેચનારાઓ સામે આરોગ્ય વિભાગે કડક ઝુંબેશ શરૂ કરી છે. છેલ્લા એક મહિનામાં શહેરભરમાં ૧૧૦૦થી વધુ પેઢીઓમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ૩૧૦ પેઢીઓને ભેળસેળ અને અનહાઈજેનિક પરિસ્થિતિઓ બદલ નોટિસ ફટકારવામાં આવી છે.
આ ઝુંબેશ દરમિયાન ગંભીર ગેરરીતિઓ સામે આવતા કુલ ૨૮ પેઢીઓને સીલ કરવામાં આવી છે, જ્યારે અલગ અલગ પેઢીઓળે મળીને અંદાજે ૭ લાખ રૂપિયાનો દંડ ફટકારાયો છે. મનપા દ્વારા સાડા પાંચ ટનથી વધુ અખાદ્ય અને વાસી ખોરાકનો નાશ પણ કરવામાં આવ્યો છે. ખાસ વાત એ છે કે આ કાર્યવાહી દરમિયાન શહેરની કેટલીક નામંકિત હોટલો પર પણ કાર્યવાહી કરવામાં આવી હતી, જ્યાં મોંઘા ભાવે પીરસાતું ખોરાક પણ અખાદ્ય નીકળ્યું.
આ અંગે મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી ડો. જયેશ વાંકાણીએ જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં પણ આ ઝુંબેશ વધુ સઘન બનાવવામાં આવશે અને નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક પગલાં લેવાશે.
શહેર ઉપરાંત જિલ્લામાં પણ આરોગ્ય વિભાગ સક્રિય બન્યું છે. ગોંડલના ગુંદાળામાં મસાલા ફેક્ટરી સહિત અનેક સ્થળોએ અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવ્યો છે. આ મુદ્દે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સંકલન બેઠક યોજાઈ હતી, જેમાં ભેળસેળ કરનારાઓ સામે કડક કાર્યવાહી અંગે ચર્ચા કરવામાં આવી હતી.
રાજકોટના ધારાસભ્ય રમેશ ટીલાળાએ જણાવ્યું હતું કે જિલ્લામાં ભેળસેળ કરનારાઓ સામે વધુ કડક કાર્યવાહી કરવાની સૂચનાઓ આપવામાં આવી છે અને આવનારા સમયમાં તાલુકા સ્તરે પણ તપાસ વધુ તેજ બનશે.