સેરેનીટી ગાર્ડન લાઈફંગ ક્લબનો આરોગ્યલક્ષી ગેટ-ટુ-ગેધર યોજાયો
- જડીબુટ્ટી આધારિત તંદુરસ્ત જીવનશૈલી પર માર્ગદર્શન, સભ્યોના જન્મદિનની ઉજવણી સાથે આરોગ્ય જાગૃતિનો સંદેશ
સિટી ન્યૂઝ@રાજકોટ
સેરેનીટી ગાર્ડન લાઈફંગ ક્લબ, રાજકોટ દ્વારા કનાકોટ રોડ સ્થિત સવન સ્પલેન્ડર વિક એન્ડ વિલા રિસોર્ટ ખાતે ગેટ-ટુ-ગેધર, આરોગ્યલક્ષી સેમિનાર અને ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં "તંદુરસ્ત જીવન જીવવાની ચાવી... જડીબુટ્ટી" વિષય પર નેચરોપેથી નિષ્ણાત ડૉ. રમેશભાઈ કોયાણીએ આરોગ્યલક્ષી માર્ગદર્શન આપ્યું હતું. સમગ્ર કાર્યક્રમના યજમાન તરીકે અશ્વિનભાઈ પટેલ, ભાવિનભાઈ ચાંગેલા અને દામજીભાઈ રંગાણીએ આયોજન કર્યું હતું.
કાર્યક્રમમાં લાઈફંગ ક્લબ ઓફ ગ્રુપ રાજકોટના ચેરમેન જયંતિભાઈ માંડવીયા, પ્રમુખ રમેશભાઈ અનડકટ, મહામંત્રી અશ્વિનભાઈ પટેલ, સેરેનીટી ગાર્ડન લાઈફંગ ક્લબના પ્રમુખ ગંગાજીભાઈ સાદડીયા સહિત મોટી સંખ્યામાં સભ્યો અને "ભાભા મંડળ"ના વડીલો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન ક્લબના ત્રણ સભ્યોના તાજેતરના જન્મદિનની ઉજવણી પણ કરવામાં આવી હતી. ડૉ. રમેશભાઈ કોયાણીએ નેચરોપેથી આધારિત જીવનશૈલી, કુદરતી આહાર, માનસિક સ્વાસ્થ્ય, ધ્યાન, ઊંઘ અને જીવનશૈલીમાં જરૂરી પરિપર્તનો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. સભ્યોની માંગને ધ્યાનમાં રાખી તેઓએ નિર્ધારિત સમય કરતાં વધુ સમય સુધી પ્રશ્નોત્તરી સાથે માર્ગદર્શન આપ્યું હતું.
પ્રસંગે વિવિધ મહાનુભાવોનું શાલ, પુષ્પગુચ્છ અને ઉપહારથી સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન વરુણભાઈ પટેલે કર્યું હતું. જ્યારે આભારવિધિ ભાવિનભાઈ ચાંગેલાએ કરી હતી. કાર્યક્રમને સફળ બનાવવા ક્લબના હોદ્દેદારો અને કારોબારીએ જહેમત ઉઠાવી હતી.