સોમનાથમાં શ્રાવણના પ્રથમ દિવસે ભક્તોનું ઘોડાપૂર
- 30 દિવસીય શિવ મહોત્સવનો પ્રારંભઃ હર હર ભોલે, જય સોમનાથના નાદથી ગુંજ્યું પ્રથમ જ્યોતિર્લિંગ ધામ
સિટી ન્યૂઝ@ગીર સોમનાથ
શિવઉપાસનાના શ્રેષ્ઠ એવા પવિત્ર શ્રાવણ માસનો આજ (૧૩ ઓગસ્ટ)થી પ્રારંભ થતાં જ સમગ્ર ગુજરાત શિવમય બની ગયું છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવથી લઈને અમદાવાદ, વડોદરા અને રાજકોટ સુધીના નાના-મોટા તમામ શિવમંદિરો હર હર મહાદેવ, બમ બમ ભોલે અને ઓમ નમ શિવાયના પવિત્ર જયઘોષથી ગૂંજી ઊઠ્યા છે. સોમનાથ ધામ ખાતે ૩૦ દિવસીય શ્રાવણ શિવ મહોત્સવનો પ્રારંભ થતાં દેશ-વિદેશના શ્રદ્ધાળુઓ ઝરમર વરસાદ વચ્ચે પણ લાઈનોમાં ઊભીને દર્શન કરી રહ્યા છે. રાજ્યભરના પૌરાણિક મંદિરોમાં વહેલી સવારથી જ શિવલિંગ પર જળાભિષેક, દુગ્ધાભિષેક, બિલિપત્ર અને પૂજા-અર્ચના માટે
ભક્તોની ભારે ભીડ ઉમટી પડી છે. વિશેષ શૃંગાર, લઘુરુદ્રી અને મહાપૂજાના આયોજનો સાથે સમગ્ર રાજ્યમાં એક અલૌકિક ધાર્મિક અને સાંસ્કૃતિક માહોલ સર્જાયો છે.સોમનાથમાં આજથી ૧૧ સપ્ટેમ્બર સુધી ૩૦ દિવસીય શ્રાવણ શિવ મહોત્સવ યોજાશે, જેમાં ભજન-ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળશે. દેશ -વિદેશમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મહાદેવના દર્શને ઉમટતા હોવાથી Z+ સુરક્ષા ધરાવતા સોમનાથ મંદિર પરિસરમાં પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં “શ્રી સોમનાથ શ્રાવણ મહોત્સવ-૨૦૨૬”નો ભક્તિભાવપૂર્વક
પ્રારંભ થયો છે. મહોત્સવ અંતર્ગત શ્રી સોમનાથ મંદિર પરિસરમાં શિવભક્તોના કલ્યાણ અને વિશ્વશાંતિની પ્રાર્થના સાથે ૩૦ દિવસીય ૫૧ કુંડી મહામૃત્યુંજય મહાયજ્ઞનો શાસ્ત્રોક્ત વિધિ-વિધાનપૂર્વક શુભારંભ કરવામાં આવ્યો હતો. મહાયજ્ઞના પ્રારંભ પ્રસંગે શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પી.કે. લહેરી, ટ્રસ્ટી જે.ડી. પરમાર, સચિવ યોગેન્દ્રભાઈદેસાઈ તથા જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાના વરદ હસ્તે યજ્ઞવિધિ સંપન્ન કરવામાં આવી હતી. આ પ્રસંગે સોમનાથ મહાદેવને વિશ્વ કલ્યાણ, ભક્તોની સુખાકારી અને સર્વજનના મંગલ માટે પ્રાર્થના કરવામાં આવી હતી.શ્રાવણ માસ દરમિયાન દેશ-વિદેશમાંથી સોમનાથ આવતા શિવભક્તો પણ આ પવિત્ર મહાયજ્ઞમાં
सहભાગી બની શકે તે માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. યજ્ઞમાં આહુતિ અર્પણ કરવા માટે દૈનિક ૯ સ્લોટની વ્યવસ્થા કરવામાં આવી છે. જેના થકી દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મહામૃત્યુંજય મંત્રના જાપ સાથે યજ્ઞમાં આહુતિ આપી શકશે.સળંગ ૩૦ દિવસ સુધી ચાલનારા આ મહાયજ્ઞના પ્રારંભ સાથે સોમનાથ મંદિર પરિસર “ૐ ત્ર્યંબકમ યજામહે...”ના પવિત્ર મંત્રોચ્ચારથી ગુંજી ઉઠ્યું છે. યજ્ઞની વૈદિક વિધિઓ અને મહામૃત્યુંજય મંત્રના નાદથી સમગ્ર સોમનાથ તીર્ય શિવમય બન્યું છે. શ્રાવણ માસ દરમિયાન સોમનાથ આવતા ભાવિકો માટે આ મહાયજ્ઞ આધ્યાત્મિક અનુભવ સાથે ધાર્મિક આસ્થાનું વિશેષ કેન્દ્ર બનશે.