Loading Please Wait !!!
ગિફ્ટ સિટીમાં રોકાણના નામે 400 કરોડનું ફુલેકું: 33 હજાર રોકાણકારોના નાણાં ડૂબ્યાની આશંકા

  • શૂટ સ્પેસ કંપનીના સંચાલકો રફુચક્કર; મહિને 5% રિટર્નની લાલચ આપી આચર્યું મસમોટું કૌભાંડ
  • વિશ્વાસ કેળવવા શરૂઆતમાં વળતર આપ્યું, પછી સંચાલકો થયા ફરાર; પોલીસ કાફલો ઘટનાસ્થળે.
  • ભૂમિ પૂજન જેવા ભવ્ય કાર્યક્રમો યોજી ઉભી કરી હતી કોર્પોરેટ છાપ; રોકાણકારોની જમાપુંજી જોખમમાં

સિટી ન્યૂઝ @ ગાંધીનગર: ગુજરાતના પ્રતિષ્ઠિત આર્થિક હબ ગિફ્ટ સિટીમાં રોકાણના નામે આચરવામાં આવેલા આશરે 400 કરોડ રૂપિયાના મસમોટા કૌભાંડે સૌને ચોંકાવી દીધા છે. અહીં કાર્યરત 'શૂટ સ્પેસ ડિજિટલ પ્રાઇવેટ લિમિટેડ' નામની કંપનીએ ટેરાબાઇટ ડેટા સ્પેસમાં રોકાણ કરાવી દર મહિને 5 ટકા જેટલા ઊંચા વળતરની લાલચ આપી હજારો રોકાણકારોને કરોડોનો ચૂનો લગાવ્યો હોવાના ગંભીર આક્ષેપો થયા છે. ગઈકાલે મોટી સંખ્યામાં રોકાણકારો ન્યાયની માંગ સાથે કંપનીની ઓફિસે ઉમટી પડતા ગિફ્ટ સિટીમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર, આ કંપનીએ રોકાણકારોનો વિશ્વાસ જીતવા માટે શરૂઆતના તબક્કે સમયસર વળતર ચૂકવ્યું હતું. આ વિશ્વાસના જોરે માત્ર ગુજરાત જ નહીં, પરંતુ હરિયાણા અને ગોવા જેવા રાજ્યોના લોકોએ પણ પોતાની આજીવનની જમાપુંજી, સોનાના દાગીના વેચીને કે બેંક લોન લઈને લાખો-કરોડોનું આંધળું રોકાણ કર્યું હતું. પ્રાથમિક અંદાજ મુજબ આ કૌભાંડમાં 33,000થી વધુ ગ્રાહકો ફસાયા છે. કેટલાક લોકોએ તો 5 લાખથી લઈને 3 કરોડ રૂપિયા સુધીની મોટી રકમ ગુમાવી હોવાની ફરિયાદો ઉઠી છે.

કંપનીએ રોકાણકારોને આકર્ષવા માટે અત્યંત ચતુરાઈથી પ્લાન ઘડ્યો હતો. મોટા પાયે ભૂમિ પૂજન જેવા જાહેર કાર્યક્રમો યોજી અને ગિફ્ટ સિટીમાં આલિશાન ઓફિસ રાખીને એક પ્રતિષ્ઠિત કોર્પોરેટ જૂથ હોવાની છાપ ઉભી કરી હતી. રોકાણકારો એમ માની બેઠા હતા કે ગિફ્ટ સિટી જેવી હાઈ-પ્રોફાઈલ જગ્યાએ તેમનું રોકાણ સુરક્ષિત છે. જોકે, છેલ્લા બે મહિનાથી વળતર આવવાનું બંધ થતા અને કંપનીના જવાબદાર અધિકારીઓએ સંપર્ક તોડી નાખતા રોકાણકારોને છેતરાયા હોવાનો અહેસાસ થયો હતો.

પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ડભોડા પોલીસ મથકનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો. ડભોડા પીઆઈ અનિલ ચૌહાણે જણાવ્યું હતું કે, રોકાણકારો દ્વારા ઠગાઈ અંગેની અરજીઓ મળી છે અને તેના આધારે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. કંપનીના સંચાલકો હાલમાં રફુચક્કર થઈ ગયા હોવાનું જણાય છે, તેમની શોધખોળ માટે અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે. જો તપાસના અંતે ગુનાહિત પ્રવૃત્તિઓ સાબિત થશે, તો જવાબદાર તમામ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

હાલમાં કંપનીની ઓફિસ પર કોઈ જવાબદાર વ્યક્તિ હાજર નથી, જેના કારણે રોકાણકારોમાં ભારે આક્રોશ વ્યાપી ગયો છે. અનેક પરિવારો માટે આ આર્થિક ફટકો સહન કરવો મુશ્કેલ બની ગયો છે. ગિફ્ટ સિટી જેવી સુરક્ષિત ગણાતી જગ્યાએ આટલું મોટું કૌભાંડ આચરીને સંચાલકો ફરાર થઈ જવામાં સફળ રહ્યા તે સુરક્ષા અને વહીવટી તંત્ર સામે પણ સવાલો ઉભા કરે છે. પોલીસે લોકોને અપીલ કરી છે કે તેઓ શાંતિ જાળવે અને કાયદાકીય પ્રક્રિયામાં સહકાર આપે.