મહાપાલિકા પસ્તી અને રદ્દી રેકોર્ડ વેચીને આવક ઉભી કરશે
સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રૂા. 4.20 કરોડના વિકાસ કામો મંજૂર
-
વોર્ડ નં. 12 માં વરસાદી પાણીના નિકાલ માટે 2.23 કરોડના ખર્ચે સ્ટોર્મ વોટર લાઇન નખાશે
-
ત્રણેય ઝોનમાં 1.14 કરોડના ખર્ચે થર્મોપ્લાસ્ટ રોડ માર્કિંગ કરાશે, ટ્રાફિક વ્યવસ્થા સુધરશે
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ચેરેમેન પરેશ પીપળીયાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. આ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર દ્વારા રજૂ કરવામાં આવેલી કુલ ૧૩ દરખાસ્તોને કમિટીએ સર્વાનુમતે લીલી ઝંડી આપી દીધી છે. શહેરના વિકાસને વેગ આપવા માટે રૂ. ૪.૨૦ કરોડના વિવિધ કામો મંજૂર કરવામાં આવ્યા છે, જેમાં ડ્રેનેજ સિસ્ટમ, રોડ માર્કિંગ, સ્વચ્છતા અને શિક્ષણ ક્ષેત્રના મહત્વપૂર્ણ નિર્ણયોનો સમાવેશ થાય છે.
ચોમાસા દરમિયાન વોર્ડ નં. ૧૨ માં ઉપરવાસમાંથી આવતા પાણીના પ્રવાહને લીધે સર્જાતી ગંભીર સમસ્યાના કાયમી ઉકેલ માટે સ્ટોર્મ વોટર લાઇન નાખવાનો નિર્ણય લેવાયો છે. સર્વોદય સ્કૂલથી રાધે પાર્ટી પ્લોટ સુધી તથા ઓમ પાર્ક મેઇન રોડથી નંદવનન ૮૦ ફૂટ રોડને લાગુ રોડ પર આ પાઇપલાઇન નખાશે. સિદ્ધનાથ કન્સ્ટ્રક્શન દ્વારા ૧૯.૯૧% ઓછા ભાવ આપતાં રૂ. ૨.૨૩ કરોડના ખર્ચે આ કામ મંજૂર કરાયું છે.
આ પ્રોજેક્ટ હેઠળ અંદાજે ૨૯૦૦ મીટરમાં ૬૦૦ mm ડાયામીટર, ૫૦ મીટરમાં ૪૫૦ mm અને ૮૫૦ મીટરમાં
૩૦૦ mm ડાયામીટરની પાઇપલાઇન નાખવામાં આવશે. આ કામગીરી પૂર્ણ થતાં વિસ્તારના ૧૦૦૦૦ થી વધુ નાગરિકોને પૂર અને પાણી ભરાવાની સમસ્યામાંથી મોટી રાહત મળશે.
શહેરના ઈસ્ટ, સેન્ટ્રલ અને વેસ્ટ એમ ત્રણેય ઝોનના મુખ્ય માર્ગો પર ટ્રાફિક નિયમન અને રાહદારીઓની સલામતી જળવાઈ રહે તે માટે થર્મોપ્લાસ્ટ રોડ માર્કિંગ કરવામાં આવશે. સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ પ્લેટિનમ કન્સ્ટ્રક્શન કંપનીના ૩૪.૩૪% ઓછા ભાવ આવતા રૂ. ૧.૧૪ કરોડનો ખર્ચ મંજૂર કરાયો છે. આ અંતર્ગત ડાઈવઇડર સાઈડની લાઈન, ઝેબ્રા ક્રોસિંગ, સ્પીડ બેકર પર વાઈટ પટ્ટા, પીળા પાર્કિંગ પટ્ટા અને વ્હાઈટ સેન્ટર લાઈનની કામગીરી થશે.
વર્ડ નં. ૩ માં શિક્ષણ અને બાળ કલ્યાણને ધ્યાનમાં રાખીને ૨ નવી આંગણવાડીઓ બનાવવા માટે અંદાજે રૂ. ૪૦ લાખનો ખર્ચ મંજૂર કરાયો છે. જ્યારે સ્વચ્છતા જાળવવામાં અને આપત્તિ સમયે ઉપયોગમાં લેવાતી સેનિટેશન સાધન-સામગ્રી માટે સોમનાથ એન્ટરપ્રાઈઝને વાર્ષિક રૂ. ૧૫ લાખના બજેટમાં રેટ કોન્ટ્રાક્ટ અપાયો છે.
આ ઉપરાંત, મહાનગરપાલિકાની તમામ શાખાઓમાંથી નીકળતા જૂના રદ્દી રેકોર્ડ, વર્તમાનપત્રો અને ચોપડીઓના નિકાલ માટે ગુજરાત વેસ્ટેજ સપ્લાયને પ્રતિ કિલો રૂ. ૨૧.૫૧ ના ભાવે ૨ વર્ષનો કોન્ટ્રાક્ટ અપાયો છે. આ પસ્તી વેચીને મનપા વધારાની આવક ઊભી કરશે જે હિસાબી ખાતામાં જમા થશે અને બિનજરૂરી રેકોર્ડનો નિકાલ થશે.
- મોરારી બાપુની રામકથા માટે રેસકોર્સ ગ્રાઉંડ ટોકન દરે અપાશે
આગામી દિવસોમાં રાજકોટ ખાતે યોજાનારી પૂજ્ય મોરારી બાપુની રામકથા માટે આયોજકો દ્વારા રેસકોર્સ ગ્રાઉન્ડ ટોકન દરે ફાળવવા માંગણી કરવામાં આવી હતી. આ ધાર્મિક મહોત્સવને ધ્યાનમાં રાખીને મેયર ડો. નેહલ શુક્લ દ્વારા રજૂ કરવામાં આવેલી અર્જન્ટ બિઝનેસ દરખાસ્તે સ્ટેન્ડિંગ કમિટીએ સર્વાનુમતે મંજૂરી આપી દીધી છે, જેથી રામકથા માટે ગ્રાઉન્ડ રાહત દરે (ટોકન દરથી) ફાળવવામાં આવશે.