'આપ'ના ધારાસભ્ય ચૈતર વસાવાને 7 વર્ષની સજા
- રાજપીપળા સેશન્સ કોર્ટે પત્ની સહિત કુલ 9 આરોપીઓને વન વિભાગના કેસમાં ગુનેગાર ઠેરવ્યા
- દેડિયાપાડા જંગલ જમીન કૌભાંડમાં કોર્ટે સરકારી કામગીરીમાં અવરોધનો ગુનો ગ્રાહ્ય રાખ્યો
- લાંબા સમયથી ચાલતા જંગલ ખાતાના કેસમાં કોર્ટે આપ્યો અત્યંત ઐતિહાસિક અને મહત્વનો ચુકાદો
સિટી ન્યુઝ @ નર્મદા
ગુજરાત રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા છે. નર્મદા એડિશનલ સેશન્સ કોર્ટે વન વિભાગના કર્મચારીઓ પર થયેલા હુમલા અને ધમકી આપવાના ચકચારી કેસમાં આ મહત્વનો ચૂકાદો આપ્યો છે. MLA ચૈતર વસાવા અને તેમની પત્ની શકુંતલા વસાવા સહિત તમામ નવ આરોપીને ૭ વર્ષની કેદ અને રૂ.૨૫ હજારનો દંડ કરવામાં આવ્યો છે. ધારાસભ્ય ચૈતર વસાવાને અલગ અલગ ગુનાઓમાં સજા ફટકારવામાં આવતા ભરૂચ નર્મદા રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, નવેમ્બર ૨૦૨૩માં નોંધાયેલી આ ફરિયાદ મુજબ, ધારાસભ્ય પર આરોપ હતો કે, તેમણે ફોરેસ્ટ કર્મચારીઓને પોતાના ઘરે બોલાવીને માર માર્યો હતો. આ વિવાદસ્પદ ઘટના બાદ ચૈતર વસાવાએ કોર્ટમાં સરેન્ડર કર્યું હતું અને હવે લાંબી કાનૂની પ્રક્રિયા બાદ કોર્ટે આ મામલે તેમને દોષિત ઠેરવતો મહત્વનો ચૂકાદો આપ્યો છે. સરકારી વકીલ વંદના ભટ્ટે જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૩માં ફોરેસ્ટ વિભાગ કર્મચારીઓએ વન વિભાગની જમીન પરથી ગેરકાયદેસર વાવેતર દૂર કર્યું હતું, આ બાબતને લઈ ચૈતર વસાવાએ તે કર્મચારીઓને પોતાના ઘરે બોલાવીને ધાક-ધમકી આપી, હવામાં ગોળીબાર કર્યો અને ધોલધપાટ કરી હતી. તેના બીજા જ દિવસે ચૈતર વસાવાના PA અને અન્ય લોકોએ કર્મચારીઓ પાસે ૩૦,૦૦૦-૩૦,૦૦૦ મળીને કુલ ૬૦,૦૦૦ની ખંડણી માંગી હતી. ફોરેસ્ટ કર્મચારીઓ પાસે પૈસા ન હોવાથી તેમણે ATMમાંથી પૈસા ઉપાડવાનો પ્રયત્ન કર્યો પણ પૈસા ન નીકળતા તેમણે પોતાના ઉપરી અધિકારીને ફોન કર્યો હતો અને અધિકારીએ ઓનલાઈન ૩૦,૦૦૦-૩૦,૦૦૦ ટ્રાન્સફર કર્યા હતા, જે પુરાવા તરીકે ગણી આવ્યા છે. આ કેસની સુનાવણી એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજની કોર્ટમાં ચાલી હતી, જેમાં તમામ સરકારી સાક્ષીઓ અને મજબૂત પુરાવાઓને આધારે કોર્ટે આજે (૨૩ જૂને) ૫ પુરુષ અને ૪ સ્ત્રી સહિત કુલ ૯ આરોપીને દોષી ઠેરવીને ૭ વર્ષની કેદની સજા તથા ૨૫,૦૦૦નો દંડ ફટકાર્યો છે. હાલમાં તમામ આરોપીઓને રાજપીપળા જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં રાખવાનો હુકમ કરવામાં આવ્યો છે. વધુમાં આરોપીઓ તરફથી નર્મદા જિલ્લાના વાતાવરણને કારણે અન્ય જિલ્લાની જેલમાં ટ્રાન્સફર કરવાની અરજી કરવામાં આવી છે, તેમજ આરોપીઓ પૈકી એક સગર્ભા મહિલા છે અને એક મહિલાને નવજાત બાળક હોવાથી, બાળકને જેલમાં સાથે રાખવાની અરજી તેમના વકીલ દ્વારા કરવામાં આવી છે.
કાયદા સમક્ષ સૌ સમાન
ભારતીય ન્યાય પ્રણાલીએ ફરી એકવાર સાબિત કર્યું છે કે કાયદાની નજરમાં કોઈ રાજકીય નેતા કે સામાન્ય નાગરિક વચ્ચે કોઈ ભેદભાવ હોતો નથી. જંગલ અને પર્યાવરણનું રક્ષણ કરતી સરકારી જમીનો પર થતા અતિક્રમણ અને સરકારી અધિકારીઓની કાયદેસરની ફરજમાં અડચણ રૂપ બનતા તત્વો માટે આ ચુકાદો એક કડક દાખલારૂપ સાબિત થશે. પ્રજાના પ્રતિનિધિઓએ કાયદાના રક્ષક બનવાની જરૂર હોય છે, નહીં કે પોતાના પદનો ઉપયોગ કરીને કાયદાનું ઉલ્લંઘન કરનાર.