Loading Please Wait !!!
મંદિરોમાં ચોરી કરતી ગેંગ ઝડપાઈ

  • ભાવનગર-અમરેલીમાં 26 મંદિર ચોરીના ગુના ઉકેલાયા; પાલીતાણા રૂરલ પોલીસે રૂ. 6.35 લાખના મુદ્દામાલ સાથે 4 આરોપીઓને ઝડપી પાડ્યા; ચાંદીના છત્તરોની ચોરી કબૂલી

સિટી ન્યૂઝ@ભાવનગર

ભાવનગર અને અમરેલી જિલ્લાના વિવિધ મંદિરો તથા માતાજીના મઢમાં થયેલી ચોરીના ગુનાઓનો પાલીતાણા રૂરલ પોલીસે ભેદ ઉકેલી રૂ. ૬.૩૫ લાખના મુદ્દામાલ સાથે ૪ આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓએ બંને જિલ્લામાં કુલ ૨૬ જેટલા મંદિરો અને માતાજીના મઢમાંથી ચાંદીના છત્તરોની ચોરી કરી હોવાની કબૂલાત આપી હોવાનું પોલીસે જણાવ્યું છે.

પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.બી. જાડેજા તથા તેમની ટીમ ૨૮ જુલાઈના રોજ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે કુંભણ ગામની ઘોડીઢાળ ચોકડી પાસે ચાર શખ્સો બે મોટરસાઈકલ સાથે શંકાસ્પદ હાલતમાં ઉભા છે, પોલીસે સ્થળ પર પહોંચી તપાસ કરતાં ચારેય શખ્સો પાસેથી કિંમતી મુદ્દામાલ મળ્યો હતો.

પોલીસે મુદ્દામાલ અંગે આધાર કે બિલ માંગતાં આરોપીઓ કોઈ સંતોષકારક જવાબ આપી શક્યા નહોતા. જેથી મુદ્દામાલ શંકામદ મિલકત તરીકે કબજે કરી ચારેયની અટકાયત કરવામાં આવી હતી.

પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીઓ છેલ્લા ઘણા સમયથી ભાવનગર અને અમરેલી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં આવેલા કુલ ૨૬ જેટલા મંદિરો અને માતાજીના મઢમાંથી ચાંદીના છત્તરોની ચોરી કરી હોવાની કબૂલાત આપી હોવાનું પોલીસે જણાવ્યું છે. આ કબૂલાતના આધારે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પકડાયેલા આરોપીઓમાં ગેહુલભાઈગાણેશભાઈ મકવાણા, અશ્વિનભાઈ અશોકભાઈ મકવાણા અને ભરતભાઈ વજેરામભાઈ જાની (ત્રણે રહે. ભાંંભલ, તા. સિહોર) તેમજ પ્રત્યક્ષભાઈ હસમુખભાઈ પાટડીયા (રહે. દક્ષિણી સોસાયટી, અમદાવાદ)નો સમાવેશ થાય છે.પાલીતાણા રૂરલ પોલીસે આરોપીઓ પાસેથી રૂ. ૬,૩૫,૦૦૦નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.