ઈંડાની અછતના એંધાણ!
- મહારાષ્ટ્રમાં બર્ડફ્લૂના કારણે અઢી લાખ મરઘા મારી નાંખ્યા
- રોજના 15 લાખ ઈંડાની સપ્લાય બંધ
સિટી ન્યૂઝ@સુરત : મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લામાં આવેલા નવાપુરમાં બર્ડફ્લૂના પોઝિટિવ કેસ આવતા પોલટ્રી ફાર્મને તાળા લાગી ગયા છે. અઢી લાખ મરઘાને તો મારી નાખવાની ફરજ પડી છે. આ સ્થિતિની સૌથી વધુ અસર થઈ હોય તો તે સુરત છે. કારણ કે, સુરતમાં દૈનિક ઈંડાની મોટાભાગની જરુરિયાત નવાપુર પૂરી કરે છે. લાખો ઈંડાની સપ્લાય ઠપ્પ થતા સુરતમાં ઈંડાની અછત સર્જાવાની શક્યતા છે. મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લામાં આવેલા અને ગુજરાતની સરહદને અડીને આવેલા નવાપુરના પોલ્ટ્રી ઉદ્યોગમાં બર્ડ ફ્લૂ (H5N1) ફાટી નીકળતા ફફડાટ વ્યાપી ગયો છે. નવાપુર પોલ્ટ્રી એસોસિએશનના અધ્યક્ષ આરિફભાઈ બલેસરિયાએ પુષ્ટિ કરી છે કે નંદુરબાર જિલ્લા કલેક્ટરે સત્તાવાર રીતે બર્ડ ફ્લૂ જાહેર કર્યો છે. આ સમાચારની સૌથી વધુ અને સીધી અસર સુરત શહેર પર જોવા મળી રહી છે. સુરત પોતાની ઈંડાની જરૂરિયાત માટે સંપૂર્ણપણે નવાપુર પર નિર્ભર છે. રોજિંદા ધોરણે નવાપુરથી સુરતમાં જે લાખો ઈંડાની આવક થતી હતી, તે કલેક્ટરના જાહેરનામા બાદ તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવી છે. આના કારણે આગામી દિવસોમાં સુરતના રિટેલ માર્કેટમાં ઈંડાની અછત સર્જાય તેવી પૂરેપૂરી શક્યતા છે. નવાપુર ખાતે તમામ તપાસ કાર્યવાહી પર સુરત જિલ્લા કલેકટર કચેરીની પણ નજર છે.
બર્ડ ફ્લૂની ગંભીરતાને જોતા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) અને કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે વિસ્તારમાં વાયરસ પોઝિટિવ આવ્યો છે તેના 1 કિલોમીટરના રેડિયેશનમાં આવતા તમામ પોલ્ટ્રી ફાર્મ્સને ખાલી કરાવવાનો આદેશ અપાયો છે. એનિમલ હસબન્ડરી ડિપાર્ટમેન્ટ દ્વારા અત્યાર સુધીમાં અંદાજે 2 લાખ 40 હજાર મરઘાંઓને કલિંગ (મારી નાખવાની પ્રક્રિયા) દ્વારા નષ્ટ કરવામાં આવ્યા છે. આ પ્રક્રિયાનો હેતુ વાયરસને અન્ય તંદુરસ્ત પક્ષીઓ અને માણસો સુધી ફેલાતો અટકાવવાનો છે. બાકીના વિસ્તારોમાં પણ સર્વેલન્સ વધારી દેવામાં આવ્યું છે. નવાપુરમાં કુલ 12 લાખ મરઘાંની ક્ષમતા છે, જેમાંથી દૈનિક 10 લાખ ઈંડાનું ઉત્પાદન થાય છે.
શું ચિકન-ઈંડા ખાવા સુરક્ષિત છે?
બર્ડ ફ્લૂના સમાચાર વાયુવેગે ફેલાતા લોકોમાં ચિકન અને ઈંડા ખાવા અંગે ડરનો માહોલ છે. જોકે, નિષ્ણાતો અને પોલ્ટ્રી એસોસિએશનના પ્રમુખે લોકોને ગભરાવાની જરૂર નથી તેવી અપીલ કરી છે. WHOની ગાઈડલાઈન મુજબ, જો ચિકન કે ઈંડાને 70 ડિગ્રી સેલ્સિયસથી વધુ તાપમાન પર બરાબર ઉકાળીને કે રાંધીને ખાવામાં આવે તો વાયરસ જીવિત રહી શકતો નથી. ભારતીય રસોઈ પદ્ધતિમાં સામાન્ય રીતે ખોરાક 80 થી 90 ડિગ્રી તાપમાન પર રાંધવામાં આવતો હોય છે, તેથી યોગ્ય રીતે પકવેલો ખોરાક સ્વાસ્થ્ય માટે હાનિકારક નથી. પરંતુ, કાચા કે અર્ધકચરા રાંધેલા ઈંડા-ચિકનથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે.