અમદાવાદમાં મોકા કાફેની કોફીમાંથી નીકળી જીવાત: ભારે હોબાળો
- બોડકદેવના જાણીતા કાફેના રસોડામાં વંદા અને જીવજંતુઓ ફરતા દેખાતા AMCની તપાસ
- ગ્રાહકે રસોડામાં જઈને પોલ ખોલી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ફૂડ વિભાગ કરશે કાર્યવાહી
- કોફી અને ખાવાની ચીજોમાંથી જીવજંતુ નીકળતા ગ્રાહકે ફૂડ વિભાગમાં કરી સત્તાવાર ફરિયાદ
સિટી ન્યુઝ @ અમદાવાદ
અમદાવાદ શહેરના પોશ ગણાતા બોડકદેવ વિસ્તારમાં આવેલા મોકા કાફે (MOCHA Cafe) માંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં કોફી અને ખાવા-પીવાની મોંઘીદાટ ચીજવસ્તુઓમાંથી જીવજંતુઓ નીકળ્યા હોવાની ગ્રાહકની ફરિયાદ બાદ મોટો વિવાદ સર્જાયો છે. કાફેમાં કોફી પીવા અને જમવા માટે ગયેલા ગ્રાહક કુલદીપસિંહ મકવાણાએ આક્ષેપ કર્યો હતો કે તેમની કોફીમાં જીવાત તરતી જોવા મળી હતી, તેમજ બાજુના ટેબલ પર બેઠેલા અન્ય ગ્રાહકના ભોજનમાંથી પણ જીવાત નીકળી હતી.
આ બાબતે ગ્રાહકે જ્યારે કાફેના હાજર સ્ટાફને ફરિયાદ કરી ત્યારે યોગ્ય જવાબ ન મળતા તેમણે પોતે કાફેના રસોડામાં જઈને તપાસ કરી હતી. કિચનની અંદર મોટા પ્રમાણમાં વંદા અને અન્ય હાનિકારક જીવજંતુઓ ખુલ્લેઆમ ફરતા જોવા મળ્યા હતા. આ હૈયાવરાળ અને ગંદકીના દ્રશ્યો સામે આવ્યા બાદ ગ્રાહકે તાત્કાલિક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના ફૂડ વિભાગને આ અંગે સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી, જેના પગલે હવે કોર્પોરેશનની ટીમ કાફે સીલ કરવા સહિતની કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરશે.
ઉલ્લેખનીય છે કે, આ કાફેમાં 60 રૂપિયાથી લઈને 165 રૂપિયા સુધીની વિવિધ મોંઘી વેરાઈટીમાં કોફી વેચવામાં આવે છે. આ અગાઉ 25 મે 2026 ના રોજ આઈઆઈએમ રોડ પર આવેલી જાણીતી બ્રાન્ડ 'છાશવાલા' ના મિલ્કશેકમાંથી પણ જીવજંતુ નીકળતા AMC એ 25,000 રૂપિયાની પેનલ્ટી ફટકારી હતી. તેમજ 17 માર્ચ 2026 ના રોજ સિંધુભવન રોડ પરના 'Komo by Kaffa' કેફેની ગાર્લિક બ્રેડમાંથી મરેલી માખી નીકળવાનો કિસ્સો પણ પ્રકાશમાં આવી ચૂક્યો છે, જે શહેરમાં કથળતી ફૂડ સેફ્ટીની સ્થિતિ દર્શાવે છે.
મોકા કાફેના રસોડામાં વંદાનો રાફડો
મોકા કાફેમાં કોફીમાંથી જીવાત નીકળતા ગ્રાહકે જાતે કિચનની તપાસ કરી હતી. કાફેના રસોડાની અંદર ભારે ગંદકી સાથે મોટા પ્રમાણમાં વંદા ફરતા જોવા મળ્યા હતા. ગ્રાહકે આ ગંભીર બેદરકારી બદલ તંત્ર સમક્ષ કડક પગલાં લેવાની માગ કરી છે. એએમસી ફૂડ વિભાગની ટીમ હવે સેમ્પલ લઈને આઉટલેટ સામે કાયદાકીય કાર્યવાહી કરશે.