રાજ્યસભા માટે ભાજપના ચારેય ઉમેદવારોએ વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યા
- ગુજરાતના ઈતિહાસમાં પ્રથમવાર રાજ્યસભામાં કોંગ્રેસનું પ્રતિનિધિત્વ શૂન્ય થશે
- સંખ્યાબળ જોતાં ભાજપની તમામ બેઠકો પર જીત નિશ્ચિત, વિપક્ષ બહાર
- વિજય મુહૂર્તમાં નોંધાવ્યું નામાંકન, ગુજરાતમાં કોંગ્રેસમુક્ત રાજ્યસભાની શરૂઆત
સિટી ન્યુઝ @ ગાંધીનગર
ગુજરાતની રાજ્યસભાની ૧૧ માંથી ખાલી પડેલી ૪ બેઠકો માટેની ચૂંટણી પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે. આજે ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસે ભાજપના જાહેર કરાયેલા ચારેય ઉમેદવારો—રાજુ શુક્લા, માનસિંહ પરમાર, મુકેશ રાઠવા અને જીતેન્દ્ર કણઝારિયાએ વિજય મુહૂર્તમાં પોતાનું નામાંકન નોંધાવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિતના રાજ્યના ઉચ્ચ નેતાઓ અને મંત્રીઓ વિધાનસભા ખાતે ઉપસ્થિત રહ્યા હતા.
વર્તમાન વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ જોતાં આ ચારેય બેઠકો પર પક્ષની જીત નિશ્ચિત માનવામાં આવે છે. આ ચૂંટણીમાં ખાસ નોંધપાત્ર બાબત એ છે કે ઈતિહાસમાં પ્રથમવાર ગુજરાતમાંથી રાજ્યસભામાં કોંગ્રેસનો એક પણ સભ્ય નહીં હોય. રાજ્યસભાની એક બેઠક જીતવા માટે ૪૬ ધારાસભ્યોના સમર્થનની જરૂર હોય છે, જ્યારે કોંગ્રેસ પાસે માત્ર ૧૨ ધારાસભ્યો હોવાથી પક્ષ ફોર્મ ભરવાની સ્થિતિમાં પણ નથી.
રાજકીય સમીકરણો મુજબ, ભાજપ દ્વારા આદિવાસી સમાજમાંથી મુકેશ રાઠવાને ટિકિટ આપીને આદિવાસી વિસ્તારમાં પોતાની પકડ મજબૂત કરવાના પ્રયાસો કર્યા છે, જેમને ચૈતર વસાવાના વિકલ્પ તરીકે જોવામાં આવી રહ્યા છે. બીજી તરફ, વિધાનસભા ચૂંટણીમાં પાતળી સરસાઈથી હારનાર માનસિંહ પરમારને રાજ્યસભામાં મોકલીને પક્ષે તેમને મોટી જવાબદારી સોંપી છે. આ સાથે જ ગુજરાતના રાજકારણમાં કોંગ્રેસનું રાજ્યસભામાં પ્રતિનિધિત્વ સંપૂર્ણપણે સમાપ્ત થવા જઈ રહ્યું છે.
રાજ્યસભાની ચૂંટણી પ્રક્રિયા
રાજ્યસભાની ચૂંટણી પ્રક્રિયા લોકસભા કરતા ભિન્ન અને પરોક્ષ હોય છે. તેમાં સામાન્ય જનતા નહીં, પરંતુ ચૂંટાયેલા ધારાસભ્યો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે છે. દરેક ધારાસભ્યના મતનું મૂલ્ય ૧૦૦ હોય છે. રાજ્યસભા એક કાયમી ગૃહ છે, જેના એક-તૃતીયાંશ સભ્યો દર બે વર્ષે નિવૃત્ત થાય છે, જેના કારણે નિયમિત અંતરે ચૂંટણી યોજાય છે. ગુજરાતમાં વર્તમાન સંખ્યાબળના આધારે ભાજપ આ તમામ બેઠકો પર આરામદાયક જીત મેળવવાની સ્થિતિમાં છે.