Loading Please Wait !!!
અમદાવાદમાં 40° સે.ને પાર ગરમી: કાંકરિયા ઝૂના 2190 વન્યજીવો માટે એર કૂલર સજ્જ

  • અબોલ જીવોને હીટવેવથી બચાવવા ગ્રીન નેટ અને ખાસ ડાયટ સાથે વહીવટી તંત્ર તૈયાર
  • ગરમી સામે રક્ષણ મેળવવા પ્રાણીઓને ગ્લુકોઝ-ORS અને શેરડી-તરબૂચનો નાસ્તો
  • નિશાચર પ્રાણીઓ માટે ખાસ ETHE ટેકનોલોજી; ડોક્ટરોની ટીમ દ્વારા સતત મોનિટરિંગ

સિટી ન્યુઝ @ અમદાવાદ : અમદાવાદમાં ઉનાળાનો પારો 40 ડિગ્રીને પાર કરી ગયો છે, ત્યારે મનુષ્યોની સાથે સાથે પ્રાણી સંગ્રહાલયના અબોલ જીવોને ગરમીથી બચાવવા માટે વહીવટી તંત્ર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. કાંકરિયા ખાતે આવેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત કમલા નેહરુ પ્રાણી સંગ્રહાલયમાં વન્યજીવોને હીટવેવથી રક્ષણ આપવા માટે હાઈટેક સુવિધાઓ અમલમાં મૂકવામાં આવી છે. 2,190 જેટલા પ્રાણીઓ, પક્ષીઓ અને સરિસૃપોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને ઝૂ સત્તાવાળાઓએ સુરક્ષા કવચ તૈયાર કર્યું છે.

વન્યજીવોને તાપમાનના વધારાથી બચાવવા માટે સિંહ, વાઘ, દીપડા અને હાથી જેવા પ્રાણીઓના પાંજરા પાસે 38 થી 40 જેટલા એર કૂલર લગાવવામાં આવ્યા છે. નિશાચર પ્રાણીઓ (Nocturnal Animals) માટેના ઝૂમાં ETHE (Earth Tube Heat Exchanger) અને જીઓ-થર્મલ એરેશન સિસ્ટમ કાર્યરત છે, જે અંદરનું તાપમાન સાનુકૂળ રાખે છે. સૂર્યના સીધા કિરણોથી બચાવવા માટે પાંજરાઓ પર ગ્રીન નેટ બાંધવામાં આવી છે અને પ્રાણીઓ માટે યોગ્ય શેલ્ટરની વ્યવસ્થા કરાઈ છે.

પ્રાણીઓમાં ડિહાઈડ્રેશનની સમસ્યા ન સર્જાય તે માટે વેટરનરી ડોક્ટરોની ટીમ દ્વારા સતત નિરીક્ષણ કરવામાં આવે છે. ગરમીમાં ઠંડક આપવા માટે પ્રાણીઓને તરબૂચ, ટેટી અને શેરડી જેવા પાણીદાર ફળો આપવામાં આવે છે. વન્યજીવોના પીવાના પાણીમાં ગ્લુકોઝ અને ORS પાઉડર ઉમેરવામાં આવે છે જેથી શરીરમાં પાણીનું સ્તર જળવાઈ રહે. વિદેશી પ્રાણીઓ પર ગરમીની વધુ અસર ન થાય તે માટે વેક્સિનેશન, ડિવોર્મિંગ અને મેડિકલ ચેકઅપ માટે રેગ્યુલર રાઉન્ડ લેવામાં આવે છે.

વેકેશનના સમયમાં અંદાજે 3 લાખ જેટલા પ્રવાસીઓ મુલાકાત લેતા હોવાથી તેમના માટે પણ વહીવટી તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. મુલાકાતીઓ માટે ઝૂ સવારે 9 થી સાંજના 7 વાગ્યા સુધી ખુલ્લું રાખવામાં આવે છે. પ્રવાસીઓને ગરમીમાં તકલીફ ન પડે તે માટે ઠંડા પાણીની પરબ, ઠંડક માટે એર કૂલર, ગ્રીન નેટનો છાયડો અને ઠેર-ઠેર વોટર પોઈન્ટ્સની સુવિધા ઉપલબ્ધ કરાવી છે. મુલાકાતીઓની સુવિધા માટે ઓનલાઈન ટિકિટિંગ અને ગાઈડની વ્યવસ્થા પણ રાખવામાં આવેલી છે.

નોંધનીય છે કે છેલ્લા 5 વર્ષમાં કાંકરિયા ઝૂની 77.72 લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી છે. પર્યટનને વધુ વેગ આપવા માટે હાલ 'વોક ઈન એવરી' બનાવવાની કામગીરી ચાલુ છે અને નવા પ્રાણીઓ લાવવાની પ્રક્રિયા પણ તેજ કરવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લેવામાં આવેલા આ પગલાંઓને કારણે પ્રાણીઓની સુરક્ષાની સાથે સાથે મુલાકાતીઓ માટે પણ કાંકરિયા ઝૂ ઉનાળાના વેકેશનમાં આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.