Loading Please Wait !!!
હાલોલના વાંકડિયા ગામે બોગસ ડોક્ટર ઝડપાયો: પાવાગઢ પોલીસનો સપાટો

  • પશ્ચિમ બંગાળનો શખસ લાયસન્સ વગર કરતો હતો તબીબી પ્રેક્ટિસ; દવાઓનો જથ્થો જપ્ત
  • એલોપેથિક દવાઓ અને ઇન્જેક્શન્સ આપી લોકોના સ્વાસ્થ્ય સાથે થતા ચેડાં અટકાવાયા
  • એન્ટીબાયોટીક્સ, વેક્સિન અને મેડિકલ સાધનો મળી આવ્યા; ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ હેઠળ ગુનો

સિટી ન્યુઝ @ પાવાગઢ

પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના વાંકડિયા ગામે માન્યતા પ્રાપ્ત ડિગ્રી વગર ગેરકાયદે રીતે તબીબી પ્રેક્ટિસ કરી રહેલા એક શખસને પાવાગઢ પોલીસે ઝડપી પાડ્યો છે. પશ્ચિમ બંગાળનો આ શખસ કોઈપણ લાયસન્સ વગર એલોપેથીક દવાઓ અને ઈન્જેક્શન્સ આપી ગ્રામજનોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરી રહ્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. આ કાર્યવાહીથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

મળતી માહિતી અનુસાર, એસ.ઓ.જી. (SOG) ગોધરાની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. કથોલા પી.એચ.સી. સેન્ટરના મેડિકલ ઓફિસર ડૉ. જીજ્ઞેશ પારગી અને ફાર્માસિસ્ટ દ્રષ્ટીબહેન રાઠવાની ટીમે વાંકડિયા ગામે રોડ પર આવેલા એક મકાનમાં ઓચિંતી તપાસ હાથ ધરી હતી. આ સંયુક્ત તપાસ દરમિયાન ત્યાં ક્લિનિક ચલાવતો પ્રદિપ માંડલ (ઉં.વ. 58) નામનો શખસ કોઈ પણ આધાર પુરાવા વગર દર્દીઓની સારવાર કરતો મળી આવ્યો હતો.

પોલીસની પ્રાથમિક પૂછપરછ અને તપાસમાં ખુલાસો થયો હતો કે પ્રદિપ માંડલ પાસે મેડિકલ સારવાર કરવા માટેની કોઈ માન્ય ડિગ્રી કે લાયસન્સ નહોતું. તે પશ્ચિમ બંગાળનો વતની હોવાનું અને અહીં લાયસન્સ વગર પ્રેક્ટિસ કરતો હોવાનું સ્વીકાર્યું હતું. આ શખસ ગ્રામ્ય વિસ્તારના ભોળા લોકોને વિશ્વાસમાં લઈને તેમના જીવને જોખમમાં મૂકી રહ્યો હતો.

તપાસ દરમિયાન સ્થળ પરથી દવાઓ અને ઇન્જેક્શન્સનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે વિવિધ પ્રકારની એન્ટીબાયોટીક્સ ટેબ્લેટ્સ, ક્રીમ, પેઈન કિિલર, ડિક્લોફેનેક, ટેટનસ વેક્સિન જેવી દવાઓ સહિત બીપી ઇન્સ્ટ્રુમેન્ટ, ગ્લુકોમીટર અને સિરીંજ જપ્ત કરી છે. આ તમામ મુદ્દામાલની કુલ કિંમત આશરે 9,665 રૂપિયા આંકવામાં આવી છે, જેને પોલીસે કબજે લીધો છે.

હાલ પાવાગઢ પોલીસે પકડાયેલા બોગસ ડોક્ટર પ્રદિપ માંડલ સામે 'ધી ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ' ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી જેલભેગો કર્યો છે. મેડિકલ ઓફિસરની ફરિયાદના આધારે આગળની કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે. આ સફળ દરોડા બાદ આરોગ્ય વિભાગ દ્વારા અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં પણ આવા બોગસ ડોક્ટરો વિરુદ્ધ તપાસ તેજ કરવામાં આવશે તેવા સંકેતો મળી રહ્યા છે.