ચાર્જશીટ બાદ હત્યાના પ્રયાસના આરોપીને હાઈકોર્ટના જામીન
ગાંધીગ્રામ-૨ પોલીસના હત્યાના પ્રયાસના ગુનામાં હાઈકોર્ટનો મહત્વનો આદેશ
સીટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટ શહેરના ગાંધીગ્રામ-૨ (યુનિવર્સિટી) પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યાના પ્રયાસના ગુનામાં ગુજરાત હાઈકોર્ટે આરોપી હિરેન ઉર્ફે કાનો રેવાભાઈ ધોળકિયાને ચાર્જશીટ દાખલ થયા બાદ કડક શરતોના આધારે નિયમિત જામીન મંજૂર કર્યા છે. પોલીસ ફરિયાદ મુજબ, તા. ૨૨ નવેમ્બર, ૨૦૨૫ના રોજ ગાંધીગ્રામ-૨ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆર અનુસાર ફરિયાદી અને આરોપી વચ્ચે અગાઉ પ્રેમસંબંધ હતો. આ દરમિયાન રૂપિયાની લેતીદેતી થઈ હતી. ફરિયાદીએ પોતાના રૂપિયા પરત માંગતા આરોપીએ જાર રાખી લોખંડના પાઈપ વડે હુમલો કરી હાથ, પગ, માથા તથા શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.
આ બનાવમાં પોલીસે બી.એન.એસ.ની કલમ ૧૧૭(૩), ૩૫૧(૩), ઉપર તથા ગુજરાત પોલીસ એક્ટની કલમ ૧૩૫ હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો. ચાર્જશીટ દાખલ થયા બાદ આરોપી તરફથી રજૂ થયેલી દલીલોને ધ્યાનમાં લઈ ગુજરાત હાઈકોર્ટે કેસની પરિસ્થિતિનો અભ્યાસ કરીને આરોપીને કડક શરતોના આધારે નિયમિત જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યો હતો. આ કેસમાં આરોપી તરફથી પાર્થ લો ફર્મના વકીલો ગૌરાંગ આર. રાઠોડ, શૈલેષ આર. વકાતર, કરશન એન. ભરવાડ (મીર), રીના રાજપૂત અને કોમલ ચૌહાણે વકીલાત કરી હતી. જ્યારે ફ્રિન્કલ જી. રાઠોડ અને ધ્રુવી દલસાણીયાએ આસિસ્ટન્ટ તરીકે કામગીરી સંભાળી હતી.