ધીરૂ વોરા સહીત ચાર પર હુમલો કેસમાં 6 આરોપીઓને નિર્દોષ જાહેર કરાયા
ફરિયાદી ધીરૂ વોરાના થવાયેલ અહમના ભાગરૂપે હાલની કમીનલ ટ્રાયલ ઉત્પન થયેલનું પુરવાર થયેલ છે-એડવોકેટ સુરેશ ફળદુ
સીટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટની અદાલતે ધીરૂ વોરા સહિત ચાર વ્યક્તિઓ પર થયેલા કથિત જીવલેણ હુમલાના ૨૩ વર્ષ જૂના કેસમાં ૬ આરોપીઓને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરતા મહત્વપૂર્ણ ચૂકાદો આપ્યો છે. એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સરકાર પક્ષ દ્વારા રજૂ કરાયેલા પુરાવા અને સાક્ષીઓની જુબાનીનું મૂલ્યાંકન કર્યા બાદ આરોપીઓને છોડી મૂકવાનો હુકમ કર્યો હતો.
પ્રોસિક્યુશનના કેસ મુજબ, પાણીના ધોળા વિસ્તારના રહેવાસી ધીરૂ પ્રેમજીભાઈ વોરાએ ૧૨ સપ્ટેમ્બર ૨૦૦૩ના રોજ બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં આરોપ મૂકાયો હતો કે મગન વેકરીયા સહિત ૬ આરોપીઓએ ગેરકાયદેસર મંડળી બનાવી પાઈપ અને લાકડીઓ વડે હુમલો કરી ફરિયાદી, તેમની પત્ની, સાસુ અને શાળાને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.
કેસની સુનાવણી દરમિયાન સરકાર પક્ષે ૮ સાક્ષીઓ અને દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા. જોકે બચાવ પક્ષે વકીલ સુરેશ ફળદુએ દલીલ કરી હતી કે તેમણે સાક્ષીઓ હિતસંબંધ ધરાવતા અને કોઈ સ્વતંત્ર સાક્ષી રજૂ કરવામાં આવ્યો નથી. ઉપરાંત, ઈજાઓ ફોટો, કયા હથિયારથી અને કઈ પરિસ્થિતિમાં પહોંચાડી તે અંગે મેડિકલ પુરાવા સ્પષ્ટ કરતા નથી.
બચાવ પક્ષે વધુમાં જણાવ્યું હતું કે હથિયારો કબજે કર્યાના પંચનામાને યોગ્ય રીતે પુરવાર કરવામાં આવ્યા નથી તેમજ ગેરકાયદેસર મંડળી રચવાના આરોપને સમર્થન આપતા પૂરતા પુરાવા પણ ઉપલબ્ધ નથી.
બચાવ પક્ષે અદાલત સમક્ષ એવી પણ રજૂઆત કરી હતી કે કોર્પોરેશનની હરાજીમાંથી પ્લોટ મેળવવા સંબંધિત જૂના મિલકત કેસના સમાધાન છતાં થયેલા સિવિલ કેસના સમાધાન છતાં ફોજદારી કેસ ચાલુ રાખવામાં આવ્યો હતો. આ સમગ્ર વિવાદ પાછળ અંગત મનદુઃખ અને અહમ જવાબદાર હોવાનું પણ રજૂ કરવામાં આવ્યું હતું.
અદાલતે નોંધ્યું હતું કે ફરિયાદી પક્ષના સાક્ષીઓની જુબાનીઓમાં અનેક વિરોધાભાસ જોવા મળ્યા હતા. ઉપરાંત, આરોપીઓને સીધા રીતે ઘટનાથી સાંકળે તેવા વિશ્વસનીય અને સ્વતંત્ર પુરાવાનો અભાવ રહ્યો હતો.
તમામ મૌખિક અને દસ્તાવેજી પુરાવાનું મૂલ્યાંકન કર્યા બાદ અદાલતે નિષ્કર્ષ આપ્યો હતો કે આરોપીઓ વિરુદ્ધના આરોપો શંકાની પાર પુરવાર થતા નથી. તેથી પુરાવાના અભાવે મગન લાલજીભાઈ વેકરીયા, નિલેશ મગનભાઈ વેકરીયા, ભાવેશ મગનભાઈ વેકરીયા, નારણ મગનભાઈ વેકરીયા, જોડીદાસ ગોબરભાઈ ટીલાલા અને હરેશ છગનભાઈ વેકરીયાને નિર્દોષ જાહેર કરીને છોડી મૂકવાનો હુકમ કરવામાં આવ્યો.
ઉપરોક્ત કામમાં આરોપીઓ વતી રાજકોટના જાણીતા એડવોકેટ સુરેશ ફળદુ, ચેતન ચોવટીયા, સુવરાજ વેકરીયા, જસ્મીન દુધાતરા, ભાવિન પુંટ, જસ્મીન દુધાતરા, જય પીઠવા, સાહિલ કંટારીયા તથા મદદમાં નીરવ દોંગા, આર્યન કોરાટ, જયમલ મકવાણા, રાહિલ ફળદુ રોકાયેલ હતા.