ચાર સંતાનના પિતાને પરિણીત મહિલા સાથે પ્રેમસબંધ ભારે પડ્યો
- અમદાવાદના ધોળકાના ત્રાસદ ગામનો બનાવ
- પ્રેમિકાના દીકરાએ ધારિયુ ઝીંકી હત્યા કરી
સિટી ન્યૂઝ@રાજકોટ
ધોળકાના ત્રાસદ ગામમાં રહેતા ચાર સંતાનોના પિતાને એક પરિણીત મહિલા સાથે ૧૦ વર્ષ પહેલા પ્રેમ સંબંધ હતો. મહિલાના પરિવારને જાણ થતાં સમાજની રાહે પ્રેમ સંબંધનો અંત લાવવામાં આવ્યો હતો. જોકે, થોડા દિવસ પહેલા મહિલાના દિયરનું અવસાન થતાં તે ગામમાં આવી હતી અને પૂર્વ પ્રેમીને મળવા બોલાવ્યો હતો. મહિલાના પુત્રને આ મામલે જાણ થતાં તેની માતા અને યુવક વચ્ચે હજુ પરા પ્રેમ સંબંધ હોવાની શંકા રાખીને તેના સાગરીતો સાથે મળીને ધારિયા-લાકડી જેવા હથિયારોથી હુમલો કરી યુવકને મોતને ઘાટ ઉતાર્યો હતો.આ મામલે ધોળકા રૂરલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર, ધોળકાના ત્રાસદ ગામમાં ૩૭ વર્ષીય ધનજી ઉર્ફે સંજય ઠાકોર માતા-પિતા, પત્ની અને ત્રણ સંતાનો સાથે રહીને ખેતીકામ કરતો હતો. ધનજી ઉર્ફે સંજયને આશરે દસક વર્ષ પહેલા ગામની એક પરિણીતા સાથે પ્રેમ સંબંધ હતો. જોકે, પરીલીતાના પરિવારના સભ્યોને જાણ થતાં પાંચ વર્ષ પહેલાં બંને પક્ષના સમાજના લોકોને ભેગા કરતા આ પ્રેમ સંબંધનો અંત આવ્યો હતો. બાદમાં આ પરિણીતા તેના પિયર રહેવા જતી રહી હતી, પરંતુ એકાદ માસ પહેલા પરીલીતાના દિયરનું અવસાન થતાં તે ગામમાં આવી ત્યારે પરિણીતાએ ધનજી ઉર્ફે સંજયને મળવા બોલાવ્યો હતો.
પરિણીતાના દીકરા સુનિલે આ અંગેની જાણ થતાં જ તેણે ધનજી ઉર્ફે સંજયને ‘તું હુજી મારી મા સાથે સંબંધ રાખે છે, હજુ ભૂલ્યો નથી’ તેગ કહીને મારી નાખવાની ધમકી આપી હતી. દરમિયાન ગત મંગળવારે સવારે ધનજી ઉર્ફે સંજય અને તેના પિતા સહિતના લોકો ટ્રેક્ટર લઈને ડાંગરના વાવેતર માટે ખેતરમાં ગયા હતા. ધનજી ઉર્ફે સંજય ખેતર કહોળતો હતો જ્યારે તેના પિતા નિંદામણ કરતા ત્યારે પરિણીતાનો પુત્ર સુનિલ અને તેના સાગરિત અમિત, અંકિત, અજીત તથા જગદીશ સહિતના લોકો લાડી, પાઈપ અને ધારિયા લઈને ખેતરમાં ઘૂસી ગયા હતા. આ પાંચેયે ગાલાગાડી કરીને ટ્રેક્ટરની ઉપર જ ધનજીએ પતાવી દેવાનો તે તેવી બૂમો પાડતા ધનજી ઉર્ફે સંજયના પિતા દોડી આવ્યા હતા.ધનજી ઉર્ફે સંજય ટ્રેક્ટર ઊભું રાખીને દોડીને ભાગતો હતો ત્યારે સુનિલે તેને ધારિયું મારતા તે પડી ગયો હતો અને બાદમાં તમામ લોકો તેની પર તૂટી પડ્યા હતા. પાંચેય આરોપીએ ધનજી ઉર્ફે સંજયના પિતા બાબુભાઈ પર પણ હુમલો કર્યો હતો. તેમણે બૂમાબૂમ કરતા આ પાંચેય લોકો ત્યાંથી નાસી છૂટ્યા હતા. ટ્રેક્ટરમાં જ ધનજીને સારવાર માટે લઈ જવાતા ફરજ પરના ડૉક્ટરે મૃત જાહેર કર્યો હતો. આ મામલે ધોળકા રૂરલ પોલીસને જાણ થતાં પોલીસે સુનિલ ઠાકોર, અમિત ઠાકોર, અંકિત ઠાકોર, અજીત ઠાકોર અને જગદીશ બેલદાર સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.