રાજકોટમાં પ્રાઈમ આંગડિયા પેઢીમાં 18 લાખની લૂંટ
સામાકાઠે પેઢી ખુલ્યાની 3-4 મિનિટમાં જ બે લૂંટારૂ અંદર ઘૂસ્યા
કર્મચારીનું ગળું દબાવી બંદૂક તાકી રોકડ ભરેલો થેલો લઈ બાઈક પર ફરા ૨
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટ શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભાવનગર રોડ પર આવેલી પટેલ વાડી સામે પ્રાઈમ એન્ટરપ્રાઈઝમાં રૂપિયા ૧૮ લાખની લૂંટની ઘટના સામે આવી છે. જેમાં બે શખસોએ આજે (૩૦ જુલાઈ) સવારના ૧૦:૨૦ વાગ્યે આંગડિયા પેઢીના કર્મચારીને આંગડિયું કરવું છે કહી વાતોમાં વ્યસ્ત કરી બે લૂંટારૂ પૈકી એક શખસે હથિયાર બતાવી રૂપિયા ૧૮ લાખની લૂંટને અંજામ આપ્યો હતો. બનાવની જાણ થતા રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ, બી ડિવિઝન પોલીસ, તેમજ ડીસીપી ક્રાઇમ અને ડીસીપી ઝોન ૧ તથા LCB ઝોન ૧ની અલગ અલગ ટીમોએ તત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.
પોલીસની પ્રાથમિક પુછપરછ અને તપાસમાં રાજકોટના પટેલ વાડીથી રોંગ સાઈડમાં બાઈકનાં સવાર થઈ બે લૂંટારૂઓ
પ્રાઈમ એન્ટરપ્રાઈઝ નામની આંગડિયા પેઢીમાં પહોંચ્યા હતા. જ્યાં પહોંચી કર્મચારી અલ્કેશ દવેને પોતાને આંગડિયું કરવું છે કહી અચાનક એક શખસે બંદૂક જેવું હથિયાર બતાવી પેઢીમાં રહેલા રૂપિયા ૧૮ લાખની લૂંટને અંજામ આપી નાસી છૂટ્યા છે.આંગડિયા પેઢીના કર્મચારી અલ્કેશ દવેએ જણાવ્યું હતું કે, આજે સવારે હું મારી ઓફિસ પહોંચ્યો હતો અને હજુ દીવાબતી કરવાનાં પણ બાકી હતા, પરંતુ થોડી જ વારમાં બે લોકો અંદર આવ્યા હતા જેના ચહેરા ખુલ્લા હતા. સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ દેખાય છે, કે મારે આંગડિયું કરવું છે કહી મારા કાઉન્ટર પાસે અંદર સુધી બે શખસો પહોંચી ગયા હતા.
અંદાજિત તેમાં ૧૮ લાખ રૂપિયા હતા. બંને શખસો ગુજરાતી જ બોલતા હતા. હું કોઈને ઓળખતો નથી. આજે પ્રથમ વખત અમારી ઓફિસ આવ્યા હતા. સીસીટીવીમાં બંને ચહેરા સ્પષ્ટ દેખાઈ છે.
આરોપીઓને પકડવા અલગ અલગ ટીમો બનાવાઈ
હાલ રાજકોટ બી ડિવિઝન પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવા માટે કાર્યવાહી હાથ ધરી આરોપીઓને ઝડપી પાડવા અલગ અલગ ટીમો બનાવી ચક્રો ગતિમાન કર્યા છે.હાલ પોલીસ દ્વારા પેઢીની અંદર તેમજ આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસી શહેર જિલ્લામાં અને આસપાસના જિલ્લામાં પણ જાણ થતાં જ નાકાબંધી કરી લુટારુઓની શોધખોળ હાથ ધરી છે.
રાજકોટમાં 11 પ્રાઈમ આંગડિયા પેઢીની શાખા સંચાલકની પૂછપરછ
પ્રાઈમ આંગડિયા પેઢીની મુખ્ય બ્રાન્ચ ગુજરાતના અમદાવાદ શહેરમાં આવેલી છે અને સમગ્ર રાજ્યમાં તેની અનેક શાખાઓ કાર્યરત છે. માત્ર રાજકોટ શહેરની જ વાત કરવામાં આવે તો અહીં વિવિધ વિસ્તારોમાં અંદાજીત ૧૧ જેટલી બ્રાન્ચો આવેલી છે, જેના માધ્યમથી નાણાકીય લેવડદેવડ અને કુરિયર સેવાઓનું કામકાજ ચાલે છે. હાલમાં જે બ્રાન્ચમાં લૂંટની ઘટના બની છે તે પટેલ વાડી સામે આવેલી શાખા છે, જેનું સમગ્ર સંચાલન જયેશભાઈ ઓદ્રા દ્વારા સંભાળવામાં આવે છે. આ ગંભીર ઘટનાની જાણ થતાં જ સંચાલક જયેશભાઈ ઓદ્રાને તાત્કાલિક ધોરણે જાણ કરવામાં આવી હતી કરતી પોલીસ દ્વારા તેમની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.