નાસ્તામાં પોહા અને ચા એકસાથે ખાવાથી શરીરમાં ગંભીર નુકસાન
- વજન ઘટાડવાની ઈચ્છા હોય તો સવારે પોહા સાથે ચા પીવાનું ટાળો, શરીરને પોષકતત્વો નહીં મળે
- આયર્નનું અવશોષણ ઘટે છે અને એસિડિટી વધે છે, ડોક્ટરોએ પણ આ નાસ્તા માટે આપી લાલબત્તી
- સવારના નાસ્તામાં પૂરતું પ્રોટીન ન મળતા વારંવાર ભૂખ લાગે છે, હેલ્ધી રહેવા ડાયટ બદલો
સિટી ન્યુઝ @ અમદાવાદ
ભારતમાં મોટાભાગના લોકો સવારના નાસ્તામાં પોહા અને ચા ખાવાનું પસંદ કરે છે. જો તમે પણ વજન ઘટાડવાનો પ્રયત્ન કરી રહ્યા છો અને નિયમિત નાસ્તામાં આ કોમ્બિનેશન લઈ રહ્યા છો, તો તમે ખૂબ મોટી ભૂલ કરી રહ્યા છો. હેલ્થની દ્રષ્ટિએ પોહા ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે, પરંતુ જો તેની સાથે ચા પીવામાં આવે તો શરીરને તેના ફાયદા થવાને બદલે ગંભીર નુકસાન થઈ શકે છે. આ આદત વજન ઘટાડવાના લક્ષ્યને પણ મુશ્કેલ બનાવી દે છે.
ડોક્ટરોના જણાવ્યા અનુસાર, પોહા નાસ્તાનો એક હેલ્ધી વિકલ્પ છે કારણ કે તેમાં આયર્ન, કાર્બોહાઇડ્રેટ અને ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે. પરંતુ જ્યારે તમે પોહાની સાથે ચા પીવો છો, ત્યારે શરીરમાં આયર્નનું અવશોષણ ખૂબ જ ઓછું થઈ જાય છે. આના પરિણામે પોહામાંથી મળતા જરૂરી પોષકતત્વો શરીરને મળતા નથી. ખાસ કરીને જે લોકોના શરીરમાં હિમોગ્લોબિન ઓછું હોય તેમણે સવારે ચા અને પોહા એકસાથે લેવાનું સંપૂર્ણપણે ટાળવું જોઈએ, જેથી શરીરમાં આયર્નની ઉણપ ન સર્જાય.
આ ઉપરાંત, ખાંડ અને દૂધવાળી ચા પીવાથી શરીરમાં કેલરી અને બ્લડ સુગરનું સ્તર ઝડપથી વધે છે. આ બંનેનું મિશ્રણ પેટમાં બળતરા અને એસિડિટીની સમસ્યા પણ ઊભી કરી શકે છે. સૌથી મોટું નુકસાન એ છે કે ચા અને પોહા લો પ્રોટીન ડાયટ છે. શરીરમાં પૂરતું પ્રોટીન ન જવાથી વારંવાર ભૂખ લાગે છે. હેલ્ધી નાસ્તા માટે પોહા સાથે ચા પીવાને બદલે દહીં, છાશ અથવા ફણગાવેલા મગ જેવી પ્રોટીનયુક્ત વસ્તુઓનું સેવન કરવું વધારે યોગ્ય છે.
હેલ્ધી નાસ્તા માટેના શ્રેષ્ઠ વિકલ્પો સવારે પોહા ખાવા હોય તો તેની સાથે ચાના બદલે દહીં, છાશ, ફણગાવેલા મગ કે પનીર જેવી પ્રોટીનથી ભરપૂર વસ્તુઓ લેવી જોઈએ. પોહામાં ફરસાણ ઉમેરવાને બદલે લીંબુ નીચોવીને ખાવાથી આયર્નનું અવશોષણ વધે છે. આ ઉપરાંત, નાસ્તામાં જામફળ, સંતરા, પપૈયા કે મોસંબી જેવા તાજા ફળોનું સેવન કરવાથી નાસ્તો વધુ હેલ્ધી અને પોષકતત્વોથી ભરપૂર બની જાય છે.