મોંઘી બદામ કે સસ્તા સિંગદાણા? હાર્ટ માટે કયું ડ્રાયફ્રૂટ બેસ્ટ?
- હાઈ કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવા માટે બંનેમાંથી કોનામાં છે વધુ તાકાત?
- ન્યુટ્રિશન એક્સપર્ટ્સ પાસેથી જાણો કયા ડ્રાયફ્રૂટમાં છે તમારા હાર્ટને મજબૂત કરવાની ખરી તાકાત
- પોષક તત્વો અને કિંમતના આધારે જાણો તમારા સ્વાસ્થ્ય માટે સૌથી યોગ્ય વિકલ્પ કયો છે
સિટી ન્યુઝ @ રાજકોટ
આજના દોડધામ ભરેલા જીવનમાં હૃદય સંબંધિત બીમારીઓ અને હાઈ કોલેસ્ટ્રોલનું જોખમ વધી રહ્યું છે. આરોગ્ય નિષ્ણાતો હૃદયને સ્વસ્થ રાખવા માટે ડ્રાયફ્રૂટ્સ ખાવાની સલાહ આપે છે. પરંતુ લોકોમાં હંમેશા એ મૂંઝવણ હોય છે કે મોંઘી બદામ ખાવી જોઈએ કે પછી ગરીબોની બદામ ગણાતા સસ્તા સિંગદાણા ખાવા જોઈએ. પોષક તત્વો અને ફાયદાઓને આધારે બંનેની સરખામણી કરીએ તો સમજાય છે કે આ બંને વસ્તુઓ હૃદય માટે અમૃત સમાન છે અને પોતાના અલગ-અલગ ફાયદાઓ ધરાવે છે.
બદામમાં 14 ગ્રામ હેલ્ધી ફેટ, વિટામિન E અને મેગ્નેશિયમ હોય છે. તે શરીરમાંથી બેડ કોલેસ્ટ્રોલ ઘટાડીને ગુડ કોલેસ્ટ્રોલ વધારે છે. તેનું એન્ટીઓક્સીડેન્ટ ગુણ ધમનીઓને ઓક્સિડેટિવ સ્ટ્રેસથી બચાવીને સ્વસ્થ રાખે છે અને બ્લડ સર્ક્યુલેશન સુધારે છે. બીજી તરફ, સિંગદાણામાં બદામ કરતા વધુ પ્રોટીન, નિયાસિન અને ફોલેટ રહેલું છે. અઠવાડિયામાં 2 વાર સિંગદાણા ખાવાથી હાર્ટ સંબંધિત બીમારી અને સ્ટ્રોકનું રિસ્ક ઘટે છે અને તેની લાલ છાલમાં રહેલા તત્વો કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરે છે.
નિષ્ણાતોના મતે, સિંગદાણા અને બદામ બંનેના પોતાના અનોખા ફાયદા છે. તેથી ડાયેટમાં બંનેને વારાફરતી સામેલ કરવા જોઈએ. મોંઘી બદામ જ ખાવી જરૂરી નથી, સસ્તા સિંગદાણા પણ હૃદયને એટલું જ શ્રેષ્ઠ રક્ષણ આપે છે. તમે મોંઘી બદામ ખરીદી શકો કે નહિ, પરંતુ જે વસ્તુ તમે નિયમિતપણે અને તમારા બજેટ મુજબ ખાઈ શકો, તે જ તમારા સ્વાસ્થ્ય માટે સૌથી બેસ્ટ સુપરફૂડ સાબિત થાય છે.
નિયમિત સેવન છે સૌથી વધુ જરૂરી બદામ અને સિંગદાણા બંને આપણા હૃદય માટે ખૂબ જ ગુણકારી સાબિત થાય છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, કોઈપણ એક ડ્રાયફ્રૂટ પર આધાર રાખવા કરતા બંનેને ડાયેટમાં સામેલ કરવા જોઈએ. સૌથી અગત્યની વાત એ છે કે તમે જે પણ ખાઓ, તે હંમેશા નિયમિત રૂપે ખાવું જોઈએ. યોગ્ય માત્રામાં દરરોજ નટ્સ ખાવાથી હૃદય લાંબા સમય સુધી સ્વસ્થ રહે છે અને રક્ષણ મળે છે.