ફતેવાડીમાં ઘરકામ કરતી મહિલાઓ જ તસ્કર નીકળી: ₹12.25 લાખની ચોરી
- છુપા સીસીટીવી કેમેરામાં તિજોરી સાફ કરતી બે મહિલાઓ કેદ; માલિકની સતર્કતાથી ફૂટ્યો ભાંડો
- પત્ની પિયર ગઈ ને મહિલાઓએ તિજોરી ખોલી; 10 તોલા સોનું અને હીરાની વીંટીઓ ચોરી
- પોલ્ટ્રી ફાર્મના વ્યવસાયીના ઘરે લાખોની મત્તાની ચોરી; કૌસર અને પરવીન સામે ફરિયાદ.
સિટી ન્યુઝ @ અમદાવાદ : અમદાવાદના ફતેવાડી વિસ્તારમાં વિશ્વાસઘાત અને ચોરીનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વર્ષોથી જેમના પર ભરોસો રાખીને ઘરકામ સોંપ્યું હતું, તેવી બે મહિલાઓએ જ મકાનમાલિકના ઘરમાંથી લાખો રૂપિયાના દાગીના અને રોકડની ચોરી કરી હતી. મકાનમાલિકે શંકાના આધારે બેડરૂમમાં લગાવેલા છુપા સીસીટીવી કેમેરામાં બંને મહિલાઓ તિજોરી સાફ કરતી રંગેહાથ કેદ થઈ જતાં પોલીસે કૌસરબહેન અને પરવીનબહેન નામની બે મહિલાઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગેની વિગત મુજબ, ફતેવાડીમાં પોલ્ટ્રી ફાર્મનો વ્યવસાય કરતા મહેંદીરજા મરચન્ટે પોલીસ ફરિયાદ નોંધાવી છે. તેમના ઘરે છેલ્લા કેટલાક સમયથી કૌસરબહેન અને પરવીનબહેન સાફસફાઈ માટે આવતી હતી. ગત એપ્રિલ માસમાં મહેંદીરજાની પત્ની પિયર ગઈ હોવાથી ઘરમાં સભ્યોની ઓછી હાજરીનો લાભ ઉઠાવી આ બંને મહિલાઓએ તિજોરી પર હાથ સાફ કરવાનું શરૂ કર્યું હતું. 30 April ના રોજ ફરિયાદીના માતાએ તિજોરી ખોલતા 60,000 રૂપિયાની રોકડ અને દાગીનાનું એક પાઉચ ગાયબ હોવાનું જણાતા પરિવારમાં ફફડાટ ફેલાયો હતો.
ઘરમાં સઘન તપાસ કરવા છતાં કિંમતી સામાન ન મળતા મહેંદીરજાને ઘરકામ કરતી મહિલાઓ પર શંકા ગઈ હતી. સત્ય જાણવા માટે તેમણે બેડરૂમમાં ગુપ્ત સીસીટીવી કેમેરા લગાવ્યા હતા. 6 May ના રોજ રાત્રે જ્યારે ફૂટેજ ચેક કરવામાં આવ્યા ત્યારે ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા હતા. બંને મહિલાઓ તિજોરીનું લોકર ખોલીને સોનાના દાગીનાનું બીજું પાઉચ પણ ચોરતી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. સીસીટીવીમાં પુરાવા મળી જતાં મહેંદીરજાએ તુરંત પોલીસનો સંપર્ક કર્યો હતો.
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે બંને મહિલાઓએ મળીને કુલ 12.25 લાખ રૂપિયાની મત્તાની ચોરી કરી હતી. આ ચોરીમાં 10 તોલાની સોનાની 13 વીંટી, હીરાની 2 કિંમતી વીંટી, અઢી તોલાનો સોનાનો પેન્ડન્ટ સેટ અને 60,000 રૂપિયાની રોકડ રકમનો સમાવેશ થાય છે. વર્ષોથી ઘરમાં કામ કરતી હોવા છતાં લાલચમાં આવીને આ મહિલાઓએ મકાનમાલિકનો વિશ્વાસ તોડ્યો હતો.
મહેંદીરજાએ સીસીટીવી ફૂટેજ પોલીસને પુરાવા તરીકે રજૂ કર્યા છે, જેના આધારે પોલીસે કૌસરબહેન અને પરવીનબહેન સામે ચોરી અને છેતરપિંડીની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. હાલમાં પોલીસે બંને મહિલાઓની અટકાયત કરવાની અને ચોરી ગયેલો મુદ્દામાલ રિકવર કરવાની તજવીજ તેજ કરી છે. શહેરમાં વધતા જતા આવા કિસ્સાઓને જોતા હવે ઘરઘાટી કે સફાઈ કામદારો રાખતા પહેલા તેમની સંપૂર્ણ વિગતો અને ચારિત્ર્યની તપાસ કરવી જરૂરી બની ગઈ છે.