મોરબીની આ શાળામાં પિતા વગરના બાળકોને મળશે મફત શિક્ષણ
- ડૉ. બાબાસાહેબ આંબેડકર વિદ્યાલયનો માનવતાવાદી નિર્ણય; ખાનગી શાળા હોવા છતાં ફીમાં મોટી રાહત.
- FRC ના નિયમો કરતા પણ ઓછી ફીમાં ભણતર, બે દીકરીઓ હોય તો એકની 50% ફી માફ
- જૂન 2026 થી શરૂ થતા નવા સત્રમાં લાગુ થશે નિયમો; નેચરલ ક્લાસ અને ફ્રી સ્કૂલબેગની સુવિધા.
મોરબી: મોરબીના વીસીપરા જેવા પછાત વિસ્તારમાં શૈક્ષણિક જ્યોત જગાવવાનું કામ કરતી ડૉ. બાબાસાહેબ આંબેડકર પ્રાથમિક વિદ્યાલયે એક હૃદયસ્પર્શી નિર્ણય લીધો છે. વર્ષ 2001 થી કાર્યરત આ શાળાએ આગામી શૈક્ષણિક વર્ષ 2026-27 થી એવા તમામ બાળકોને મફત શિક્ષણ આપવાની જાહેરાત કરી છે જેમના પિતા હયાત નથી. ખાનગી શાળાઓમાં વધતી જતી ફી વચ્ચે આ ટ્રસ્ટે સેવાભાવનાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
ડૉ. બાબાસાહેબ આંબેડકર ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી સંચાલિત આ વિદ્યાલય ખાતે તાજેતરમાં એક મહત્વપૂર્ણ વાલી મિટિંગ યોજવામાં આવી હતી. આ મિટિંગમાં ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવાયો હતો કે, ખાનગી શાળા હોવા છતાં ગુજરાત સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ ફી (FRC) ના ધોરણો કરતાં પણ ઓછી ફી વસૂલવામાં આવશે. જે બાળકોના પરિવારમાં પિતાની છત્રછાયા નથી, તેવા તમામ વિદ્યાર્થીઓના શિક્ષણનો ખર્ચ ટ્રસ્ટ પોતે ઉઠાવશે. ગત વર્ષે પણ શાળાએ 8 આવા બાળકોને મફત શિક્ષણ આપીને મદદ કરી હતી.
શાળા દ્વારા માત્ર ફી માફી જ નહીં, પરંતુ કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા માટે પણ વિશેષ જોગવાઈ કરવામાં આવી છે. જે પરિવારની બે દીકરીઓ આ શાળામાં અભ્યાસ કરતી હશે, તેમાંથી એક દીકરીની 50% ફી માફ કરવામાં આવશે. આ ઉપરાંત, શાળાના પટાંગણમાં બાળકોને પ્રકૃતિની વચ્ચે ભણવા મળે તે હેતુથી 'નેચરલ ક્લાસ' ઉભો કરવાનું આયોજન છે. ગત વર્ષે તમામ બાળકોને સ્કૂલબેગ પણ મફત આપવામાં આવી હતી, જે પરંપરા આગામી વર્ષે પણ ચાલુ રહેશે.
આગામી જૂન માસથી શરૂ થઈ રહેલા નવા સત્ર માટે વાલીઓમાં વિશ્વાસ પેદા કરવા ટ્રસ્ટના પ્રમુખ જમનાદાસ ટપુભાઈ પરમારની આગેવાની હેઠળ આ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. શાળાના વહીવટદાર અને ટ્રસ્ટના મંત્રી કે.આર. ચાવડાએ વાલીઓને ખાતરી આપી છે કે શાળામાં ભૌતિક સુવિધાઓની સાથે શિક્ષણની ગુણવત્તામાં પણ ધરખમ ફેરફારો કરવામાં આવી રહ્યા છે, જેથી પછાત વિસ્તારના બાળકો અન્ય શાળાઓના સ્પર્ધામાં ટકી શકે.
મોરબીના પછાત વિસ્તારમાં સ્થિત આ સંસ્થાનો આ નિર્ણય ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે આશીર્વાદ સમાન સાબિત થશે. ખાસ કરીને જે પરિવારોમાં કમાનાર મુખ્ય વ્યક્તિ નથી, તેમના બાળકો હવે આર્થિક તંગીના કારણે શિક્ષણથી વંચિત નહીં રહે. શિક્ષણ ક્ષેત્રે લેવાયેલા આ પ્રેરણાદાયી નિર્ણયની સમગ્ર મોરબી પંથકમાં પ્રશંસા થઈ રહી છે. પક્ષ અને રાજનીતિથી પર રહીને સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવતી આ સંસ્થાએ ખરા અર્થમાં બાબાસાહેબના વિચારોને સાર્થક કર્યા છે.