Loading Please Wait !!!
ક્લેમ વગર જ બેંક ખાતામાં આવી જશે PF ના પૈસા: લાખો કર્મચારીઓને મોટો ફાયદો!

 

  • શ્રમ અને રોજગાર મંત્રાલય હેઠળના EPFO દ્વારા આ મહત્વપૂર્ણ પ્રક્રિયાને વેગ અપાયો છે.

  • સબ્સ્ક્રાઇબર્સે હવે કોઈ પણ પ્રકારનું ઓનલાઈન કે ઓફલાઈન ફોર્મ ભરવું નહીં પડે.

  • C-DAC ની મદદથી નવા પ્લેટફોર્મમાં 'સિસ્ટમ-જનરેટેડ ક્લેમ' નું ફીચર ઉમેરાઈ રહ્યું છે.

સિટી ન્યુઝ @ નવી દિલ્હી

નવી દિલ્હી, બેંક, LIC અને EPFO માં હજારો કરોડ રૂપિયા અનક્લેમ્ડ પડ્યા છે, જેને સાચા હકદાર સુધી પરત પહોંચાડવા માટે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) દ્વારા એક નવી ઓટોમેટિક રિફંડ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. હવે કોઈપણ પ્રકારના ઓનલાઈન કે ઓફલાઈન ક્લેમ વગર લાખો કર્મચારીઓના બેંક ખાતાઓમાં નિષ્ક્રિય PF ના પૈસા સીધા ટ્રાન્સફર કરવામાં આવશે. શ્રમ અને રોજગાર મંત્રાલય હેઠળના EPFO એ આ પ્રક્રિયાને વેગ આપવા માટે ૧.૧૮ લાખ ઇન-એક્ટિવ ખાતાઓની ઓળખ અને વેરિફિકેશનનું કામ પૂર્ણ કરી લીધું છે. આ નવી વ્યવસ્થાથી સબ્સ્ક્રાઇબર્સે કોઈ જ ફોર્મ ભરવું નહીં પડે અને EPFO પોતે આધાર સાથે જોડાયેલા બેંક ખાતામાં વ્યાજ સહિતની પૂરી રકમ જમા કરી દેશે.

શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ આ પાયલોટ પ્રોજેક્ટને મંજૂરી આપી છે, જેમાં પ્રથમ તબક્કામાં ૧,૦૦૦ રૂપિયા કે તેથી ઓછી રકમ જમા હોય તેવા નિષ્ક્રિય PF ખાતાઓને સામેલ કરાયા છે. આ પ્રક્રિયાને સુરક્ષિત બનાવવા માટે આધાર-લિંક્ડ ખાતાઓમાં ન્યૂનતમ રકમ એટલે કે એક રૂપિયો મોકલીને ચકાસણી કરાઈ છે. C-DAC દ્વારા EPFO ના IT પ્લેટફોર્મને અપગ્રેડ કરીને 'સિસ્ટમ-જનરેટેડ ક્લેમ' નું ફીચર ઉમેરવામાં આવી રહ્યું છે, જેનું કામ ઓગસ્ટના અંત સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે. આ પ્રોજેક્ટ સફળ થયા બાદ ૧,૦૦૦ રૂપિયાથી વધુની રકમ ધરાવતા લાખો અન્ય નિષ્ક્રિય ખાતાઓના નાણાં પણ ઓટોમેટિક રીતે રિફંડ કરવામાં આવશે.

PF નાણાં અને પારદર્શિતા

સરકાર અને નિયામક સંસ્થાઓ દ્વારા ટેક્નોલોજીના માધ્યમથી અનક્લેમ્ડ નાણાં સીધા નાગરિકોના ખાતામાં પરત જમા કરાવવાની આ પહેલ આર્થિક પારદર્શિતા અને નાગરિક કેન્દ્રીય સુવિધાઓને વધુ મજબૂત બનાવે છે.