ફાર્મા કંપનીઓમાં ડ્રગ્સ નેટવર્ક અંગે કોંગ્રેસના આકરા પ્રહાર
રાજકોટ નજીક હડમતાળાની કંપનીમાં ED ના દરોડા બાદ સરકાર શ્વેતપત્ર જાહેર કરે તેવી માંગ
વર્ષોથી ચાલતા ગેરકાયદે કારોબારમાં ડ્રગ કંટ્રોલ વિભાગની ઘોર નિષ્ફળતા સામે ઉઠ્યા સવાલો
સિટી ન્યૂઝ@અમદાવાદ
ગુજરાતની ફાર્મા કંપનીઓમાં ચાલી રહેલા કથિત આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ અને હવાલા નેટવર્કના આરોપો મુદ્દે કોંગ્રેસે રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. રાજકોટ નજીક હડમતાળાની ફાર્મા કંપનીમાં ED દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી બાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા મનીષ દોશીએ સરકારની નીતિઓ અને તપાસ એજન્સીઓની નિષ્ફળતા પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. દેશના સૌથી મોટા ફાર્મા ઉત્પાદન કેન્દ્ર ગણાતા ગુજરાતમાં આવી પ્રવૃત્તિઓથી રાજ્યની પ્રતિષ્ઠા ખરડાઈ હોવાનો દાવો કરાયો છે.
કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ સરકાર પાસે સમગ્ર મામલે શ્વેતપત્ર (White Paper) જાહેર કરવાની ઉગ્ર માંગ કરી છે. તેમણે સવાલ કર્યો છે કે, સરકાર સ્પષ્ટ કરે કે કઈ કંપનીઓ તપાસ હેઠળ છે, કેટલા પ્રમાણમાં ગેરકાયદે વિકાસ થઈ છે અને નિયમનકારી તંત્ર ક્યાં નિષ્ફળ ગયું છે? શું આ ફાર્મા કંપનીઓને કોઈ નેતા અથવા રાજકીય પ્રભાવશાળી વ્યક્તિનું સંરક્ષણ મળતું હતું? છેલ્લા ૧૦ વર્ષમાં આ કંપનીઓના માલિકો અને શાસક પક્ષના નેતાઓ વચ્ચે થયેલી મુલાકાતો અને વ્યાવસાયિક સંબંધોની તટસ્થ તપાસ થવી જોઈએ.
સુરત, અંકલેશ્વર અને રાજકોટ જેવા ફાર્મા હબમાં આવેલી કંપનીઓ જો આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્ક સાથે સંકલાયેલી હોય, તો રાજ્ય અને કેન્દ્રના ડ્રગ કંટ્રોલ વિભાગો વર્ષો સુધી આ ગેરકાયદે પ્રવૃત્તિઓને કેમ પકડી શક્યા નહીં તે એક મોટો સવાલ છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે શું તપાસ હેઠળ આવેલી ફાર્મા કંપનીઓના માલિકો કે ડિરેક્ટરોએ રાજકીય પક્ષોને કોઈ ફંડિંગ કર્યું છે? સરકાર આ સંબંધોની સંપૂર્ણ માહિતી જાહેર કરે તે જરૂરી છે. મનીષ દોશીએ સીધો પ્રશ્ન ઉઠાવ્યો છે કે, જો આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્કના તાર ગુજરાત સુધી પહોંચતા હોય, તો શું રાજ્ય સરકાર તેની નૈતિક જવાબદારી સ્વીકારશે? ગુજરાતને વિકાસનું મોડેલ ગણાવવામાં આવે છે, પરંતુ જો ગુજરાતની ધરતી પરથી આવું ષડયંત્ર ચાલતું હોય તો માત્ર કંપનીના સંચાલકો જ નહીં, તેમને રાજકીય છત્રછાયા અને સંરક્ષણ આપનાર દરેક વ્યક્તિને કડક કાયદાના સકંજામાં લાવવા જોઈએ.