Loading Please Wait !!!
ફ્રીડમ યુવા ગ્રુપે મનોદિવ્યાંગ અને થેલેસેમિક બાળકોને શૈક્ષણિક કીટ અર્પણ કરી ચહેરા પર ખુશીના સ્મિત રેલાવ્યા

 

સિટી ન્યૂઝ | રાજકોટ

ફ્રીડમ યુવા ગ્રુપ, રાજકોટ દ્વારા મનોદિવ્યાંગ, થેલેસેમિક અને જરૂરિયાતમંદ બાળકોના શિક્ષણને પ્રોત્સાહન આપવા સતત ૨૩મા વર્ષે શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન તા. ૧૨ જુલાઈએ હેમુ ગઢવી હોલ ખાતે કરવામાં આવ્યું હતું. દાતાઓના સહયોગથી યોજાયેલા આ સેવા યજ્ઞમાં બાળકોને સ્કૂલબેગ, ફૂલસ્કેપ બુક્સ, લંચ બોક્સ, વોટર બોટલ, કંપાસ, એકઝામ પેડ સહિતની ઉપયોગી શૈક્ષણિક સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેના કારણે બાળકોમાં આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો.

કાર્યક્રમમાં પ્રારંભે મેયર ડો. નેહલભાઈ શુક્લ, શહેર ભાજપ પ્રમુખ માધવભાઈ દવે, કમલનયનભાઈ સોજીત્રા અને કલ્પકભાઈ મણિયારના હસ્તે દીપ પ્રાગટ્ય સાથે થયો હતો. પ્રસંગે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયા સહિત નવનિયુક્ત કોર્પોરેશન પદાધિકારીઓ તેમજ શહેરના સામાજિક, સહકારી અને વ્યાપારી ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવવા શુભેચ્છાઓ પાઠવી હતી.

કાર્યક્રમ દરમિયાન સંસ્થા દ્વારા મેયર ડો. નેહલભાઈ શુક્લ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયા તેમજ સંસ્થા પરિવારના ચૂંટાયેલા નગરસેવકોનું સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત કાર્યક્રમને સહયોગ આપનાર દાતાઓને સ્મૃતિચિહ્ન અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા, જેના કારણે દાતાઓમાં પણ ઉત્સાહ વધ્યો હતો. સંસ્થાના સ્થાપક ભાગ્યેશ વોરાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સંસ્થાએ જણાવ્યું હતું કે મનોદિવ્યાંગ અને થેલેસેમિક બાળકોને શિક્ષણના મુખ્ય પ્રવાહ સાથે જોડવા તથા તેમનું મનોબળ વધારવાના હેતુથી છેલ્લા ૨૩ વર્ષથી આ સેવા યજ્ઞ સતત ચાલુ રાખવામાં આવ્યો છે અને ભવિષ્યમાં પણ આ સેવા યથાવત રહેશે.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા મનોજ ડોકિયા, સંજય પારેખ, પ્રવીણ ચાવડા, કિરીટ ગોહેલ, સુરેશ રાજપુરોહિત, નીતિન ઝરીયા, મિલાન વોરા, રસિક મોરધરા, નિમેષ કેસરિયા, અલ્પેશ પલાણ સહિત ફ્રીડમ યુવા ગ્રુપના કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી અને કાર્યક્રમને સફળ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.