Loading Please Wait !!!
ગાંધીનગરની 'કાળમુખી' કેનાલ: 24 કલાકમાં 4 યુવકો ડૂબ્યા, ભાઈને બચાવવા જતાં બીજો ભાઈ પણ પાણીમાં ગરકાવ!

  • વલાદ અને રાયપુર પાસે સર્જાઈ બે હૃદયદ્રાવક ઘટનાઓ - બેના મૃતદેહ મળ્યા, બે હજુ પણ લાપતા
  • રિસાઈને ભાગેલા નિખિલને બચાવવા નીરજ પણ કેનાલમાં કૂદ્યો - નરોડાના પરિવારમાં છવાયો માતમ
  • ધોલેરાના આંબલીયા પરિવારના બે રત્નો પાણીમાં હોમાયા - સુનિલની લાશ મળી, રોશનની શોધખોળ તેજ

ગાંધીનગર જિલ્લામાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલ ફરી એકવાર નિર્દોષ યુવાનો માટે કાળમુખી સાબિત થઈ છે. છેલ્લા 24 કલાકમાં બે અલગ-અલગ કરુણ બનાવોમાં ચાર યુવકો પાણીમાં ગરકાવ થયા છે. આ બંને ઘટનામાં સૌથી હૃદયદ્રાવક બાબત એ છે કે, એક ભાઈને ડૂબતો જોઈ તેને બચાવવાની લ્હાયમાં બીજો ભાઈ પણ મોતને ભેટ્યો છે.

પારિવારિક ઝઘડો અને આવેશમાં મોતની છલાંગ નરોડાની પાર્શ્વનાથ ટાઉનશીપમાં રહેતા સગા ભાઈઓ નિખિલ અને નીરજ વાઘેલા વચ્ચે રવિવારે સામાન્ય બાબતે ઉગ્ર ઝઘડો થયો હતો. આ તકરારથી મન પર માઠું લાગતા બંને ભાઈઓ ઘરેથી નીકળી ગયા હતા અને રાયપુર પાસેની કેનાલ પર પહોંચ્યા હતા. આવેશમાં આવીને નિખિલે કેનાલમાં ઝંપલાવ્યું હતું, જેને બચાવવા નીરજ પણ પાણીમાં કૂદી પડ્યો હતો. ફાયર વિભાગને નિખિલની લાશ મળી આવી છે, જ્યારે નીરજનો હજુ કોઈ પત્તો લાગ્યો નથી.

હાથપગ ધોવા જવું પિતરાઈ ભાઈઓ માટે કાળ બન્યું બીજી ઘટના વલાદ પાસે બની હતી, જ્યાં ધોલેરાના વતની અને હાલ અમદાવાદ રહેતા સુનિલ અને રોશન આંબલીયા એક્ટિવા લઈને કેનાલ કાંઠે ગયા હતા. ગરમી હોવાથી હાથપગ ધોવા નીચે ઉતરેલા સુનિલનો પગ લપસતા તે ડૂબવા લાગ્યો હતો, તેને બચાવવા જતાં રોશન પણ તણાયો હતો. ફાયર બ્રિગેડે સુનિલનો મૃતદેહ શોધી કાઢ્યો છે અને રોશનની શોધખોળ જારી છે.

કેનાલ પર વધતી આત્મહત્યા અને અકસ્માતોની ઘટનાઓ ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી ગાંધીનગર અને વડોદરાની કેનાલોમાં ડૂબી જવાના બનાવોમાં ચિંતાજનક વધારો થયો છે. ગત ફેબ્રુઆરીમાં પણ પિતાની નજર સામે બે માસૂમ બાળકો ડૂબ્યા હતા, તો માર્ચમાં બે યુવતીઓએ સામુહિક આપઘાત કર્યો હતો. વહીવટી તંત્ર દ્વારા કેનાલ કાંઠે સાવચેતી રાખવાની સૂચનાઓ છતાં, આવેશમાં કે અજાણતા લેવાયેલા પગલાં પરિવારોને ક્યારેય ન ભરાય તેવું નુકસાન પહોંચાડી રહ્યા છે.