Loading Please Wait !!!
ઈંધણના ભાવમાં હોંગકોંગ સૌથી મોંઘું, તો લિબિયામાં પાણીના ભાવે પેટ્રોલ

  • ઈરાન યુદ્ધની અસર વચ્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં તોતિંગ તફાવત; ભારત કરતા ક્યાંક 44 ગણું સસ્તું ઈંધણ
  • વેનેઝુએલામાં ડીઝલ માત્ર 39 પૈસા પ્રતિ લિટર; જાણો કયા દેશમાં તમારા ખિસ્સા પર કેટલો પડશે ભાર
  • ઈઝરાયેલ અને ડેનમાર્કમાં પેટ્રોલના ભાવ આસમાને; સાઉદી અને કુવૈતમાં મળે છે મોટી રાહત

સિટી ન્યુઝ @ ગ્લોબલ ડેસ્ક :  ઈરાન યુદ્ધના કારણે હાલમાં સમગ્ર વિશ્વમાં ઓઈલના ભાવમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. આ વૈશ્વિક અસ્થિરતા વચ્ચે દુનિયામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં જમીન-આસમાનનો તફાવત જોવા મળ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે, વિશ્વમાં ક્યાંક 1 લિટર પેટ્રોલની કિંમત માત્ર 2.25 રૂપિયા છે, તો ક્યાંક તે 400 રૂપિયાના આંકડાને સ્પર્શી રહી છે. ભારતના ભાવની સરખામણીએ જોઈએ તો, કેટલાક દેશોમાં પેટ્રોલ 44 ગણું સસ્તું છે, જ્યારે કેટલાક દેશોમાં ચાર ગણું મોંઘું વેચાઈ રહ્યું છે.

દુનિયામાં સૌથી સસ્તું પેટ્રોલ લિબિયામાં મળે છે, જ્યાં 1 લિટરની કિંમત માત્ર 2.25 રૂપિયા છે. ત્યારબાદ ઈરાનમાં 3.32 રૂપિયા અને અંગોલામાં 31.08 રૂપિયા પ્રતિ લિટરના ભાવે પેટ્રોલ ઉપલબ્ધ છે. કુવૈત, અલ્જીરિયા અને તુર્કમેનિસ્તાન જેવા દેશોમાં પણ ભાવ 40 રૂપિયાની આસપાસ છે. ડીઝલની વાત કરીએ તો વેનેઝુએલા વિશ્વમાં સૌથી આગળ છે, જ્યાં 1 લિટર ડીઝલ માત્ર 39 પૈસામાં મળે છે. ઈરાનમાં ડીઝલનો ભાવ 54 પૈસા અને લિબિયામાં 2.25 રૂપિયા છે.

મોંઘા પેટ્રોલની યાદીમાં હોંગકોંગ વિશ્વમાં પ્રથમ ક્રમે છે, જ્યાં 1 લિટર પેટ્રોલ માટે આશરે 400 રૂપિયા ચૂકવવા પડે છે. મલાવીમાં આ ભાવ 364.27 રૂપિયા છે. ઈઝરાયેલ, ડેનમાર્ક અને નેધરલેન્ડમાં પણ ઈંધણના ભાવ 260 રૂપિયાથી ઉપર છે. ડીઝલના મામલે પણ હોંગકોંગ સૌથી મોંઘું છે, જ્યાં 1 લિટર ડીઝલની કિંમત 446 રૂપિયા છે. સિંગાપોર અને સ્વિટ્ઝર્લેન્ડમાં પણ ડીઝલના ભાવ મધ્યમ વર્ગ માટે પોસાય તેમ નથી.

વૈશ્વિક સ્તરે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આટલો મોટો તફાવત હોવા પાછળ મુખ્યત્વે જે-તે દેશની સરકાર દ્વારા આપવામાં આવતી સબસિડી અને લાદવામાં આવતા ટેક્સ જવાબદાર હોય છે. ઓઈલ ઉત્પાદક દેશો પોતાના નાગરિકોને ખૂબ જ ઓછી કિંમતે ઈંધણ પૂરું પાડે છે, જ્યારે જે દેશો આયાત પર નિર્ભર છે ત્યાં ટેક્સના કારણે ભાવ વધી જાય છે. હાલના ઈરાન યુદ્ધના તણાવને કારણે આગામી દિવસોમાં આ ભાવમાં હજુ પણ વધારો થવાની ભીતિ સેવાઈ રહી છે.

એશિયામાં સિંગાપોર અને હોંગકોંગ જેવા દેશોમાં ઈંધણ સૌથી મોંઘું છે, જ્યારે કતાર અને સાઉદી અરેબિયામાં પેટ્રોલ હજુ પણ 60 રૂપિયાની અંદર મળી રહ્યું છે. સાઉદીમાં પેટ્રોલ 59.62 રૂપિયા અને કતારમાં 54.62 રૂપિયા પ્રતિ લિટર છે. ઈજિપ્તમાં પણ 42.78 રૂપિયાના ભાવે પેટ્રોલ મળી રહ્યું છે. આમ, ભૌગોલિક સ્થિતિ અને રાજકીય સંજોગોને આધારે દુનિયાના નકશા પર ઈંધણના ભાવ અલગ-અલગ જોવા મળી રહ્યા છે.