મિડલ ઈસ્ટમાં યુદ્ધના ભણકારા: સાઉદી અને કુવૈતે અમેરિકા માટે એરસ્પેસ ખોલ્યું
- ઈરાન સામે મોટી કાર્યવાહીની તૈયારી; અમેરિકન સેનાને એરબેઝના ઉપયોગની મંજૂરી મળતા ખળભળાટ
- એરસ્પેસ પરનો પ્રતિબંધ હટતા વધ્યું સંકટ; મિડલ ઈસ્ટમાં ગમે ત્યારે સૈન્ય ઓપરેશનની શક્યતા
- સાઉદી-કુવૈતના નિર્ણયથી ઈરાનની મુશ્કેલી વધશે; પેન્ટાગોન આ સપ્તાહે જ ફૂંકશે યુદ્ધનું રણશિંગુ
સિટી ન્યુઝ @ વોશિંગ્ટન : વિશ્વ જ્યારે અમેરિકા અને ઈરાન વચ્ચેના સંબંધો શાંત પાડવાના પ્રયાસો કરી રહ્યું છે, ત્યારે મિડલ ઈસ્ટમાંથી આવતા સમાચારોએ ચિંતામાં વધારો કર્યો છે. સાઉદી અરેબિયા અને કુવૈતે એક અત્યંત મહત્વનો નિર્ણય લેતા અમેરિકન સેના પર લાદેલા પ્રતિબંધો હટાવી દીધા છે. હવે અમેરિકન સેના આ દેશોના એરસ્પેસ અને સૈન્ય એરબેઝનો ઉપયોગ કરી શકશે. આ નિર્ણયને કારણે ઈરાન સામે કોઈ મોટી સૈન્ય કાર્યવાહી થવાની સંભાવના વધી ગઈ છે અને મિડલ ઈસ્ટમાં ફરી યુદ્ધના વાદળો ઘેરાયા છે.
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ માટે આ નિર્ણય મોટી રાહત સમાન માનવામાં આવે છે. લાંબા સમયથી અમેરિકા અને ઈરાન વચ્ચે હોર્મુઝની ખાડીને લઈને વિવાદ ચાલી રહ્યો છે. ટ્રમ્પ ઈરાન વિરુદ્ધ ખાડી દેશોનું સમર્થન મેળવવાના પ્રયાસો કરી રહ્યા હતા, જેમાં હવે તેમને સફળતા મળી છે. સાઉદી અને કુવૈતના આ સહકારથી અમેરિકાને ઈરાન પર ભૌગોલિક રીતે પકડ મજબૂત કરવામાં મદદ મળશે, જે અત્યાર સુધી પ્રતિબંધોને કારણે મર્યાદિત હતી.
સાઉદી અને કુવૈત તરફથી લીલી ઝંડી મળ્યા બાદ અમેરિકાએ પોતાના જહાજોને હવાઈ સુરક્ષા પૂરી પાડતા અભિયાન ‘ઓપરેશન ફ્રીડમ’ ને ફરી શરૂ કરવાની તૈયારીઓ કરી દીધી છે. આ ઓપરેશનનો મુખ્ય હેતુ હોર્મુઝની ખાડીમાં અમેરિકન હિતોનું રક્ષણ કરવાનો અને ઈરાની ગતિવિધિઓ પર નજર રાખવાનો છે. ખાડી દેશોના એરબેઝનો ઉપયોગ મળવાથી અમેરિકન એરફોર્સ હવે વધુ ઝડપથી અને અસરકારક રીતે ઓપરેશન પાર પાડી શકશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, અમેરિકા ઈરાન વિરુદ્ધ આ ઓપરેશન ચાલુ સપ્તાહના પ્રારંભમાં જ શરૂ કરવાનું હતું, પરંતુ વ્યૂહાત્મક કારણોસર તેમાં 36 કલાકનો વિલંબ થયો છે. હવે પેન્ટાગોનના વરિષ્ઠ અધિકારીઓએ સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે આ જ સપ્તાહમાં ઓપરેશન ફ્રીડમ ફરી લોન્ચ કરવામાં આવશે. આ જાહેરાત બાદ ઈરાન તરફથી કેવો પ્રતિભાવ મળે છે તેના પર સમગ્ર વિશ્વની નજર ટકેલી છે, કારણ કે અગાઉ ઈરાની મિસાઈલોએ અમેરિકન નેવીને પડકાર ફેંક્યો હતો.
મિડલ ઈસ્ટમાં વધી રહેલી આ સૈન્ય હિલચાલને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવો અને વૈશ્વિક શાંતિ પર મોટું જોખમ ઉભું થયું છે. જો અમેરિકા અને ઈરાન વચ્ચે સીધું ઘર્ષણ શરૂ થાય છે, તો તેમાં સાઉદી અને કુવૈત જેવા દેશો પણ પરોક્ષ રીતે સામેલ થઈ શકે છે. પેન્ટાગોન દ્વારા ઓપરેશન શરૂ કરવાની જાહેરાત બાદ હવે આગામી 48 કલાક આ ક્ષેત્ર માટે અત્યંત નિર્ણાયક સાબિત થશે. સમગ્ર વિશ્વ આશા રાખી રહ્યું છે કે આ સ્થિતિ સશસ્ત્ર સંઘર્ષમાં ન ફેરવાય.