Loading Please Wait !!!
હોર્મુઝમાં 'પર્લ હાર્બર' જેવો ભયાનક મિસાઈલ વરસાદ: અમેરિકન નેવી સ્તબ્ધ

  • ઈરાની ડ્રોન અને મિસાઈલો સામે 3 અમેરિકી ડિસ્ટ્રોયર જહાજોની પીછેહઠ; દરિયામાં હાઈ-વોલ્ટેજ ડ્રામા
  • USS ટ્રક્સટન સહિત 3 જહાજો પર આત્મઘાતી હુમલો; જીવ બચાવી અરબ સાગર તરફ ભાગી નેવી.
  • નેવી પરના હુમલાને પીએમ ટ્રમ્પે 'નાનો આંચકો' ગણાવ્યો; વળતી એરસ્ટ્રાઈકને 'લવ ટેપ'નું નામ આપ્યું.

સિટી ન્યુઝ @ તેહરાન :  હોર્મુઝ સ્ટ્રેટમાં અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ હવે ચરમસીમાએ પહોંચ્યો છે, જ્યાં ગુરુવારે મોડી રાત્રે ઈરાને અમેરિકન નૌકાદળના ત્રણ શક્તિશાળી ડિસ્ટ્રોયર જહાજો પર ડ્રોન અને મિસાઈલોથી ભીષણ હુમલો કર્યો હતો. આ હુમલાની તીવ્રતા એટલી આક્રમક હતી કે સંરક્ષણ નિષ્ણાતો તેને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન થયેલા ઐતિહાસિક 'પર્લ હાર્બર' હુમલા સાથે સરખાવી રહ્યા છે. ઈરાની મિસાઈલોના વરસાદને કારણે અમેરિકી જહાજોને હોર્મુઝથી પીછેહઠ કરી અરબ સાગર તરફ જવાની ફરજ પડી હતી.

અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) દ્વારા બહાર પાડવામાં આવેલી વિગતો મુજબ, ઈરાને USS ટ્રક્સટન, USS રાફેલ પેરાલ્ટા અને USS મેસન નામના ત્રણ શક્તિશાળી ડિસ્ટ્રોયરને નિશાન બનાવ્યા હતા. ઈરાને આ હુમલામાં મિસાઈલોની સાથે આત્મઘાતી ડ્રોન અને નાની ઝડપી દરિયાઈ બોટનો ઉપયોગ કરીને અમેરિકી બેડાને ચારેબાજુથી ઘેરી લીધો હતો. જોકે, અમેરિકાએ દાવો કર્યો છે કે તેમની એડવાન્સ ડિફેન્સ સિસ્ટમે તમામ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા છે અને જહાજો સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા છે.

આ ઘટનાક્રમ બાદ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર આક્રમક પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે તેમના ત્રણેય જહાજો અને નૌસૈનિકો સુરક્ષિત છે. ટ્રમ્પે અમેરિકા દ્વારા કરવામાં આવેલી વળતી એરસ્ટ્રાઈકને ‘લવ ટેપ’ અને આ સમગ્ર અથડામણને માત્ર એક ‘નાનો આંચકો’ (Small Bump) ગણાવી હળવાશથી લેવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, સાથે જ તેમણે ચેતવણી આપી હતી કે જો ઈરાન નિર્ધારિત સમયમાં શાંતિ સમજૂતી પર હસ્તાક્ષર નહીં કરે તો અમેરિકા અત્યંત ‘હિંસક’ વળતો પ્રહાર કરશે.

બીજી તરફ, ઈરાનની મિલિટરી કમાન્ડે આ હુમલાને સ્વબચાવમાં લેવાયેલું પગલું ગણાવ્યું છે. ઈરાનનો આરોપ છે કે અમેરિકાએ સીઝફાયરનું ઉલ્લંઘન કરીને પહેલા તેમના બે જહાજોને નિશાન બનાવ્યા હતા, જેના જવાબમાં ચાબહાર પોર્ટ પાસે આ કાર્યવાહી કરવામાં આવી હતી. ઈરાની મીડિયાના અહેવાલો મુજબ, હાલ દરિયાકાંઠાના વિસ્તારોમાં પરિસ્થિતિ નિયંત્રણમાં છે અને જનજીવન રાબેતા મુજબ ચાલી રહ્યું છે.

આ સંઘર્ષ એવા નિર્ણાયક સમયે થયો છે જ્યારે વિશ્વની નજર અમેરિકા દ્વારા પ્રસ્તાવિત શાંતિ યોજના પર ટકેલી છે. આ પ્રસ્તાવમાં યુદ્ધનો ઔપચારિક અંત લાવી 30 દિવસમાં વ્યાપક રાજદ્વારી સમજૂતી સાધવાની વાત છે. પરંતુ હોર્મુઝની આ ઘટના બાદ મિડલ ઈસ્ટમાં ફરી એકવાર મહાયુદ્ધના વાદળો ઘેરાયા છે. હવે જોવાનું એ રહેશે કે ઈરાન આંતરરાષ્ટ્રીય દબાણ સામે ઝૂકે છે કે પછી આ સંઘર્ષ વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરે છે.