ડોનાલ્ડ ટ્રમ્પને કાનૂની ફટકો: 10% ગ્લોબલ ટેરિફ રદ, 5 દિવસમાં રિફંડનો આદેશ
- અમેરિકન ટ્રેડ કોર્ટે ટેક્સને ગેરબંધારણીય ગણાવ્યા; જૂના કાયદાના દુરુપયોગ બદલ સરકારને ફટકાર
- 24 રાજ્યો અને ઉદ્યોગપતિઓની મોટી જીત; પેમેન્ટ સંકટના નામે ખોટો ટેક્સ લાદવા બદલ ચુકાદો
- ટ્રેડ એક્ટ 1974 નો ખોટો સહારો લીધો હોવાનું સાબિત; આર્થિક મોરચે અમેરિકામાં ખળભળાટ
સિટી ન્યુઝ @ વોશિંગ્ટન : ઈરાન સાથેના યુદ્ધની સ્થિતિ અને વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની વેપાર નીતિઓને મોટો કાયદાકીય ફટકો પડ્યો છે. અમેરિકન ટ્રેડ કોર્ટે ટ્રમ્પ પ્રશાસન દ્વારા લાદવામાં આવેલા તાજેતરના 10% ગ્લોબલ ટેરિફને ગેરબંધારણીય અને ગેરકાનૂની ગણાવીને રદ કર્યા છે. અદાલતે તેના મહત્વના ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે 1970 ના દાયકાના વેપાર કાયદાનો ઉપયોગ કરીને આ રીતે આડેધડ અને વ્યાપક ટેક્સ લાદવા ઉચિત નથી.
ફેબ્રુઆરી મહિનામાં ટ્રમ્પે 'ટ્રેડ એક્ટ 1974' ની કલમ 122 નો સહારો લઈને આ ટેરિફ લાગુ કર્યા હતા. આ કલમ હેઠળ માત્ર 'પેમેન્ટ ડેફિસિટ' (ચુકવણી સંતુલન ખાધ) અથવા ડોલરની કિંમતમાં ભારે ઘટાડા જેવી કટોકટીમાં જ 150 દિવસ માટે વિશેષ શુલ્ક લાદવાની મંજૂરી મળે છે. જોકે, ઇન્ટરનેશનલ ટ્રેડ કોર્ટે 2-1 ની બહુમતીથી ચુકાદો આપ્યો કે પ્રમુખે આ દાયકાઓ જૂના કાયદાનો ખોટો ઉપયોગ કર્યો છે, કારણ કે અમેરિકા હાલમાં કોઈ આર્થિક પેમેન્ટ સંકટનો સામનો કરી રહ્યું નથી.
કોર્ટે આ મામલે અત્યંત કડક વલણ અપનાવતા આદેશ આપ્યો છે કે જે પક્ષકારોએ આ ટેરિફને પડકાર્યો હતો, તેમને આગામી 5 દિવસની અંદર જ વસૂલવામાં આવેલા તમામ ટેક્સના નાણાં રિફંડ કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે અમેરિકાના 24 રાજ્યો અને અનેક નાના ઉદ્યોગ સાહસિકોએ આ ટેક્સ સામે મોરચો માંડ્યો હતો. જોકે, સ્ટીલ, એલ્યુમિનિયમ અને ઓટોમોબાઈલ જેવા ચોક્કસ ક્ષેત્રો પરના ટેરિફ હાલમાં ચાલુ રહેશે કારણ કે તેઓ આ ચુકાદાના દાયરામાં આવતા નથી.
બીજી તરફ, ટ્રમ્પ પ્રશાસને આ ટેરિફનો બચાવ કરતા વાર્ષિક 1.2 ટ્રિલિયન ડોલરની વેપાર ખાધનો હવાલો આપ્યો હતો. સરકારની દલીલ હતી કે અમેરિકન ઉદ્યોગોને બચાવવા માટે આ ટેક્સ જરૂરી હતો. હવે એવી પ્રબળ શક્યતા છે કે અમેરિકન ન્યાય વિભાગ આ ચુકાદાને ‘યુએસ કોર્ટ ઓફ અપીલ્સ’ માં પડકારશે. અગાઉ પણ અપીલ કોર્ટે ટેરિફ વિવાદમાં ટ્રમ્પ પ્રશાસન વિરુદ્ધ ચુકાદો આપ્યો હોવાના દાખલાઓ છે.
ઈરાન સાથેની યુદ્ધ જેવી તંગ સ્થિતિ વચ્ચે આ આર્થિક અને કાનૂની નિર્ણય ટ્રમ્પ પ્રશાસન માટે મોટી નબળાઈ સાબિત થઈ શકે છે. એક તરફ સૈન્ય મોરચે ખર્ચ વધી રહ્યો છે અને બીજી તરફ કોર્ટે ટેરિફ રદ કરતા આવકના સ્ત્રોત ઘટવાની ભીતિ છે. આ ચુકાદાથી વૈશ્વિક બજારમાં સકારાત્મક સંકેત ગયા છે, પરંતુ અમેરિકન સરકાર માટે આગામી દિવસોમાં કાનૂની અને આર્થિક પડકારો વધવાના છે.