Loading Please Wait !!!
બનાસકાંઠાના પાલનપુરની દીકરીએ હાડ થીજવતી ઠંડી વચ્ચે મુશ્કેલીઓ સામે લડીને રચ્યો નવો ઇતિહાસ

  • એવરેસ્ટ બેઝ કેમ્પ પર ગર્વભેર રાષ્ટ્રગાન ગાઈને સમગ્ર વિશ્વને આપ્યો દેશભક્તિનો અનોખો સંદેશ
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હાથે સન્માનિત થયેલી ધોરણ-3 ની વિદ્યાર્થિનીએ પર્વતારોહણમાં ગાડ્યું પ્રોડક્શન
  • નામચે બજાર અને લોબુચે જેવા ખતરનાક રૂટ પર ઓક્સિજનની અછત છતાં ન માની હાર

સિટી ન્યુઝ @ પાલનપુર

બનાસકાંઠાના પાલનપુર શહેરની માત્ર 8 વર્ષની નાની દીકરી નિક્ષા બારોટે માઇનસ 5 થી માઇનસ 10 ડિગ્રી જેટલી કાળઝાળ ઠંડી વચ્ચે મુશ્કેલીઓ સામે આક્રમક લડત આપીને વિશ્વના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટનો બેઝ કેમ્પ સફળતાપૂર્વક સર કરી એક અદ્ભુત સિદ્ધિ મેળવી છે. જે બાળપણની ઉંમરે સામાન્ય રીતે બાળકો શેરીઓમાં રમતગમત રમતા હોય છે, તે ઉંમરે આ દીકરીએ સમુદ્રની સપાટીથી લગભગ 17598 ફીટની અતિશય જોખમી ઊંચાઇ પર આવેલા એવરેસ્ટ બેઝ કેમ્પ પર ગર્વભેર પગ મૂકીને નવો ઇતિહાસ રચી દીધો છે. જાણીતા એવરેસ્ટર નિશાના સક્ષમ માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ ખાસ પર્વતારોહણ અભિયાનમાં નિક્ષા આખા દેશમાંથી એકમાત્ર બાળ પર્વતારોહક તરીકે સામેલ થઈ હતી.

લુકલાથી આશરે 2860 મીટરની ઊંચાઈથી શરૂ થયેલી આ કઠિન અને રોમાંચક યાત્રા બેઝ કેમ્પના આશરે 5364 મીટરના સત્તાવાર પોઈન્ટ સુધી પહોંચી હતી, જેમાં સમગ્ર ટ્રેકિંગ અભિયાન અંદાજે 130 કિલોમીટરથી વધુનું રહ્યું છે. નિક્ષાએ પોતાના અડગ મનોબળના જોરે નામચે બજાર, ટેંગબોચે, ડિંગબોચે, લોબુચે અને ગોરક્ષેપ જેવા અત્યંત ખતરનાક અને દુર્ગમ પહાડી રૂટો પર સતત 12 દિવસ સુધી ટ્રેકિંગ કર્યું હતું. જ્યારે તે 22 મેના રોજ સફળતાપૂર્વક એવરેસ્ટ બેઝ કેમ્પ પર પહોંચી, ત્યારે તેણે ત્યાં પ્રચંડ ઉત્સાહ સાથે દેશભક્તિનો ડાન્સ કર્યો હતો અને ભારતનો ગૌરવશાળી ત્રિરંગો લહેરાવીને રાષ્ટ્રગાન ગાયું હતું.

નિક્ષાના પિતા નિલેષ બારોટ પોતે વર્ષોથી એડવેન્ચર અને સ્પોર્ટ્સ પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા હોવાથી તેઓ ઈચ્છે છે કે દીકરી સ્પોર્ટ્સ કલ્ચરમાં ભારતનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે રોશન કરે. આ નાની બાળકીએ અગાઉ માત્ર 5 વર્ષની ઉંમરે કેદારકંઠા પર્વત સર કર્યો હતો, તેમજ અરુણાચલ પ્રદેશથી પોતાના વતન સુધી સતત 62 દિવસમાં 4556 કિલોમીટર સાયકલિંગ કરવાનો રેકોર્ડ પણ બનાવેલો છે, જેના બદલ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેનું ખાસ સન્માન કર્યું હતું. એવરેસ્ટ બેઝ કેમ્પના આ અભિયાન દરમિયાન નિક્ષાએ યોગાસન કરીને વિશ્વને સેવ નેચર, સેવ હિમાલય, ફિટ ઇન્ડિયા અને ગ્રીન ઇન્ડિયા જેવા પવિત્ર સંદેશાઓ આપ્યા હતા.

16 વર્ષની ઉંમર પૂરી થતાં જ માઉન્ટ એવરેસ્ટ શિખર સર કરવાનું નિક્ષાનું સપનું

પિતા નિલેષ બારોટે જણાવ્યું કે પર્વતારોહણથી લંગ્સની કેપેસિટી વધે છે જે એથ્લેટિક્સ અને રનિંગ સ્પોર્ટ્સમાં દીકરીને મોટો ફાયદો કરાવશે. માતા દક્ષાબેને દીકરીની આ અસાધારણ સફળતા બદલ ખુશી વ્યક્ત કરી અંબાજી માતાના દર્શને જવાની માનતા પૂરી કરવાની જાહેરાત કરી છે. શાળામાં સામાન્ય રીતે 72 % થી 80 % માર્ક્સ મેળવતી આ નાનકડી વિદ્યાર્થિની હવે અત્યંત કઠિન ગણાતા લોત્સે પર્વતની તૈયારીમાં લાગી ગઈ છે.