Loading Please Wait !!!
ગુજરાતના 35,000 કેમિસ્ટ્સની 20 મેએ હડતાલ: ઈ-ફાર્મસીઓ સામે જંગ

  • ઓનલાઈન દવાઓના વેચાણથી ડુપ્લિકેટ ડ્રગ્સ ઘૂસવાનો ખતરો; દેશભરના 12.5 લાખ ડીલરો જોડાશે
  • પ્રિસ્ક્રિપ્શન વગર દવાઓના ગેરકાયદે વેપારનો આક્ષેપ; દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડાં બંધ કરવા માંગ
  • ભારે ડિસ્કાઉન્ટના નામે પધરાવાતી નકલી દવાઓ સામે વિરોધ; ઇમરજન્સી સેવાઓ ચાલુ રહેશે

સિટી ન્યુઝ @ ગાંધીનગર : ગેરકાયદે ચાલતી ઈ-ફાર્મસી અને કોર્પોરેટ કંપનીઓ દ્વારા ચલાવવામાં આવતી ઓનલાઈન ફાર્મસીઓના વિરોધમાં આગામી 20 May ના રોજ ગુજરાતના 35,000 સહિત દેશના 12.5 લાખ કેમિસ્ટ અને હોલસેલરો એક દિવસની હડતાલ પાડશે. બજારમાં વધી રહેલી ડુપ્લિકેટ અને 'સ્પુરિયસ' (નકલી) દવાઓના દૂષણને રોકવા તેમજ નાના રિટેઈલર્સના હિતોનું રક્ષણ કરવા માટે આ આક્રમક નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે, હડતાલ દરમિયાન ઇમરજન્સી કેસમાં દર્દીઓને દવા મળે તેવી વ્યવસ્થા જાળવી રાખવાની ખાતરી એસોસિએશન દ્વારા આપવામાં આવી છે.

'ધ ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિયેશન' ના પ્રમુખના જણાવ્યા અનુસાર, ઓનલાઈન ફાર્મસીઓ દ્વારા નેશનલ ફાર્માસ્યુટિકલ્સ પ્રાઈસિંગ ઓથોરિટી (NPPA) ના નિયમોનું ઉલ્લંઘન કરીને અતિશય ઊંચું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ પ્રીડેટરી પ્રાઇસિંગને કારણે નાના કેમિસ્ટનો 7 થી 8 ટકા ધંધો તૂટી ગયો છે. મોટા ડિસ્કાઉન્ટની લાલચ આપીને બજારમાં ગુજરાત બહારથી આવતી ડુપ્લિકેટ દવાઓ ઘુસાડવામાં આવી રહી છે, જે સામાન્ય જનતાના સ્વાસ્થ્ય માટે ગંભીર ખતરો છે.

ઓનલાઈન ફાર્મસીઓના કારોબારમાં અન્ય એક મોટો ઘટસ્ફોટ એ થયો છે કે, ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના ન વેચી શકાય તેવી 'સાયકોટ્રોપિક સબસ્ટન્સ' કેટેગરીની દવાઓ પણ ગેરકાયદેસર રીતે વેચવામાં આવે છે. આ કંપનીઓ હૈદરાબાદના ડોક્ટરો પાસે પ્રિસ્ક્રિપ્શન લખાવીને અમદાવાદના દર્દીઓને દવાઓ પહોંચાડી રહી છે. આમ, કાયદાકીય છટકબારીઓનો ઉપયોગ કરીને પ્રિસ્ક્રિપ્શન ડ્રગ્સનો ખુલ્લેઆમ વેપાર કરવામાં આવી રહ્યો છે, જે ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટના નિયમો વિરુદ્ધ છે.

કેમિસ્ટ્સની અન્ય એક મહત્વની માંગણી કોરોના કાળના જૂના નોટિફિકેશનને પાછું ખેંચવા અંગેની છે. કોરોના સમયે લોકોને ઘરે બેઠા દવા પહોંચાડવા માટે દુકાનોને છૂટ આપવામાં આવી હતી, જેનો ફાયદો હજુ પણ ઓનલાઈન ફાર્મસીઓ ઉઠાવી રહી છે. આ નોટિફિકેશન હજુ સુધી રદ ન થયું હોવાથી ઈ-ફાર્મસીઓ તેનો ગેરફાયદો ઉઠાવી રહી છે. આથી, નાના કેમિસ્ટ અને સપ્લાય ચેઈનની સુરક્ષા વધારવા માટે આ નોટિફિકેશન તાત્કાલિક અસરથી પાછું ખેંચી લેવાની માંગણી કરવામાં આવી છે.

અંતે, એસોસિએશને સરકાર પાસે એવી પણ માંગ કરી છે કે અન્યના ધંધાને ખતમ કરવા માટે રખાતા અતિશય નીચા ભાવ (પ્રીડેટરી પ્રાઇસિંગ) ને રોકવા માટે કડક નીતિ લાવવામાં આવે. ડુપ્લિકેટ દવાઓ બનાવનાર અને વેચનાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરીને દવા ઉદ્યોગની વિશ્વસનીયતા જાળવવી જરૂરી છે. 20 May ના રોજ યોજાનારી આ હડતાલ સરકાર અને ઓનલાઈન કંપનીઓ સામે કેમિસ્ટ્સનો એક મજબૂત વિરોધ પ્રદર્શિત કરશે.