Loading Please Wait !!!
હાઈકોર્ટનો ઐતિહાસિક ફેંસલો: મુસ્લિમ યુવક અને હિન્દુ યુવતીના લગ્ન સંપન્ન

  • નારી સંરક્ષણ ગૃહમાંથી યુવતી આઝાદ; પતિ સાથે જવા મળી મંજૂરી
  • સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ થયા લગ્ન; પોલીસને દંપતીની સુરક્ષા માટે કડક આદેશ
  • આર્થિક સુરક્ષાની ખાતરી બાદ જ મળી મંજૂરી; ગરિમા સાથે રાખવા યુવકની બાહેંધરી

સિટી ન્યુઝ @ અમદાવાદ : ગુજરાત હાઈકોર્ટના હસ્તક્ષેપ બાદ મહેસાણા જિલ્લાના એક મુસ્લિમ યુવક અને હિન્દુ યુવતીના લગ્ન આખરે સંપન્ન થયા છે. લાંબા સમયથી ચાલી રહેલા કાનૂની સંઘર્ષ અને સામાજિક ઉહાપોહ બાદ, કોર્ટે યુવતીને અમદાવાદના નારી સંરક્ષણ ગૃહમાંથી મુક્ત કરી તેના પતિ સાથે જવાની મંજૂરી આપી છે. આ સાથે જ કોર્ટે પોલીસ તંત્રને કડક સૂચના આપી છે કે આ નવદંપતીને ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ કે સંગઠન દ્વારા હેરાન-પરેશાન કરવામાં ન આવે.

આ કિસ્સાની વિગત મુજબ, મહેસાણાના 22 વર્ષીય મુસ્લિમ યુવક અને 21 વર્ષીય હિન્દુ યુવતી લિવ-ઈન રિલેશનશિપમાં રહેતા હતા. થોડા સમય પહેલા કેટલાક ધાર્મિક સંગઠનોએ આ બાબતે ભારે વિરોધ પ્રદર્શિત કરતા બંનેને છૂટા પાડી દેવામાં આવ્યા હતા અને યુવતીને પાલનપુરના મહિલા સંરક્ષણ ગૃહમાં મોકલી દેવાઈ હતી. પોતાના સાથીની કસ્ટડી મેળવવા માટે યુવકે હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસની અરજી કરી હતી અને સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

કોર્ટે આ કેસમાં યુવતીની સુરક્ષાને સર્વોપરી ગણી હતી. ભવિષ્યમાં જો કોઈ પ્રતિકૂળ સંજોગો ઊભા થાય, તો યુવતીની આર્થિક સુરક્ષા જોખમમાં ન મુકાય તે માટે હાઈકોર્ટે યુવકને ₹3 લાખની રકમ ફિક્સ્ડ ડિપોઝિટ (FD) તરીકે જમા કરાવવાનો આદેશ આપ્યો હતો. યુવકે કોર્ટમાં સોગંદનામું કર્યું હતું કે તે યુવતીને ગરિમા અને સન્માન સાથે રાખશે અને તેની તમામ જરૂરિયાતો પૂરી કરશે. યુવતીનું બેંક ખાતું ન હોવાથી કોર્ટની રજિસ્ટ્રીને ખાતું ખોલાવવા અને વ્યાજની રકમ સમયાંતરે તેને આપવા નિર્દેશ અપાયો હતો.

લગ્નની કાનૂની પ્રક્રિયા માટે હાઈકોર્ટે સંબંધિત સરકારી અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી હતી કે 6 અઠવાડિયાના ગાળામાં લગ્નની તમામ વિધિઓ પૂર્ણ કરવામાં આવે. આ દરમિયાન યુવતીને અમદાવાદના મહિલા સંરક્ષણ ગૃહમાં રાખવામાં આવી હતી અને લગ્નની નોંધણી માટે તેને યુવક સાથે જવાની છૂટ અપાઈ હતી. કોર્ટે યુવતીના જન્મના દાખલા અને સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ જેવા જરૂરી દસ્તાવેજો પૂરા પાડવા માટે પણ સત્તાધિકારીઓને આદેશ આપ્યો હતો.

આખરે તમામ કાનૂની જરૂરિયાતો પૂર્ણ થયા બાદ દંપતીના લગ્ન સંપન્ન થયા છે. છેલ્લી સુનાવણીમાં હાઈકોર્ટે યુવતીને તેની મરજી મુજબ પતિ સાથે રહેવા જવાની અનુમતિ આપી હતી. અલગ-અલગ ધર્મના આ કપલને સામાજિક તત્વો દ્વારા કોઈ ખતરો ન રહે તે માટે હાઈકોર્ટે પોલીસ સુરક્ષા સુનિશ્ચિત કરવાની તાકીદ કરી છે. આ ચુકાદો આંતરધર્મિય લગ્ન કરનારા કપલ્સ માટે વ્યક્તિગત સ્વતંત્રતાના રક્ષણના મામલે અત્યંત મહત્વનો માનવામાં આવી રહ્યો છે.