ગુજરાતમાં કુદરતનો બેવડો માર: સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન!
- રાજકોટ, જામનગર અને દ્વારકામાં હવામાન પલટાશે - અંબાલાલ પટેલની આગાહીથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ
- બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ મેઘરાજાની એન્ટ્રી શક્ય - 2 સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા તંત્ર સાબદું
- લાલપુર પંથકમાં કરાની વર્ષા બાદ માર્ગો પર પથરાઈ સફેદ ચાદર - વાવાઝોડા સાથે વરસાદી ઝાપટાની IMD ની ચેતવણી
ગુજરાતમાં કાળઝાળ ગરમીની વચ્ચે હવે કમોસમી વરસાદનું સંકટ તોળાઈ રહ્યું છે. હવામાન વિભાગ અને આગાહીકાર અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, 2 સાયક્લોનિક સર્ક્યુલેશન અને મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં મોટો ફેરફાર જોવા મળશે. ખાસ કરીને રાજકોટ, જામનગર અને દ્વારકાના ભાગોમાં પવનની ગતિ 70 કિમી સુધી પહોંચી શકે છે.
ગઈકાલે જામનગર અને કચ્છમાં કરા પડ્યા ગઈકાલે એટલે કે 2 એપ્રિલના રોજ જામનગર જિલ્લાના લાલપુર પંથકમાં કરા સાથે વરસાદ ખાબક્યો હતો, જેના કારણે રસ્તાઓ પર બરફની સફેદ ચાદર પથરાઈ ગઈ હતી. આ ઉપરાંત કચ્છના ખાવડા પંથકમાં પણ ધોધમાર વરસાદે દસ્તક દીધી હતી. આ કમોસમી વરસાદને કારણે ખેતીના પાકને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે, જેને પગલે ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે.
રાજકોટમાં પણ પલટાશે મોસમ અંબાલાલ પટેલની આગાહી મુજબ, આજે એટલે કે 3 એપ્રિલે ઉત્તર સૌરાષ્ટ્રના રાજકોટ સહિતના ભાગોમાં હવામાનમાં મોટો પલટો આવશે. આકાશ વાદળછાયું રહેશે અને ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. એ.કે. દાસે લોકોને સાવચેત રહેવા અને વાવાઝોડા દરમિયાન સુરક્ષિત સ્થળે આશ્રય લેવા અપીલ કરી છે. રાજકોટવાસીઓએ પણ ધૂળની ડમરીઓ અને પવનથી બચવા માટે સાવધ રહેવું જરૂરી છે.