Loading Please Wait !!!
ગુજરાતની જેલો ઓવરલોડ ક્ષમતા કરતા 3 હજાર વધુ કેદીઓ !

  • રિપોર્ટમાં ખુલાસો: 14 હજાર ક્ષમતા સામે 17 હજાર કેદીઓ
  • જગ્યા ઓછી, કેદીઓ વધુ ગુજરાતની જેલોની ખરાબ સ્થિતિ બહાર
  • જેલોમાં વધતી ભીડ વધતા જોખમ સુરક્ષા અને આરોગ્ય પર અસર
  • ગુજરાતની જેલોમાં હાલમાં 49 મૃત્યુદંડના કેદીઓ અને 3411 આજીવન કારાવાસની સજા ભોગવી રહેલા કેદીઓ બંધ છે

સિટી ન્યૂઝ@અમદાવાદ :  ગુજરાતની જેલોમાં કેદીઓની વધતી સંખ્યાને લઈને ચોંકાવનારી સ્થિતિ સામે આવી છે. 'પ્રિઝન સ્ટેટિસ્ટિક્સ ઓફ ઇન્ડિયા ૨૦૨૪' ના અહેવાલ મુજબ રાજ્યની જેલોની કુલ ક્ષમતા ૧૪,૧૦૮ કેદીઓની છે, જ્યારે હાલમાં ૧૭ હજારથી વધુ કેદીઓ જેલોમાં બંધ છે. એટલે કે ક્ષમતા કરતાં લગભગ ૩ હજાર જેટલા વધુ કેદીઓ જેલોમાં રહેવા મજબૂર બન્યા છે. અહેવાલ અનુસાર રાજ્યની જેલોમાં ૧૨,૫૦૦થી વધુ અંડરટ્રાયલ કેદીઓ છે. એટલે કે જેમના કેસો હજુ કોર્ટમાં ચાલી રહ્યા છે અને ચુકાદો આવ્યો નથી એવા આરોપીઓની સંખ્યા સૌથી વધુ છે. બીજી તરફ સજા ભોગવી રહેલા કુલ કેદીઓમાંથી માત્ર ૫,૨૩૧ કેદીઓ જ દોષિત ઠર્યા છે. આ આંકડા રાજ્યની ન્યાયિક પ્રક્રિયાની ધીમી ગતિ અને કેસોના લાંબા સમય સુધી પેન્ડિંગ રહેતા હોવાનો સંકેત આપે છે. રાજ્યની સેન્ટ્રલ જેલોમાં સૌથી વધુ ભીડ જોવા મળી રહી છે. અહીં ૭,૭૪૦ કેદીઓની ક્ષમતા સામે ૧૦,૫૫૬ કેદીઓ રાખવામાં આવ્યા છે. જ્યારે ડિસ્ટ્રિક્ટ જેલોમાં ૩,૯૨૬ની ક્ષમતા સામે ૪,૫૬૭ કેદીઓ અને સબ જેલોમાં ૧,૧૮૦ની ક્ષમતા સામે ૧,૮૧૫ કેદીઓ છે. જોકે મહિલા જેલ અને ઓપન જેલોમાં ક્ષમતા કરતાં ઓછા કેદીઓ નોંધાયા છે. અહેવાલ મુજબ ગુજરાતની જેલોમાં હાલમાં ૪૯ મૃત્યુદંડના કેદીઓ અને ૩,૪૧૧ આજીવન કારાવાસની સજા ભોગવી રહેલા કેદીઓ પણ બંધ છે. જેલોમાં વધતી ભીડને કારણે સુરક્ષા, આરોગ્ય અને માનવ અધિકાર સંબંધિત પ્રશ્નો વધુ ગંભીર બનતા જઈ રહ્યા છે.

  • સાબરમતી સેન્ટ્રલ જેલના મેઈન ગેટમાંથી કેદી ભાગી ગયો
  • હત્યા-પોક્સોની સજા ભોગવી રહેલો પાકા કામનો કેદી ભાગી જતા હાઈ સિક્યોરિટી જેલની પોલ ખુલ્લી

રાજ્યની સૌથી સુરક્ષિત મનાતી સાબરમતી સેન્ટ્રલ જેલ ફરી એક વખત ગંભીર વિવાદમાં આવી ગઈ છે. આજીવન કેદની સજા ભોગવી રહેલો પાકા કામનો કેદી માલદે રામાભાઈ પરમાર જેલમાંથી ફરાર થઈ જતા જેલ તંત્ર, સુરક્ષા વ્યવસ્થા અને સ્ટાફની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે. ઘટના માત્ર એક કેદી ભાગી જવાની નથી, પરંતુ છેલ્લા કેટલાક સમયથી જેલમાં ચાલી રહેલા આંતરિક વિવાદો, કેદીઓ વચ્ચેના તણાવ અને સ્ટાફની બેદરકારી હવે ખુલ્લેઆમ સામે આવી રહી છે.

  • જેલોમાં બંધ શિક્ષિત યુવાનો ગુનાની દિશામાં

ગુજરાતમાં ગુનાખોરીનો ગ્રાફ કેવી રીતે વધી રહ્યો છે, તેનો જીવતો જાગતો પુરાવો રાજ્યની જેલોની વર્તમાન સ્થિતિ છે. તાજેતરમાં જાહેર થયેલા 'પ્રિઝન સ્ટેટિસ્ટિક્સ ઓફ ઇન્ડિયા-૨૦૨૪' ના અહેવાલમાં ગુજરાતની જેલો અંગેના અત્યંત ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા છે. રાજ્યની જેલોમાં કેદીઓનું એટલું મોટું ઘોડાપૂર છે કે જેલો તેની નિયત ક્ષમતા કરતા ૧૨૫ ટકા વધુ ભારણ સહન કરી રહી છે. અહેવાલ મુજબ, ગુજરાતની તમામ જેલોની કુલ ક્ષમતા ૧૪,૧૦૮ કેદીઓને રાખવાની છે, પરંતુ હાલમાં તેમાં ૧૭,૭૬૬ કેદીઓને ગોંધી રાખવામાં આવ્યા છે. જેમાં સેન્ટ્રલ જેલમાં ૭,૭૪૦ની ક્ષમતા સામે અધધ ૧૦,૫૫૬ કેદીઓ, ડિસ્ટ્રિક્ટ જેલમાં ૩,૯૨૬ની ક્ષમતા સામે ૪,૫૬૭ કેદીઓ અને સબ જેલમાં ૧૧૮૦ ની ક્ષમતા સામે ૧૮૧૫ કેદીઓ નોંધાયા છે. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે અભણ લોકો વધુ ગુના કરે છે, પરંતુ આંકડા કંઈક અલગ જ વાર્તા કહે છે. શિક્ષણની દૃષ્ટિએ જોઈએ તો, ગુનો પુરવાર થયો હોય તેવા દોષિતોમાં ૨૦૯ ગ્રેજ્યુએટ, ૬૪ પોસ્ટ ગ્રેજ્યુએટ અને ૪૭ જેટલા ડિગ્રી-ડિપ્લોમા હોલ્ડર છે.