Loading Please Wait !!!
કચ્છના બન્નીમાં કેન્યાના ચિત્તાઓની ત્રાડ, ગુજરાત બનશે એશિયાનું ગૌરવ

  • NTCAની મંજૂરી બાદ ઓગસ્ટ સુધીમાં 4 શિકારીઓનું થશે આગમન
  • કચ્છમાં 500 હેક્ટરમાં તૈયાર કરાયું ચિત્તા માટેનું ખાસ રક્ષિત કવચ
  • ભુજમાં પ્રથમ લેન્ડિંગ બાદ ચિત્તાઓને 1 મહિનો ક્વોરેન્ટાઇન કરાશે

સિટી ન્યુઝ @ ગાંધીનગર :  ગુજરાતના વન્યજીવ ક્ષેત્રે એક ઐતિહાસિક સિદ્ધિ ઉમેરાવા જઈ રહી છે. રાજ્યમાં હવે સિંહ, દીપડા અને વાઘ બાદ ચિત્તાની હાજરી પણ જોવા મળશે, જેના કારણે ગુજરાત ચારેય મુખ્ય બિલાડી કુળના હિંસક પ્રાણીઓ ધરાવતું એકમાત્ર રાજ્ય બનશે. નેશનલ ટાઇગર કન્ઝર્વેશન ઓથોરિટી (NTCA) દ્વારા કચ્છના બન્ની વિસ્તારમાં ચિત્તા લાવવા માટે સત્તાવાર મંજૂરી આપી દેવામાં આવી છે. કેન્દ્ર સરકારના આખરી નિર્ણય બાદ 2 નર અને 2 માદા ચિત્તા જુલાઈ અથવા ઓગસ્ટ 2026 સુધીમાં ગુજરાત આવી પહોંચશે તેવું આયોજન કરવામાં આવ્યું છે.

આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ હેઠળ પ્રથમ તબક્કે કેન્યાથી ચિત્તાઓ લાવવામાં આવશે. મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્ક બાદ ગુજરાત હવે ચિત્તાઓનું દેશનું બીજું મહત્વનું સરનામું બનવા જઈ રહ્યું છે. વન વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રથમ વર્ષમાં કુલ 12 ચિત્તાઓને તબક્કાવાર બન્નીમાં લાવવાનું આયોજન છે. કેન્યાના ચિત્તાઓ નામિબિયન ચિત્તાઓ કરતા અલગ આનુવંશિક લાક્ષણિકતાઓ ધરાવે છે, જે ભારતના પર્યાવરણમાં વન્યજીવોની વિવિધતા વધારવામાં મદદરૂપ સાબિત થશે.

કચ્છનું વન વિભાગ આ આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ માટે યુદ્ધના ધોરણે તૈયારીઓ કરી રહ્યું છે. NTCAની ટીમે તાજેતરમાં બન્ની વિસ્તારમાં 2 દિવસ સુધી રોકાણ કરીને જમીન, ક્વોરેન્ટાઇન ફેસિલિટી અને વેટરનરી વ્યવસ્થાઓની ચકાસણી કરી હતી. ચિત્તાઓને લાવતા પહેલા તેમને ભુજ એરપોર્ટ પર ઉતારવામાં આવશે અને ત્યારબાદ તેમને ખાસ તૈયાર કરાયેલા બ્રીડિંગ સેન્ટર ખાતે લઈ જવામાં આવશે. અહીં તેમને પર્યાવરણ સાથે અનુકૂલન સાધવા માટે 1 મહિના સુધી ક્વોરેન્ટાઇન રાખવામાં આવશે.

ચિત્તાઓ માટે બન્નીમાં 500 હેક્ટરનો વિશાળ મુખ્ય એન્ક્લોઝર તૈયાર કરવામાં આવ્યો છે. આ વિસ્તારને કેન્યાના સવાન્ના ઘાસિયા મેદાન જેવો લુક આપવામાં આવ્યો છે જેથી ચિત્તાઓને તેમનું કુદરતી નિવાસસ્થાન મળી રહે. સુરક્ષાના ભાગરૂપે આશરે 9830 મીટરની લાંબી મજબૂત તાર ફેન્સિંગ કરવામાં આવી છે, જેથી ચિત્તાઓ બહાર ન નીકળી શકે અને અન્ય શિકારી પ્રાણીઓ અંદર પ્રવેશી ન શકે. આ મોડેલ અગાઉ દેવળિયા સફારી પાર્કમાં સિંહ સંરક્ષણ માટે સફળતાપૂર્વક અજમાવવામાં આવ્યું છે.

બન્ની ખાતેના આ સંવર્ધન કેન્દ્રમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી નર અને માદા માટે અલગ-અલગ ચેમ્બર્સ બનાવવામાં આવી છે. ખાસ કરીને માદા ચિત્તા અને તેમના બચ્ચાના ઉછેર માટે સુરક્ષિત કેપ્સ્યુલ અને ગુફાઓની રચના કરવામાં આવી છે. સંવનન પ્રક્રિયામાં માનવીય દખલ ન થાય તે માટે આઇસોલેશન ઝોન પણ તૈયાર છે. કેન્દ્રીય મંજૂરી બાદ હવે માત્ર ગણતરીના દિવસોમાં જ ગુજરાતની ધરા પર ચિત્તાઓની ત્રાડ ગુંજતી થશે, જે પ્રવાસન અને પર્યાવરણ બંને માટે સીમાચિહ્નરૂપ સાબિત થશે.