Loading Please Wait !!!
મચ્છુકાંઠા રબારી સમાજની સામાજિક ક્રાંતિ: દીકરી વિક્રય જેવા કુરિવાજો સામે નવું 'બંધારણ'

 

  • લગ્ન-સગાઈમાં રોકડ અને સોનાની મર્યાદા નક્કી; નિયમ તોડનારને 1 લાખનો દંડ.

  • સંતો-મહંતોની હાજરીમાં સામાજિક સુધારાનો પાયો નંખાયો; દંડની રકમ શિક્ષણમાં વપરાશે.

  • મરણપ્રસંગે ભોજનમાં સાદગી અને ઘરેણામાં મર્યાદા; સમાજને એકતાના તાંતણે બાંધવાનો પ્રયાસ

સિટી ન્યુઝ @ મોરબી : મોરબીના રવાપર-લીલાપર કેનાલ રોડ પર આવેલા સમરસ ભવન ખાતે આજે મચ્છુકાંઠા રબારી સમાજનું એક સીમાચિહ્નરૂપ મહાસંમેલન યોજાયું હતું. આ કાર્યક્રમમાં સમસ્ત સમાજ માટે એક નવું સર્વગ્રાહી સામાજિક બંધારણ જાહેર કરવામાં આવ્યું છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં વ્યાપેલા કુરિવાજોને દૂર કરી આર્થિક અને શૈક્ષણિક મજબૂતી લાવવાનો છે.

સમાજના અગ્રણી મહેશ ભુંભરીયાના જણાવ્યા મુજબ, આ નવા બંધારણમાં જન્મથી લઈને મરણ સુધીના પ્રસંગો માટે સ્પષ્ટ મર્યાદાઓ નક્કી કરાઈ છે. ખાસ કરીને લગ્ન અને સગાઈમાં રોકડની લેતી-દેતી વધુમાં વધુ 3 લાખ અને સોનાના ઘરેણાની મર્યાદા 7 તોલા રાખવામાં આવી છે. જો કોઈ આ નિયમનો ભંગ કરશે, તો તેની પાસેથી 1 લાખ રૂપિયા સુધીનો દંડ વસૂલવામાં આવશે, જે રકમનો ઉપયોગ સમાજના શૈક્ષણિક ઉત્થાન માટે થશે.

મહત્વનું છે કે મરણપ્રસંગે થતા ખર્ચાળ ભોજન અને અન્ય બિનજરૂરી ધાર્મિક ખર્ચાઓ પર પણ કાપ મૂકવામાં આવ્યો છે. આ સંમેલનમાં જગતગુરુ કનીરામદાસજી બાપુ અને દુધરેજ ધામના નાગરદાસજી બાપુ સહિત અનેક સંતો-મહંતોએ હાજરી આપી સમાજને પ્રગતિના પંથે ચાલવા આશીર્વાદ આપ્યા હતા. આ નિર્ણયથી મોરબી પંથકના રબારી સમાજમાં એક નવી જાગૃતિનો સંચાર થયો છે.