Loading Please Wait !!!
અમિત શાહના ગુજરાત પ્રવાસે રાજકીય ગરમાવો: અમદાવાદ-ગાંધીનગરમાં વિકાસ કામોનું ભાથું

  • ૧૬ અને ૧૭ મેના રોજ પદાધિકારીઓની વરણીની શક્યતા; મધુર ડેરીના પ્લાન્ટનું કરશે ઉદ્ઘાટન
  • અમદાવાદના મેયર સહિતના પાંચ હોદ્દેદારોના નામ જાહેર થઈ શકે; AMC અધિકારીઓ સાથે બેઠક
  • મિશન 5 મિલિયન ટ્રી અને તળાવોના ઇન્ટરલિન્કિંગ પર જોર; દક્ષિણ પશ્ચિમ ઝોન ઓફિસમાં બેઠક

સિટી ન્યુઝ @ અમદાવાદ 

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આગામી ૧૬ અને ૧૭ મેના રોજ બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ભાજપની ભવ્ય જીત અને ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ બાદ આ તેમનો પ્રથમ પ્રવાસ છે. આ મુલાકાત દરમિયાન અમદાવાદ અને ગાંધીનગર લોકસભા વિસ્તારના વિકાસ કાર્યોની સમીક્ષાની સાથે સાથે મહત્વના રાજકીય નિર્ણયો લેવાય તેવી પૂરી શક્યતા છે. ખાસ કરીને અમદાવાદ મહાનગરપાલિકાના નવા મેયર સહિતના પદાધિકારીઓની નિમણૂક પર સૌની નજર ટકેલી છે.

પ્રવાસના પ્રથમ દિવસે એટલે કે ૧૬ મેના રોજ, અમિત શાહ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના ઉચ્ચ અધિકારીઓ અને મ્યુનિસિપલ કમિશનર સાથે બેઠક કરશે. અમદાવાદના દક્ષિણ પશ્ચિમ ઝોનની ઓફિસ ખાતે યોજાનારી આ બેઠકમાં ગાંધીનગર લોકસભા વિસ્તારમાં આવતા અમદાવાદના ભાગોમાં ચાલી રહેલા કરોડોના વિકાસ કામો, તળાવોના ઇન્ટરલિન્કિંગ પ્રોજેક્ટ અને આગામી ચોમાસામાં 'મિશન 5 મિલિયન ટ્રી' જેવા પર્યાવરણલક્ષી અભિયાનો અંગે ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત, તેઓ અમદાવાદના નવનિયુક્ત કોર્પોરેટરો સાથે પણ મુલાકાત કરશે.

બીજા દિવસે ૧૭ મેના રોજ, ગૃહમંત્રી સહકારિતા ક્ષેત્રના એક મહત્વના કાર્યક્રમમાં હાજરી આપશે. ગાંધીનગર જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી મંડળી દ્વારા સંચાલિત મધુર ડેરીના નવા મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટનું તેઓ ઉદ્ઘાટન કરશે. ચિલોડા નજીક દશેલા પાસે નિર્મિત આ પ્લાન્ટનું નિરીક્ષણ કર્યા બાદ તેઓ એક વિશાળ જાહેર સભાને પણ સંબોધન કરવાના છે. બપોરે ૧:૦૦ વાગ્યે આયોજિત આ કાર્યક્રમમાં ગાંધીનગર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના હજારો પશુપાલકો અને સહકારી આગેવાનો હાજર રહેશે.

રાજકીય દૃષ્ટિએ આ પ્રવાસ અત્યંત મહત્વનો માનવામાં આવે છે કારણ કે રાજ્યમાં હજી પણ મહાનગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોમાં પ્રમુખ અને મુખ્ય પદાધિકારીઓની નિમણૂકો બાકી છે. ૧૪ મે બાદ તમામ મનપામાં સામાન્ય સભા બોલાવવાની પ્રક્રિયા શરૂ થશે, ત્યારે અમિત શાહની હાજરીમાં અમદાવાદના મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જેવા મુખ્ય પાંચ પદાધિકારીઓના નામની સત્તાવાર જાહેરાત થઈ શકે છે.

અમદાવાદ એ રાજ્યની સૌથી મોટી મહાનગરપાલિકા હોવાથી અહીંના પદાધિકારીઓની પસંદગી માટે હાઈકમાન્ડ સ્તરે ગંભીર વિચારણા ચાલી રહી છે. અમિત શાહના આ પ્રવાસથી વહીવટી તંત્રમાં પણ ઉત્સાહનો માહોલ છે અને વિકાસ કાર્યોને વધુ ગતિ મળશે તેવી અપેક્ષા સેવાઈ રહી છે. બે દિવસના આ વ્યસ્ત પ્રવાસ બાદ રાજ્યના રાજકારણમાં અને વહીવટમાં નવી ઉર્જા જોવા મળશે તેવું રાજકીય વિશ્લેષકોનું માનવું છે.