Loading Please Wait !!!
બોગસ દસ્તાવેજ આધારે સરધારની કિંમતી જમીન પડાવી લેવાનું કૌભાંડ

  • ■ મહિલા સહિત ચાર શખ્સો સામે આજીડેમ પોલીસ મથકમાં નોંધાયો ગુનો

સીટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટના લાખાપર ગામે રહેતા અને ખેતીકામ કરતા માવજીભાઈ મનજીભાઈ કાનાણી નામના વૃદ્ધની કરોડો રૂપિયાની કિંમતી જમીન બોગસ દસ્તાવેજ દ્વારા હડપી લેવાનું એક મોટું કૌભાંડ સામે આવ્યું છે. માવજીભાઈ અને તેમના પત્ની વજીબેનના નામે સરધાર અને લાખાપર ગામની વચ્ચે આશરે ૯ વિઘા જેટલી જમીન આવેલી છે. આ જમીન ખરીદવાના બહાને કેટલાક ઈસમોએ તેમની જાણ બહાર ખોટો વેચાણ દસ્તાવેજ બનાવી સબ-રજિસ્ટ્રાર કચેરીમાં નોંધણી કરાવી લીધી હોવાની ફરિયાદ આજીડેમ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

આશરે દોઢ મહિના પહેલા રજુભાઈ નામના એક વ્યક્તિએ જમીન જોવાના બહાને માવજીભાઈનો સંપર્ક કર્યો હતો અને પશકારે બતાવવા માટે વજીબેનનું પાનકાર્ડ તથા આધારકાર્ડ મેળવી લીધા હતા. ત્યારબાદ, મુખ્ય આરોપી મહાવીરસિંહ રાવતબાપુ વાળા, રાજ વિલાભાઈ સોલંકી અને ભાવેશ જશવંતરાય નિમાવત નામના શખ્સોએ ગુનાહિત કાવતરું રચ્યું હતું. તેઓએ વજીબેનને બદલે કોઈ અજાણી સ્ત્રીને સબ-રજિસ્ટ્રાર કચેરીમાં વજીબેન તરીકે ઊભી રાખી દીધી હતી અને ખોટો ફોટો તથા સહી-અંગૂઠા કરાવી દસ્તાવેજ રજિસ્ટર્ડ કરાવી લીધો હતો.

થોડા દિવસો પહેલા માવજીભાઈના ઘરે જમીન બાબતે એક નોટિસ આવતા તેઓ ચોંકી ઉઠ્યા હતા. તપાસ કરતા માલુમ પડ્યું કે તેમની જમીન મહાવીરસિંહ વાળાના નામે ટ્રાન્સફર થઈ ગઈ છે અને ઓનલાઈન દસ્તાવેજમાં તેમની પત્નીના બદલે કોઈ અન્ય અજાણી સ્ત્રીનો લગાડેલો છે. આ મામલે આજીડેમ પોલીસ સ્ટેશનના પીએસઆઈ વરુણે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.