Loading Please Wait !!!
ગાંધીનગરના કેબલ સ્ટેડ બ્રિજની 'અગ્નિપરીક્ષા': 700 ટનના વજન સાથે લોડ ટેસ્ટિંગ શરૂ

  • 18 વિશાળ ટ્રકો દ્વારા બ્રિજની ક્ષમતાની ચકાસણી; 15 દિવસ બાદ મળશે સુરક્ષા સર્ટિફિકેટ
  • જાપાન અને ચીન જેવી ટેકનોલોજી હવે ગુજરાતમાં; ₹130 કરોડના ખર્ચે સિક્સ લેન બ્રિજ તૈયાર
  • થ્રી-લેયર અંડરપાસ અને સિક્સ લેન બ્રિજથી અમદાવાદ-ગાંધીનગરની મુસાફરી થશે ઝડપી

સિટી ન્યુઝ @ ગાંધીનગર :  ગુજરાતના પાટનગર ગાંધીનગરના પ્રવેશદ્વાર સમાન ભાટ સર્કલ પર એન્જિનિયરિંગનો અદભૂત નમૂનો ગણાતો કેબલ સ્ટેડ બ્રિજ હવે તેના અંતિમ પડાવમાં છે. આ આધુનિક બ્રિજને જનતા માટે ખુલ્લો મૂકતા પહેલા તેની ક્ષમતા અને સુરક્ષાની આકરી ચકાસણી કરવામાં આવી રહી છે. 7 May, 2026 ગુરુવારથી આ બ્રિજ પર લોડ ટેસ્ટિંગની પ્રક્રિયાનો વિધિવત પ્રારંભ થયો છે, જે આગામી 15 દિવસ સુધી અવિરત ચાલશે.

બ્રિજની લોડ વહન કરવાની ક્ષમતા માપવા માટે તંત્ર દ્વારા લોખંડી આયોજન કરવામાં આવ્યું છે. લોડ ટેસ્ટિંગના પ્રથમ તબક્કે 700 ટનથી વધુ વજન ધરાવતા 18 જેટલા વિશાળ ટ્રકોને દર બે કલાકે એક પછી એક બ્રિજ પરના ચોક્કસ પોઈન્ટ્સ પર સ્થિર કરવામાં આવ્યા છે. આ ભારેખમ ટ્રકો દ્વારા બ્રિજના મુખ્ય માળખા અને તેને ટેકો આપતા મજબૂત કેબલ્સ પર આવતા દબાણનું ઝીણવટભર્યું નિરીક્ષણ એન્જિનિયરોની ટીમ દ્વારા કરવામાં આવી રહ્યું છે. સામાન્ય રીતે કોન્ક્રીટ બ્રિજનું ટેસ્ટિંગ ઝડપથી પૂર્ણ થતું હોય છે, પરંતુ આ બ્રિજ હવામાં લટકેલા કેબલ્સ પર ટકેલો હોવાથી તેની પ્રક્રિયા લાંબી રાખવામાં આવી છે.

માર્ગ અને મકાન વિભાગના જણાવ્યા અનુસાર, આ સિક્સ લેન બ્રિજ અંદાજે 130 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. 27 મીટરની પહોળાઈ ધરાવતા આ બ્રિજમાં 11-11 મીટરના બે મુખ્ય રસ્તા અને ફૂટપાથની વ્યવસ્થા છે. બ્રિજની મુખ્ય ઓળખ તેના 38 મીટર ઊંચા પાયલોન (મજબૂત થાંભલા) અને તેમાંથી નીકળતા સ્ટીલના કેબલ્સ છે. આ પ્રકારની ટેકનોલોજી અત્યાર સુધી જાપાન અને ચીન જેવા દેશોમાં જોવા મળતી હતી, જે હવે ગુજરાતમાં આકાર લઈ રહી છે.

અમદાવાદ અને ગાંધીનગરને જોડતા આ વ્યસ્ત માર્ગ પર ભાટ સર્કલ પાસે ટ્રાફિકની ગંભીર સમસ્યા રહેતી હોય છે. અગાઉના સર્વે મુજબ અહીંથી દૈનિક દોઢ લાખ વાહનો પસાર થાય છે, પરંતુ બ્રિજ અને તેની નીચે બનનારા થ્રી-લેયર અંડરપાસ બાદ આ ક્ષમતા વધીને 3 લાખ વાહનો સુધી પહોંચશે. બ્રિજની ઉપર સિક્સ લેન અને નીચે એસ.પી. રિંગ રોડ તરફ જતો સિક્સ લેન રસ્તો ટ્રાફિક જામની સમસ્યાને ભૂતકાળ બનાવી દેશે.

આ બ્રિજની સુરક્ષાને લઈને તંત્ર અત્યંત ગંભીર છે. બ્રિજ કાર્યરત થયા પછી પણ તેના પરના દબાણ, પવનની ગતિ અને કેબલ્સની મજબૂતી પર 24 કલાક નજર રાખવા માટે 2.5 કરોડના ખર્ચે ખાસ 'હેલ્થ મોનિટરિંગ સિસ્ટમ' ફીટ કરવામાં આવશે. આગામી 15 દિવસના અંતે લોડ ટેસ્ટિંગનો સકારાત્મક રિપોર્ટ આવ્યા બાદ અને સુરક્ષા સર્ટિફિકેટ મળ્યા પછી ટૂંક સમયમાં આ બ્રિજને વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવશે. હાલ લોડ ટેસ્ટિંગને પગલે સુરક્ષાના કારણોસર સામાન્ય લોકોની અવરજવર પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.