જેતપુરમાં ટેક્સ ચોરીનું મસમોટું કૌભાંડ: એક જ નંબર પર દોડતી 10 બસો ઝડપાઈ
- આરટીઓના નિયમોના ધજાગરા ઉડાવનાર ટ્રાવેલ્સ સંચાલક પિતા-પુત્ર સહિત ત્રણની ધરપકડ
- સરકારને લાખોના ટેક્સનું નુકસાન કરનાર ત્રિપુટી જેલભેગી, પોલીસની તપાસમાં અનેક રહસ્યો ખુલ્યા
- એક નંબર, અનેક બસો: આરટીઓ અને પોલીસને આંખમાં ધૂળ નાખનાર કૌભાંડીઓ સકંજામાં
સિટી ન્યૂઝ @ જેતપુર
જેતપુર ઉદ્યોગનગર પોલીસ દ્વારા એક સુઆયોજિત આંતરરાજ્ય ટેક્સ ચોરીના કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ટ્રાવેલ્સ સંચાલકો દ્વારા લાખો રૂપિયાનો રોડ ટેક્સ અને વાહન વીમો બચાવવા માટે એક જ સરખા રજીસ્ટ્રેશન નંબર ધરાવતી નકલી પ્લેટો લગાવીને અનેક બસો દોડાવવામાં આવતી હતી. જેતપુર પોલીસે આ મામલે 10 લક્ઝરી ટ્રાવેલ્સ બસ અને 1 ઓમ્ની કાર સહિત કુલ 11 વાહનો જપ્ત કર્યા છે, જેની અંદાજિત કિંમત રૂ.1.55 કરોડ જેટલી થાય છે. આ કૌભાંડમાં સંડોવાયેલા ટ્રાવેલ્સ સંચાલક પિતા-પુત્ર અને અન્ય એક વ્યક્તિ મળી કુલ ત્રણની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસને મળેલી બાતમીના આધારે રબારીકા ચોકડી પાસે વોચ ગોઠવીને જ્યારે તપાસ કરવામાં આવી, ત્યારે 'શ્રી મહાલક્ષ્મી ટ્રાવેલ્સ'ની બસમાં ખોટી નંબર પ્લેટ હોવાનું માલૂમ પડ્યું હતું. ત્યારબાદ પોલીસે 'પાવન ટ્રાવેલ્સ'ના ડેલામાં દરોડા પાડતા ત્યાં પણ એક જ સરખા રજીસ્ટ્રેશન નંબર મારેલી અન્ય ચાર લક્ઝરી બસો મળી આવી હતી. આરોપીઓ આટલા શાતિર હતા કે એક બસ લોકલ રૂટ પર તો બીજી બસ મહારાષ્ટ્ર જેવા લાંબા અંતરના રૂટ પર દોડાવીને આરટીઓ તથા પોલીસ તંત્રને સતત થાપ આપતા હતા.
પ્રાથમિક તપાસ મુજબ આ કૌભાંડ છેલ્લા 2 થી 3 મહિનાથી વધુ સમયથી ચાલતું હોવાની શક્યતા છે. આ ગુનાહિત કારસ્તાનમાં કોઈ આરટીઓ કર્મચારી કે અન્ય વચેટિયાઓની મદદ છે કે કેમ, તે દિશામાં પણ જેતપુર ડિવિઝનના ડીવાયએસપી રોહિતસિંહ ડોડીયા દ્વારા સઘન તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આ કૌભાંડ દ્વારા સરકારને કરોડો રૂપિયાના ટેક્સનું નુકસાન થયું હોવાની આશંકા સેવાઈ રહી છે. હાલમાં પોલીસે ત્રણેય આરોપીઓ સામે મોટર વાહન અધિનિયમ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
કૌભાંડની મોડસ ઓપરેન્ડી અને વિગતો
ટ્રાવેલ્સ સંચાલકોએ આરટીઓ તંત્રને ગુમરાહ કરવા માટે નકલી દસ્તાવેજો અને બનાવટી નંબર પ્લેટનો ઉપયોગ કર્યો હતો. આરોપીઓ એક જ નંબરનો ઉપયોગ કરીને સૌરાષ્ટ્રમાં લોકલ અને સુરત કે મહારાષ્ટ્ર તરફ લાંબા રૂટ પર અલગ-અલગ બસો ગેરકાયદેસર રીતે ચલાવતા હતા. આ પ્રકારના નેટવર્કથી ટોલ પ્લાઝા અને ચેકપોસ્ટ પરથી કોઈપણ રોકટોક વગર બસો પસાર થઈ જતી હતી. હાલ પોલીસે પાવન અલ્પેશ જયસ્વાલ, અલ્પેશ નવીનચંદ્ર જયસ્વાલ અને કૌશિક યોગેશ જયસ્વાલની ધરપકડ કરીને આ આખા નેટવર્કની ઊંડી તપાસ શરૂ કરી છે.