Loading Please Wait !!!
મનપાના આસિ. ઇજનેર સાથે રૂપિયા 2.49 કરોડની છેતરપિંડી

  • દંપતીએ જમીનના સોદા અને દલાલીમાં મોટો નફો અપાવવાની લાલચ આપી નાણા પડાવ્યા: ફરિયાદ

સીટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ વિસ્તારમાં રહેતા અને રાજકોટ મહાનગરપાલિકામાં આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે ફરજ બજાવતા કરણરાજસિંહ ઝાલાએ એક દંપતી સામે રૂ. ૨.૪૯ કરોડથી વધુની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ આરોપી આશિષ બાવાલાલ દેથરીયા અને તેની પત્ની દીપાબેને જમીનના સોદા અને દલાલીમાં મોટો નફો અપાવવાની લાલચ આપી વિશ્વાસ કેળવી ફરિયાદી અને તેમના પરિવાર પાસેથી કરોડો રૂપિયા પડાવ્યા હતા. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, કરણરાજસિંહની પત્ની કૃપાબા આત્મીય સ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. ત્યાં તેમની ઓળખ દીપાબેન સાથે થઈ હતી, જે બાદ બંને પરિવારો વચ્ચે ઘરોબો વધ્યો હતો.

શરૂઆતમાં આરોપીઓએ રૂ. ૨૦ હજાર ઉછીના લઈને સમયસર પરત આપતા ફરિયાદીનો વિશ્વાસ જીત્યો હતો. ત્યારબાદ વિવિધ બહાનાસર મોટી રકમોની માંગણી શરૂ કરી હતી આરોપીઓએ અવધ વિસ્તારમાં આવેલી આશરે રૂ. ૧૧૦ કરોડ કિંમતની જમીનનો સોદો થવાનો હોવાનું જણાવી તેમાં રોકાણ કરવા સમજાવ્યા હતા, જમીન વેચાણ બાદ મળનારી દલાલીની રકમમાં ભાગ આપવાની લાલચ પણ આપી હતી. વિશ્વાસ વધારવા માટે જમીન બતાવી, વિવિધ વ્યક્તિઓ સાથે ફોન પર વાત કરાવી તેમજ બેંકની ખોટી સ્લિપ મોકલવા જેવા હથકંડા અપનાવ્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

ફરિયાદીનો આક્ષેપ છે કે આરોપીઓના કહેવાથી તેમણે પોતાની બચત ઉપરાંત સંબંધીઓ અને મિત્રોથી ઉછીના રૂપિયા લીધા, બેંક લોન લીધી, ક્રેડિટ કાર્ડમાંથી રકમ ઉપાડી તેમજ સોનાના દાગીના ગીરવે મૂકી અને વેચીને કુલ રૂ. ૨,૪૯,૭૦,૧૦૧ વિવિધ ખાતાઓ અને વ્યક્તિઓને ટ્રાન્સફર કર્યા હતા. તપાસ કરતાં ફરિયાદીને જાણવા મળ્યું કે, જમીનના માલિક, ખરીદદાર અને અન્ય મધ્યસ્થી તરીકે ઓળખાવવામાં આવેલા કેટલાક નામો અને ઓળખ ખોટી હતી. મોબાઇલ નંબરો પણ આરોપીઓ અથવા તેમના ઓળખીતાઓના નામે નોંધાયેલા હોવાનું બહાર આવ્યું હતું. આરોપીઓએ ખોટી ઓળખ ધારણ કરીને જમીન માલિક, ખરીદદાર અને દલાલ તરીકે વાતચીત કરી સમગ્ર કાવતરું રચ્યું હોવાનો આરોપ છે આ મામલે કરણરાજસિંહ ઝાલાની ફરિયાદના આધારે પોલીસે આશિષ દેથરીયા, દીપાબેન દેથરીયા તથા તપાસ દરમિયાન સંડોવણી ખૂલે તેવા અન્ય શખ્સો સામે છેતરપિંડી, વિશ્વાસઘાત અને ગુનાહિત કાવતરાની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.