Loading Please Wait !!!
ગુજરાતમાં 12 કલાકમાં 280 કિલો ચાંદી ઝડપાતા વેપારીઓમાં ભારે ફફડાટ

  •  હિરાસર એરપોર્ટ પર સેન્ટ્રલ IBના ઇનપુટથી સંયુક્ત દરોડા; ‘સનરાઈઝ પેઢી’ કનેક્શનની તપાસ તેજ
  • એરપોર્ટ પર પકડાયેલા 180 કિલો ચાંદીના જથ્થા સાથે લિંક શોધવા કવાયત; દસ્તાવેજો અધૂરા મળ્યા
  • કુરિયર સંચાલક અને 3 મોટા વેપારીઓની સઘન પૂછપરછ; જોબ વર્કના નામે ટેક્સ ચોરીની આશંકા

સિટી ન્યુઝ @  અમદાવાદ 

ગુજરાતમાં કરચોરી અને કિંમતી ધાતુઓની ગેરકાયદેસર હેરાફેરી સામે સરકારી એજન્સીઓએ અત્યાર સુધીનું સૌથી મોટું ઓપરેશન પાર પાડ્યું છે. રાજ્યમાં માત્ર 12 કલાકના ટૂંકા ગાળામાં અલગ-અલગ સ્થળોએથી કુલ 280 કિલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આ ઓપરેશનમાં સેન્ટ્રલ IB, સેન્ટ્રલ GST, સ્ટેટ GST અને ગુજરાત ATS સહિતની ઉચ્ચ સ્તરીય ટીમો જોડાઈ છે. કિંમતી ધાતુ ગણાતી ચાંદીના આટલા મોટા ગેરકાયદેસર વ્યવહારો સામે આવતા જ રાજકોટ અને અમદાવાદના સોના-ચાંદી બજારના વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

આ હાઈપ્રોફાઈલ કેસની શરૂઆત રાજકોટના હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી થઈ હતી, જ્યાં સેન્ટ્રલ IB તરફથી ચોક્કસ આકાશી ઇનપુટ મળ્યા હતા કે મુંબઈથી આવતી ફ્લાઈટમાં મોટા પ્રમાણમાં કિંમતી ધાતુ લવાઈ રહી છે. બાતમીના આધારે ગુજરાત ATS અને રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચે વહેલી સવારે સંયુક્ત વોચ ગોઠવીને એરપોર્ટ કાર્ગો વિભાગમાંથી 180 કિલો ચાંદી ઝડપી પાડી હતી. આ જથ્થો ઉત્તર પ્રદેશના વારાણસી ખાતે આવેલી 'સનરાઈઝ પેઢી' ના વેપારી દ્વારા વાયા મુંબઈ થઈને રાજકોટના સામાકાંઠા વિસ્તારના વેપારીઓ સુધી જોબ વર્ક માટે મોકલવામાં આવ્યો હોવાનું ખુલ્યું છે.

એરપોર્ટ પર ચાંદી પકડાયાની ગણતરીની કલાકોમાં જ સ્ટેટ GSTની ટીમે અમદાવાદના ગીતા મંદિર એસટી સ્ટેન્ડ નજીકથી એક લક્ઝરી બસમાં રાજકોટ તરફ જઈ રહેલા એક શંકાસ્પદ શખ્સને અટકાવ્યો હતો. આ વ્યક્તિની તપાસ દરમિયાન તેની પાસેથી અન્ય 100 કિલો ચાંદીનો જથ્થો મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં આ 100 કિલો જથ્થામાંથી 80% માલનું કોઈ પાકું બિલ કે કાયદેસરના દસ્તાવેજો મળ્યા નથી. હાલ સ્ટેટ જીએસટી વિભાગ એ દિશામાં તપાસ કરી રહ્યું છે કે આ જથ્થાનું એરપોર્ટ પર પકડાયેલા કરોડોના માલ સાથે કોઈ સીધું કનેક્શન છે કે કેમ.

સત્તાવાર દસ્તાવેજોની ચકાસણી કરતા માલ મોકલનાર વેપારીએ યોગ્ય ટેક્સ ભરપાઈ ન કર્યો હોવાના પુરાવા મળ્યા છે, જે મોટી કરચોરી તરફ સંકેત કરે છે. કેસની આર્થિક સંવેદનશીલતાને જોતા હવે ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) અને ઇન્કમ ટેક્સ વિભાગ પણ આ તપાસમાં સામેલ થયા છે. આ ચાંદી કોઈ હવાલા નેટવર્ક અથવા મોટા સ્મગલિંગ કૌભાંડનો ભાગ છે કે કેમ તે જાણવા માટે રાજકોટના 3 મોટા વેપારીઓ અને સ્થાનિક કુરિયર સંચાલકની અટકાયત કરીને સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

નવા સરકારી નિયમો અને ચાંદીના ભાવમાં ભડકો

પશ્ચિમ એશિયા એટલે કે મિડલ ઈસ્ટમાં વધી રહેલા ભીષણ સૈન્ય સંઘર્ષ અને તણાવ વચ્ચે કેન્દ્ર સરકારે સાવચેતીના ભાગરૂપે ચાંદીની 3 મુખ્ય કેટેગરી (99.9% શુદ્ધતાવાળી સિલ્વર બાર, અનરોટ સિલ્વર અને સિલ્વર પાવડર) ની મુક્ત આયાત પર નવા કડક પ્રતિબંધો લાદી દીધા છે. હવે વિદેશથી ચાંદી મંગાવવા માટે સરકારની ખાસ મંજૂરી લેવી ફરજિયાત બનાવવામાં આવી છે. આ આયાત નિયંત્રણો અને વૈશ્વિક કટોકટીના કારણે જ ચાલુ અઠવાડિયે ચાંદીના ભાવમાં ₹12,900 નો તોતિંગ ઉછાળો આવ્યો છે અને તે રેકોર્ડબ્રેક ₹2.69 લાખના સ્તરે પહોંચી ગઈ છે, જેના કારણે બજારમાં બિનઅધિકૃત હેરાફેરી વધી છે.