અમદાવાદમાં સેલ્સ ગર્લનો કરોડોનો હાથફેરો: ૧.૬૬ કરોડના દાગીના લઈ રફુચક્કર
- શો-રૂમના યુનિફોર્મમાં જ છુપાવ્યા દાગીના; સીસીટીવીમાં ચોરીની આખી ઘટના કેદ
- માલિક ઘરે જમવા ગયા ને હર્ષિદા શેટ્ટીએ તિજોરી સાફ કરી; પોલીસ દ્વારા શોધખોળ તેજ
- ચેઇન, લકી અને મંગળસૂત્ર સહિતના દાગીનાની ચોરી; ફોન સ્વીચ ઓફ કરી થઈ ગઈ ગાયબ
સિટી ન્યુઝ @ અમદાવાદ
અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલા એક જાણીતા સોના-ચાંદીના શો-રૂમમાં વિશ્વાસઘાત અને ચોરીની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શો-રૂમમાં જ સેલ્સ ગર્લ તરીકે ફરજ બજાવતી હર્ષિદા શેટ્ટી નામની યુવતી અંદાજે ૧.૬૬ કરોડ રૂપિયાના સોનાના દાગીના લઈને ફરાર થઈ ગઈ છે. આ ઘટના ત્યારે બની જ્યારે શો-રૂમના માલિક બપોરે જમવા માટે ઘરે ગયા હતા. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ગુનો નોંધી આરોપી યુવતીની શોધખોળ શરૂ કરી છે.
ઘટનાની વિગત મુજબ, નિકોલના અનમોલ સર્કલ પાસે આવેલા ગ્રેવિટી શોપિંગ મોલમાં 'આભૂષણ' નામનો શો-રૂમ ધરાવતા દર્શનભાઈ શાહના ત્યાં હર્ષિદા શેટ્ટી છેલ્લા ૧૧ મહિનાથી નોકરી કરતી હતી. ૧૧ મે ૨૦૨૬ના રોજ બપોરે જ્યારે દર્શનભાઈ ઘરે હતા, ત્યારે હર્ષિદાએ શો-રૂમના યુનિફોર્મ એવા શૂટ અને બ્લેઝરના ખિસ્સામાં તિજોરીમાંથી સોનાની ચેન, લકી, મંગળસૂત્ર અને વીંટીઓ સેરવવાનું શરૂ કર્યું હતું. સીસીટીવીમાં સ્પષ્ટ દેખાય છે કે તે દાગીના ચોર્યા બાદ સાથી કર્મચારીઓ સાથે એકદમ સામાન્ય રીતે વાતચીત કરી રહી હતી જેથી કોઈને શંકા ન જાય.
ચોરીનો ખુલાસો સાંજે થયો જ્યારે એક ગ્રાહક ખરીદી માટે આવ્યા અને સ્ટોકમાં રાખેલી એક સોનાની લકી ઓછી જણાઈ. તપાસ કરતા માલુમ પડ્યું કે હર્ષિદા શેટ્ટી ઇમરજન્સી કામનું બહાનું બતાવીને ૪:૩૦ વાગ્યે નીકળી ગઈ હતી. દર્શનભાઈએ સીસીટીવી તપાસતા હર્ષિદા કબાટમાંથી દાગીના કાઢીને પોતાના બેગ અને ખિસ્સામાં મુકતી જોવા મળી હતી. આ મામલે જ્યારે તેનો સંપર્ક કરવાનો પ્રયાસ કરાયો ત્યારે તેનો મોબાઈલ ફોન સ્વીચ ઓફ આવતો હતો.
રસપ્રદ વાત એ છે કે, આરોપી યુવતી સોશિયલ મીડિયા પર ‘Stay Loyal’ (વફાદાર રહો) જેવા સ્ટેટસ મૂકતી હતી અને ગંભીર વિચારો શેર કરતી હતી, પરંતુ વાસ્તવિક જીવનમાં તેણે કરોડોની ચોરીને અંજામ આપ્યો છે. શો-રૂમમાંથી સોનાની ચેન, ઘડિયાળ, બુટ્ટી અને પેન્ડલ મળીને કુલ ૧.૬૬ કરોડની મત્તા ચોરાઈ હોવાની પુષ્ટિ થઈ છે. નિકોલ પોલીસના જણાવ્યા મુજબ, યુવતીએ પૂર્વ આયોજિત કાવતરું ઘડીને આ ચોરી કરી હોય તેમ જણાય છે.
રાજ્યમાં એક તરફ વડોદરાના વાઘોડિયામાં પણ વેપારીને લૂંટવાની ઘટના બની છે, ત્યારે અમદાવાદની આ મેગા ચોરીએ પોલીસ તંત્રને દોડતું કરી દીધું છે. જ્વેલરી એસોસિએશન દ્વારા પણ શો-રૂમમાં કામ કરતા સ્ટાફની યોગ્ય તપાસ અને પોલીસ વેરિફિકેશન કરાવવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. હાલમાં પોલીસની અલગ-અલગ ટીમો હર્ષિદા શેટ્ટીના રહેઠાણ અને સંભવિત આશરા સ્થાનો પર દરોડા પાડી રહી છે.