Loading Please Wait !!!
મોરબી ભાજપનો વિજય ઉત્સવ: પ્રમુખે નવા સુકાનીઓને આપી સેવા મંત્રની શીખ

  • ‘રાજનીતિ કમાવાનું સાધન નથી, સેવા માટેનું ક્ષેત્ર છે’; પક્ષ અને કમળ સર્વોપરી હોવાની ટકોર.
  • 250માંથી 178 બેઠકો પર ભાજપનો વિજય; AAP ના વધતા પ્રભાવને રોકવા બૂથ વાઇઝ એનાલિસિસના આદેશ.
  • કમલમ ખાતે વિજેતા ઉમેદવારોનો અભિવાદન સમારોહ; ‘આપ’ જમ ઘર ભાળી ન જાય તેની તકેદારી રાખવા સૂચના.

મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય 'કમલમ' ખાતે તાજેતરમાં સંપન્ન થયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વિજેતા બનેલા ઉમેદવારોનો ભવ્ય અભિવાદન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયાએ નવા ચૂંટાયેલા સભ્યોને કડક શબ્દોમાં શિસ્ત અને સેવાની શીખ આપતા જણાવ્યું હતું કે, રાજનીતિ એ કમાવાનું સાધન નથી પરંતુ લોકસેવા માટેનું ક્ષેત્ર છે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે પક્ષમાં વ્યક્તિ કરતાં 'કમળ' અને સંગઠન સર્વોપરી છે અને દરેક સભ્યએ આ વાતને નજર સમક્ષ રાખીને આગામી 5 વર્ષ સુધી પ્રજાના કામો કરવાના રહેશે.

મોરબી જિલ્લામાં જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા, 3 નગરપાલિકાઓ અને 5 તાલુકા પંચાયતોની કુલ 250 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. જેમાંથી 178 બેઠકો પર ભાજપનો વિજય થયો છે. આ વિજયને વધાવવા માટે આયોજિત સમારોહમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, પ્રકાશભાઈ વરમોરા, માજી મંત્રી મોહનભાઈ કુંડારીયા અને બ્રિજેશભાઈ મેરજા સહિતના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. નેતાઓએ વિજેતાઓને અભિનંદન પાઠવવાની સાથે સાથે હારેલા ઉમેદવારોને પણ પક્ષની પડખે રહીને કામ કરવા પ્રોત્સાહિત કર્યા હતા.

જોકે, આ ઉજવણી વચ્ચે ભાજપના આગેવાનોમાં કેટલીક બેઠકો પર થયેલી હારને લઈ ચિંતા પણ જોવા મળી હતી. ખાસ કરીને જિલ્લા પંચાયતમાં પ્રમુખ પદ માટેની જે મહત્વની બેઠક હતી, તેના પર ભાજપના ઉમેદવારનો પરાજય થતા પક્ષના આંતરિક માળખામાં મંથન શરૂ થયું છે. આ ઉપરાંત કેટલીક બેઠકો પર આમ આદમી પાર્ટીનો વિજય થયો છે, તેને ગંભીરતાથી લઈ આગેવાનોએ ટકોર કરી હતી કે 'આપ' જમ ઘર ભાળી ન જાય તે જોવાની જવાબદારી કાર્યકરોની છે. આ માટે આગામી વિધાનસભા ચૂંટણી પહેલા બૂથ વાઇઝ મતોનું એનાલિસિસ કરી વિકાસ કામો પર ધ્યાન કેન્દ્રિત કરવા આદેશ અપાયા છે.

જિલ્લા પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયાએ ઉમેદવારોને વસ્તુલક્ષી સલાહ આપતા કહ્યું હતું કે, "તમે સારા કામ કરશો એટલે આગામી સમયમાં ટિકિટ મળી જ જશે તેવું માનવાની જરૂર નથી. ક્યારેક સારા કામ કર્યા હોવા છતાં પક્ષના હિતમાં ટિકિટ ન પણ મળે, કારણ કે પક્ષ જ મહાન છે." તેમણે સભ્યોને અહંકાર છોડીને લોકોની વચ્ચે જઈને કામ કરવા અને પક્ષની છબી સુધારવા પર ભાર મૂક્યો હતો. પક્ષના આદેશ મુજબ હવે તમામ વિજેતા સભ્યોએ પોતપોતાના વિસ્તારમાં બૂથ સ્તરે જઈને લોકોના પ્રશ્નો ઉકેલવા પડશે.

આ અભિવાદન સમારોહમાં જિલ્લા ભાજપ પ્રભારી ગજેન્દ્રભાઈ સક્સેના, ચંદુભાઈ સિહોરા, માજી પ્રમુખ રાઘવજીભાઈ ગડારા અને હંસાબેન પારઘી સહિતના આગેવાનોએ પણ હાજરી આપી હતી. કાર્યક્રમમાં જિલ્લામાં ભાજપના મજબૂત બનેલા શાસન અંગે સંતોષ વ્યક્ત કરાયો હતો, પરંતુ સાથે જ પડકારજનક બેઠકો પર નવી રણનીતિ ઘડવા પર ભાર મુકાયો હતો. આમ, મોરબી ભાજપે જીતના ઉત્સાહ સાથે આત્મમંથન અને શિસ્તનો નવો અધ્યાય શરૂ કર્યો છે.